કડી ભાજપમાં પૂર્વ DyCM અને MLA જૂથ સામસામે!
ભાજપના બંને જૂથોએ એક જ દિવસે અને એક જ સમયે રાખતાં દિવાળી સ્નેહમિલન રાખતાં વિવાદ

કડી એપીએમસીની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ નહી લખતાં રાજકીય માહોલ ગરમાયો

કડી એપીએમસીની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ નહી લખતાં રાજકીય માહોલ ગરમાયો
કડી ભાજપમાં જૂથવાદ શમવાનું નામ લેતો નથી. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂથ સામસામે આવી ગયા છે. કડીમાં દિવાળી સ્નેહમિલન બંને જૂથોએ એક જ દિવસે અને એક જ સમયે રાખતાં વિખવાદ બહાર આવ્યો છે. કડી એપીએમસીની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ નહી લખતાં સમગ્ર વિવાદ ખૂલીને બહાર આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે ગજગ્રાહ જાહેરમાં ડોકાયો હતો. તેવામાં વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સાથે પણ નીતિન પટેલના જૂથે અંતર જાળવતાં આગામી દિવસોમાં વિવાદના ફટાકડાં ફૂટે તેવી શક્યતા છે.
સામાન્ય રીતે દિવાળીના પર્વ દરમિયાન લોકો શિવાકાશીના ફટાકડા ફોડતાં હોય છે. પણ, કડી ભાજપમાં અત્યારે વિવાદના ફટાકડાં ફૂટી રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂથ અને કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનું જૂથ દિવાળી સ્નેહમિલનના આયોજન મુદ્દે સામસામે આવી ગયું છે.
નીતિન પટેલના જૂથ ગણાતા કડી એપીએમસીના સત્તાધીશોએ 22 ઓક્ટોબરે સવારે 10 કલાકે માર્કેટયાર્ડમાં દિવાળી સ્નેહમિલનનું આયોજન કર્યુ છે. જ્યારે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના જૂથે 22 ઓક્ટોબરના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન વડવાળા હનુમાનજી મંદિર પાસે હનુમંત પ્લાઝામાં દિવાળી સ્નેહમિલન રાખ્યુ છે. એક જ દિવસે અને એક જ સમયે કડી ભાજપના બે કાર્યક્રમોનું આયોજન થતાં પક્ષનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
કડી માર્કેટયાર્ડની આમંત્રણ પત્રિકામાં નગરપાલિકા અને માર્કેટયાર્ડના સત્તાધીશોના નામ લખવામાં આવ્યા છે. પરંતુ, ધારાસભ્યનું નામ લખવામાં આવ્યુ નથી. જ્યારે ધારાસભ્ય જૂથની આમંત્રણ પત્રિકામાં કડી શહેર અને તાલુકા ભાજપ, કડી નગરપાલિકા, જોટાણા તાલુકા પંચાયતના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બંને કાર્યક્રમોનો એક જ સમય હોવાથી ભાજપના કાર્યકરો મૂંઝવણમાં મૂકાયા છે.
કડી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા પણ કડી શહેર અને તાલુકા ભાજપમાં વિખવાદ હતો. ચૂંટણી સમયે ભાજપમાં કોઈ જૂથવાદ નહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ, આ દાવો માત્ર દેખાડા પૂરતો કરવામાં આવ્યો હોવાનું હાલમાં પુરવાર થયું છે.
પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે ચાલતા જૂથવાદ બાદ હવે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને નીતિન પટેલના સમર્થક માર્કેટયાર્ડના સત્તાધીશો વચ્ચે રાજકીય અંતર દેખાવા લાગ્યું છે. ભાજપના બંને જૂથો દ્વારા એક જ દિવસે અને એક જ સમયે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવતાં શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો મૂંઝવણમાં મૂકાયા છે કે કોના કાર્યક્રમમાં હાજરી આપવી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ચર્ચા ચાલી રહી છે કે, માર્કેટયાર્ડ દ્વારા આયોજિત સ્નેહમિલનમાં નીતિન પટેલના સમર્થકો અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના સ્નેહમિલનમાં તેમના સમર્થકો હાજર રહેશે. કડી ભાજપમાં વિખવાદ ચાલુ રહેશે તો પક્ષના સંગઠન પર વિપરીત અસર થવાની શક્યતા છે. જેની અસર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને વિધાનસભાની ચૂંટણીમાં પડશે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેનો ગજગ્રાહ અનેક વખત જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય અને નીતિન પટેલના જૂથવાદને ડામવા પ્રદેશ ભાજપે પેટા ચૂંટણી દરમિયાન કડીના નેતાને ટિકિટ નહી આપીને જોટાણાના રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા.
કડી ભાજપના જૂથવાદની ગૂંજ પ્રદેશ ભાજપ સુધી પહોંચી હતી. કરશન સોલંકીનું નિધન થતાં ખાલી પડેલી બેઠક ઉપર જોટાણાના રાજેન્દ્ર ચાવડા જંગી લીડથી જીત્યા હતા. કરશન સોલંકી બાદ હવે રાજેન્દ્ર ચાવડાને પણ કડી પંથકના જૂથવાદનો સામનો કરવાનો વારો આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?