ખેતી બેંકના ચેરમેન ગેરકાયદે સભાસદ બની ગયા?, જાણો
ગાંધીનગરના ટાઉનહોલમાં યોજાયેલી સામાન્ય સભામાં ગેરકાયદે સભાસદ મુદ્દે હોબાળો
ચેરમેન ડોલર કોટેચાની પોલ ન ખૂલે તે માટે બે પ્રતિનિધિઓની સામાન્ય સભા પહેલાં અટકાયત કરાઈ
ચેરમેન ડોલર કોટેચાની પોલ ન ખૂલે તે માટે બે પ્રતિનિધિઓની સામાન્ય સભા પહેલાં અટકાયત કરાઈ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ના ચેરમેન ગેરકાયદે સભાસદ બની ગયા હોવાનો સામાન્ય સભામાં ખુલાસો થયો છે. ગાંધીનગરના ટાઉનહોલમાં યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેન ડોલર કોટેચા ગેરકાયદે સભાસદ બનવા મામલે હોબાળો થયો હતો. કેટલાક સભાસદોએ ડોલર કોટેચાને ગેરકાયદે સભાસદ બનવા મામલે ખુલાસો માગતા સામાન્ય સભા તાત્કાલિક આરોપી લેવામાં આવી હતી. જ્યારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેન ડોલર કોટેચાની પોલ ન ખુલે તે માટે મહેસાણા અને સાબરકાંઠા પ્રતિનિધિની અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. મામલો સહકારી આલમમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ગાંધીનગરના ટાઉનહોલમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની સામાન્ય સભા અને મુખ્યમંત્રી ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા, બેંકના ડિરેક્ટરો અને સભાસદો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામાન્ય સભા યોજાઈ હતી.
જેમાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા ગેરકાયદે સભાસદ બનવા મુદ્દે કેટલાક સભાસદોએ હોબાળો કર્યો હતો. ગેરકાયદે સભાસદ હોવાનો ખુલાસો માંગવામાં આવતા ચેરમેને જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે હોબાળો થતાં સામાન્ય સભા તાત્કાલિક આટોપી લેવામાં આવી હતી. આ સમયે ખેતી બેંકના અમદાવાદ જિલ્લા પ્રતિનિધિ કાનભા ગોહિલે પણ મંચ ઉપરથી ખુલ્લો વિરોધ કર્યો હતો. જેના કારણે સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો. 
સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં મહેસાણા ખેતી બેંકના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી અને સાબરકાંઠા ખેતી બેંકના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની પણ અટકાયત કરવામાં આવી હતી. બંને પ્રતિનિધિઓને ટાઉનહોલના ગેટ પાસેથી અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ બંને પ્રતિનિધિઓને મુક્ત કરવામાં આવ્યા હતા. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરેલા ગેરકાયદે ઠરાવોનો બંને પ્રતિનિધિએ વિરોધ કર્યો હતો. સામાન્ય સભામાં બંને પ્રતિનિધિઓ ડોલર કોટેચા પાસેથી ખુલાસો માગવાના હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ચેરમેનની પોલ ખુલી ન જાય તે માટે બંને પ્રતિનિધિઓની અટકાયત કરવામાં આવી હતી.

શું છે ગેરકાયદે સભાસદનો મામલો?
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની સામાન્ય સભામાં એજન્ડા છુપાવી કેટલાક પેટા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હતા. પાછલા બારણે થાપણદારને પણ સભાસદ બનાવવાનો પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. ખેતીની જમીન ધારણ ન કરતો હોય તેમજ ખેતી બેંકમાં ધિરાણ ન લીધુ હોય તેવા બિન ખેડૂતને સભાસદ બનાવવાના ષડયંત્ર હેઠળ પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. પેટા નિયમોમાં સુધારા મંજૂર કરવા માટે ડિસેમ્બર-2024માં ખાસ સાધારણ સભા પણ બોલાવાઈ હતી.

ખાસ સાધારણ સભામાં એજન્ડાની જાણ કર્યા વગર પેટા નિયમોમાં સુધારાને વંચાણે લીધા વગર માત્ર કાગળ ઉપર મંજૂર કરાવી રાજ્ય સહકારી રજિસ્ટ્રાર કચેરીમાં મંજૂરી માટે મોકલાયા હતા. જેની સામે ખેડૂતોએ વિરોધ કરતાં રાજ્ય રજિસ્ટ્રારે 5 મે 2025ના રોજ સુનાવણી રાખી હતી. સુનાવણી પહેલાં રાજ્ય સહકારી રજિસ્ટ્રાર એન.વી. ઉપાધ્યાયની બદલી થઈ હતી. સુનાવણી સમયે એન.વી. ઉપાધ્યાય હાજર નહી હોવાથી સંયુક્ત રજિસ્ટ્રાર શ્વેતાબેન પટેલે લેખિતમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.
5 મે 2025ના રોજ લેખિત જવાબ રજૂ કરી તમામ સુધારાઓ સામે વાંધા આપ્યા હતા. વાંધાઓને ધ્યાને લીધા વગર રજિસ્ટ્રારે બદલીનો હુકમ થઈ ગયો હોવા છતાં તેમજ વાંધા લેનારને સાંભળ્યા એકતરફી નિર્ણય કર્યો હતો. અધિકારીની બદલી થઈ હોવા છતાં જૂની તારીખમાં સહી કરી સંસ્થાને હાનિ પહોંચાડી હોવાથી મહેસાણાના રમેશભાઈ ચૌધરીએ સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. આ મામલે કોઈ નિર્ણય નહી આવતાં રમેશભાઈ ચૌધરીએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ સમક્ષ અપીલ કરી હતી. તેથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ(અપીલ) આર.એચ.દાતણિયાએ રિવિઝન અરજી ગ્રાહ્ય રાખી રાજ્ય રજિસ્ટ્રારે 7 મે 2025ના રોજ કરેલા હુકમ સામે કામચલાઉ મનાઇ હુકમ આપ્યો છે.
ચેરમેન ડોલર કોટેચાની GSC બેન્કના ડિરેક્ટર તરીકેની મુદત પૂર્ણ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ના ચેરમેન ડોલર કોટેચા GSC બેન્કના પ્રતિનિધિ તરીકે ખેતી બેંકના બોર્ડમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે આવ્યા હતા. GSC બેન્કમાં ડિરેક્ટર તરીકે ડોલર કોટેચાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ખેતી બેંકના બોર્ડની મુદત વર્ષ 2026માં પૂર્ણ થાય છે. તેમ છતાં તેઓ ચેરમેનપદે ચાલુ રહેતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
સહકારી કાયદાનો ભંગ કરી બન્યા હતા પેરાશૂટ ચેરમેન
સહકારી કાયદાની કલમ 74(1-ક)ની પેટા કલમ-2માં સ્પષ્ટ જોગવાઈ છે કે, ફક્ત ચૂંટાયેલા સભ્યો જ નિયામક મંડળના હોદ્દેદાર બનવા હક્કદાર છે. તેમ છતાં GSC બેન્કના પ્રતિનિધિ તરીકે કો-ઓપ્ટ સભ્ય તરીકે ખેતી બેંકમાં આવેલા ડોલર કોટેચા પેરાશૂટ ચેરમેન બની ગયા છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.