શું ગુજરાત ભાજપ પ્રમુખની વરણી નહી થતાં રાષ્ટ્રીય ભાજપ પ્રમુખનું કોકડું ગૂંચવાયું?
નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, રાજનાથસિંહની મુલાકાતથી રાજકીચ વર્તુળોમાં ચર્ચા

રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી બાદ કેન્દ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા

રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી બાદ કેન્દ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા
ગુજરાત ભાજપ પ્રમુખની વરણી નહી થવાના કારણે રાષ્ટ્રીય ભાજપ પ્રમુખનું કોકડું ગૂંચવાયુ હોવાનું જાણવા મળ્યુ છે. રાષ્ટ્રીય પ્રમુખની વરણીમાં ગુજરાત અને ઉત્તરપ્રદેશના પ્રદેશ પ્રમુખની વરણી નહી થવાના કારણો સામે આવ્યા છે. છેલ્લાં પાંચ દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, જે.પી.નડ્ડાના નિવાસસ્થાને અમિત શાહ, રાજનાથસિંહ, અશ્વિની વૈષ્ણવની મુલાકાત તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની વડાપ્રધાન અને ગૃહમંત્રીની મુલાકાતને રાજકીય વર્તુળો સૂચક ગણી રહ્યા છે. આગામી દિવસોમાં ભાજપ સંગઠન અને કેન્દ્ર સરકારમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે.
ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધ્યક્ષની વરણી હવે મે મહિનામાં થાય તેવી શક્યતા છે. રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી જાન્યુઆરી મહિનામાં થવાની હતી. પરંતુ ચાર મહિના બાદ કોકડું ગૂંચવાયુ છે. રાષ્ટ્રીય અધ્યક્ષની વરણીના વિલંબનું સૌથી મોટું કારણ ગજરાત અને ઉત્તરપ્રદેશમાં પ્રદેશ પ્રમુખોની વરણી નહી થવાનું કહેવાય છે. જ્યાં સુધી બંને રાજ્યોમાં સંગઠનનું નેતૃત્વ નક્કી નહી થાય ત્યાં સુધી રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી પણ વિલંબિત થઈ શકે છે.
ગુજરાત પ્રમુખનું કોકડું કેમ ગૂંચવાયું?
ગુજરાત ભાજપ પ્રમુખની વરણી જાન્યુઆરી-2025માં કરવાની હતી. પરંતુ, જાતિ અને વિસ્તારના સમીકરણ પ્રમાણે ભાજપને યોગ્ય પ્રદેશ પ્રમુખ નહી મળતાં કોકડું ગૂંચવાયુ છે. બીજી તરફ, ગુજરાતના રાજકારણમાં અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલની મહત્વની ભૂમિકા હોય છે. તેવા સમયે ત્રણેય જૂથના સર્વસામાન્ય નેતાની પસંદગી કરવી અઘરી સાબિત થઈ રહી છે. તેવામાં RSS એ પણ રાષ્ટ્રીય પ્રમુખની સાથે ગુજરાતમાં પણ પોતાની વિચારધારાવાળા વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
હાલમાં મુખ્યમંત્રી મધ્ય ગુજરાત અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી હવે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી અથવા ક્ષત્રિય સમાજના પ્રદેશ પ્રમુખની પસંદગી થવાની શક્યતા છે. તેવા સમયે જાતિગત સમીકરણ અને વિસ્તારનું સમીકરણ સાચવવા પક્ષમાં ગડમથલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
આનંદીબેન પટેલની PM અને HM સાથે સૂચક મુલાકાત
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં આનંદીબેન પટેલની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ લખનૌમાં મુલાકાત કરી હતી. આનંદીબેન પટેલની વારંવારની મુલાકાતો પણ ગુજરાતના રાજકારણ માટે ઘણી સૂચક માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય પ્રમુખની વરણી બાદ સંગઠનમાં મોટા ફેરફાર
ભાજપ પ્રમુખની વરણી બાદ પક્ષના સંગઠનમાં મોટા ફેરફારો થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે સંગઠન અને સંસદીય બોર્ડમાં કેટલાક શક્તિશાળી નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવે તેમ છે. પક્ષ હાલમાં એવા નેતાની શોધમાં છે જે ફક્ત સંગઠનને મજબૂતીથી સંભાળી શકે. ઉપરાંત પક્ષને નવી દિશા પણ આપી શકે. સૂત્રોના કહેવા પ્રમાણે આ વખતે રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં રાજકીય સંદેશ આપવાના બદલે સંગઠનાત્મક તાકાતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
સંગઠનના 50 ટકા મહામંત્રીઓ બદલાય તેવી સંભાવના
ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નવા પ્રમુખની પસંદગી પછી પાર્ટીના લગભગ 50 ટકા રાષ્ટ્રીય મહામંત્રીઓ બદલાય તેવી શક્યતા છે. સંગઠનમાં યુવા ચહેરાઓને સ્થાન આપવા એક યોજના બનાવવામાં આવી રહી છે. કેટલાક વરિષ્ઠ નેતાઓને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાંથી દૂર કરીને સંગઠનમાં લાવી શકાય છે. હાલના મંત્રીમંડળમાં 9 જગ્યાઓ ખાલી છે. તાજેતરમાં NDAના સાથી પક્ષ AIADMK ને પણ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળી શકે છે.
રાષ્ટ્રીય અધ્યક્ષની 20 એપ્રિલ બાદ જાહેરાતની શક્યતા
ભાજપના સંગઠન પ્રમુખન વરણીને ધ્યાનમાં રાખી બુધવારે વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ હાજર રહ્યા હતા. વડાપ્રધાનના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. 20 એપ્રિલ બાદ ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી કરવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના પ્રદેશ પ્રમુખોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. બે-ત્રણ દિવસમાં એટલે કે 18 અને 19 એપ્રિલ દરમિયાન અડધો ડઝન રાજ્યોના પ્રમુખોના નામ જાહેર થાય તેમ છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોના પ્રદેશ પ્રમુખોના નામ જાહેર કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!