દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં લોકશાહીનું ચીરહરણ
પ્રાંત અધિકારી બિમાર હોવાથી હોદ્દેદારોની ચૂંટણી ફરી મુલતવી, કોંગ્રેસના ગંભીર આક્ષેપ

AI જનરેટેડ

AI જનરેટેડ
દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ફરી એકવાર મુલતવી રાખવામાં આવતા બનાસકાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. 25 મેના રોજ મોકૂફ રાખાયેલી ચૂંટણી બુધવારે યોજાવાની હતી. પરંતુ પ્રાંત અધિકારીની તબિયત ખરાબ હોવાનું કારણ આપી પ્રક્રિયા ફરી અટકાવવામાં આવી હતી. સામાન્ય સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો હાજર રહ્યા હોવા છતાં ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી.
ગેનીબેન ઠાકોરે સરકાર અને તંત્ર પર કર્યા પ્રહાર
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમગ્ર ઘટનાક્રમ પર કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણી સતત ત્રીજી વખત મોકૂફ રાખવામાં આવી રહી છે અને તંત્ર ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ હોવાનું કારણ માત્ર બહાનું છે અને જો અધિકારી હાજર રહી શકતા ન હોય તો બીજા અધિકારીની નિમણૂંક થવી જોઈએ હતી.
સગર્ભા મહિલા સભ્યનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષય
કોંગ્રેસે જણાવ્યું કે તેમની એક સગર્ભા મહિલા સભ્ય ડોક્ટરે નિર્ધારિત કરેલી ડિલિવરી તારીખ હોવા છતાં લોકશાહી બચાવવા માટે સભાખંડમાં હાજર રહી હતી. છતાં ચૂંટણી યોજાઈ નહોતી. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને અમાનવીય ગણાવી સરકાર અને તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
બનાસ હોસ્પિટલ અંગે વિવાદાસ્પદ નિવેદન
ગેનીબેન ઠાકોરે બનાસ મેડિકલ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, બનાસ મેડિકલ હોસ્પિટલનો ઉપયોગ સારવાર કરતાં વધુ ખોટા સર્ટિફિકેટ અને ચૂંટણી પ્રક્રિયા અટકાવવા માટે થઈ રહ્યો છે. આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે.
કોંગ્રેસે હાઈકોર્ટ જવાની ચીમકી આપી
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, જો ચૂંટણીની નવી તારીખ જાહેર નહીં કરવામાં આવે તો મામલો હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો કે સભ્યોને તોડવા અને રાજકીય દબાણ ઊભું કરવા માટે ચૂંટણીમાં વારંવાર વિલંબ કરવામાં આવી રહ્યો છે.
ભાજપ પર સભ્યો તોડવાના આક્ષેપ
કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ સત્તા મેળવવા માટે સભ્યોને લાલચ અને દબાણ દ્વારા તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે દાંતા અને વડગામ જેવા ઉદાહરણો આપીને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
દિયોદર TDOએ શું કહ્યું?
દિયોદર TDOએ શામળ પટેલે જણાવ્યું કે, આપણા અધ્યાસી અધિકારીની તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શક્યા નહીં. અધ્યાસી અધિકારી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. આજના દિવસ પૂરતી સભાને મુલતવી રાખી છે. આ માટે કોઈ એજન્ડા ન હોય, નિયમ પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ જાણ કરીશું.
શું છે સમગ્ર વિવાદ?
25મેના રોજ દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે રાજકીય ડ્રામા અને હોબાળો જોવા મળ્યો હતો. ભાજપના સભ્યો વચ્ચે અંદરોઅંદર થયેલી બોલાચાલી અને તંગદિલીના વાતાવરણને કારણે ચૂંટણી અધિકારીએ પ્રક્રિયાને 27 મે સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસે ભાજપ અને તંત્રની મિલીભગત ગણાવી ઈરાદાપૂર્વકની કાર્યવાહી ગણાવી હતી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન શરૂ કર્યાં હતા.
કોંગ્રેસના આક્ષેપ અનુસાર, બેઠક દરમિયાન ભાજપના સભ્યો દ્વારા જાણી જોઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. હોબાળા વચ્ચે ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર ડી.એન. કાછડ પ્રોસીડિંગ પૂર્ણ કર્યા વગર બેઠકમાંથી નીકળી ગયા હતા.
કોંગ્રેસના કાર્યકરોએ પ્રોસીડિંગની માંગ સાથે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ડેપ્યુટી કલેક્ટર દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો સામે ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમ 307નો સમાવેશ કરવામાં આવતા રાજકારણ વધુ ગરમાયું હતું.
કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી
દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠકો છે. કોંગ્રેસના તમામ સભ્યો એકજૂથ રહી ચૂંટણીમાં ભાગ લેવા તૈયાર હોવાનું જણાવાયું છે. છતાં ચૂંટણી વારંવાર મુલતવી રહેતાં કોંગ્રેસે સમગ્ર મામલે પારદર્શિતા જાળવવાની માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.