કચ્છની માંડવી તા. પં.ના હોબાળાનો DDOએ કર્યો ખુલાસો
15માં નાણાપંચની સમીક્ષા બેઠકમાં સરપંચ ન હોય તેવા લોકોને બહાર કાઢતાં થયો હતો હોબાળો

DDOએ સરપંચોને 'ગેટ આઉટ' કહ્યું હોવાનો તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવીએ કર્યો હતો આક્ષેપ

DDOએ સરપંચોને 'ગેટ આઉટ' કહ્યું હોવાનો તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવીએ કર્યો હતો આક્ષેપ
કચ્છની માંડવી તાલુકા પંચાયત કચેરીમાં બુધવારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બોલાવાયેલી વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં હોબાળાનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે. માંડવી તાલુકા પંચાયત પ્રમુખે સરપંચો અને તાલુકા પંચાયતના હોદ્દેદારોનું અપમાન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે 15માં નાણાપંચની ગ્રાન્ટની સમીક્ષા બેઠકમાં સરપંચ ન હોય તેવા લોકોને બહાર જવાનું કહેતાં કેટલાક લોકોએ અહમનો મુદ્દો બનાવી દીધો હતો. ત્યારે ખરેખર મામલો શું હતો આવો જાણીએ..
માંડવી તાલુકા પંચાયત કચેરીમાં DDO ઉત્સવ ગૌતમે 15માં નાણાપંચની ગ્રાન્ટ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન DDOએ સરપંચ સંગઠન અને તાલુકાના સદસ્યોનું અપમાન કર્યુ હોવાનો માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવીએ આક્ષેપ કર્યો હતો.
તાલુકા પંચાયત પ્રમુખે શું કહ્યું?
તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવીએ જણાવ્યું કે, તેઓ અને કારોબારી ચેરમેન DDO ને આવકારવા ગયા ત્યારે તેમને બહાર જવાનું કહીને અપમાનિત કર્યા હતા. બેઠકમાં 50થી વધુ સરપંચો હાજર હતા. કેટલાક સરપંચો પહોંચી ન શકતાં તેઓએ ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ઉપસરપંચો કે સદસ્યોને પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. DDOએ પ્રતિનિધિઓને ‘ગેટ આઉટ, અહીંથી નીકળી જાઓ’ તેમ જણાવ્યું હતું. બાદમાં પોલીસ બંદોબસ્ત બોલાવીને DDO તાલુકા પંચાયત કચેરી છોડીને જતા રહ્યા હતા.
ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખે તાલુકા ભાજપ પ્રમુખ સામંત ગઢવી, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખને જાણ કરી હતી. આ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું કેવલ ગઢવીએ જણાવ્યું હતું.
પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
તાલુકા પંચાયત કચેરીના પ્રથમ માળે DDOની અધ્યક્ષતામાં સરપંચો સાથે બેઠક ચાલી રહી હતી. આ સમયે સરપંચના પ્રતિનિધિઓએ ગ્રામ વિકાસ અંગે રજૂઆત કરવા દેવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરી DDO સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. મામલો તંગ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સરપંચ પ્રતિનિધિઓને સમજાવવાના પ્રયાસો નિષ્ફળ રહેતાં DDO ઉત્સવ ગૌતમને પોલીસ બંદોબસ્ત સાથે બહાર લાવવાની ફરજ પડી હતી. આ સમયે ભારે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું?
DDO ઉત્સવ ગૌતમે બેનિફિટ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે, 15માં નાણાંપંચ દ્વારા તાલુકાના વિકાસ માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. રાજ્યના તમામ તાલુકાઓમાં ગ્રાન્ટની ફાળવણી થાય છે. 15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશમાં રાજ્યના 33 જિલ્લામાંથી કચ્છ જિલ્લાનો 32મો નંબર એટલે કે, છેલ્લેથી બીજો નંબર આવે છે. જ્યારે કચ્છ જિલ્લાના 10 જિલ્લા પૈકી માંડવી તાલુકાનો છેલ્લો નંબર આવે છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યના કુલ 269 તાલુકા પૈકી માંડવી તાલુકાનો છેલ્લાં 10 તાલુકામાં સમાવેશ થાય છે. કારણ કે, વર્ષ 2020ની 15 માં નાણાપંચની ગ્રાન્ટો હજુ સુધી વપરાઈ નથી. ગ્રાન્ટની ફાળવણી બાદ તેનો વપરાશ કે ઉપયોગ કરવાની જવાબદારી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની હોય છે. ગ્રાન્ટ પડી રહેતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ગંભીર નોંધ લઈને તેની સમીક્ષા કરવા સૂચના આપી છે. માંડવી તાલુકો વિકાસ ખર્ચમાં બોટમ-10માં આવે છે. તેને લઈને મે જાતે સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો.
વધુમાં જણાવ્યું કે, ઓછો ખર્ચ થવા પાછળના કારણો જાણવા અને તેમાં સુધાર લાવવાના ભાગરૂપે સરપંચ અને તલાટીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બેઠક દરમિયાન કેટલાક લોકો સરપંચ નહી હોવાથી બહાર જવા વિનંતી કરી હતી. તેઓ બહાર નીકળી પણ ગયા હતા.
DDOએ ઉમેર્યુ કે, બેઠકમાં ગ્રાન્ટ ક્યાં ખર્ચ કરવામાં આવી અને ખૂટતી કડીઓ અંગે હાજર સરપંચોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. ત્રણ કલાક ચાલેલી બેઠક સમયે નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કરી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેથી મિટિંગ ટૂંકાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે ભૂજ પરત ફરવું પડ્યું હતું.
ત્યારે સમગ્ર ઘટનાની વિગતો જોતાં વિકાસકાર્યોની સમીક્ષા દરમિયાન સરપંચ પ્રતિનિધિઓએ ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સરપંચ પ્રતિનિધિઓએ પોતાને અન્યાય થઈ રહ્યો હોવાનો અને રજૂઆતોને નજરઅંદાજ કરવાનો આક્ષેપ કર્યો હતો.
ધારાસભ્યને દરમિયાનગીરી કરવી પડી
માંડવી તાલુકા પંચાયત કચેરીમાં DDOની સમીક્ષા બેઠકમાં થયેલા હોબાળો થતાં સરપંચોને સમજાવવા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને દરમિયાનગીરી કરવી પડી હતી. તેમણે જિલ્લા ભાજપ, તાલુકા ભાજપના નેતાઓ અને સરપંચો સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો. જો કે, સમગ્ર ઘટનામાં કોનો વાંક હતો તે બાબતે ધારાસભ્યએ બેનિફિટ ન્યૂઝ સમક્ષ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?