મનરેગા, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારઃ મંત્રી બચુ ખાબડ સામે કાર્યવાહીની માંગ!
મનરેગા યોજનામાં મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની મીલીભગતનો કોંગ્રેસનો આક્ષેપ

દાહોદ, પંચમહાલ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયા છતાં સરકાર મૌન

દાહોદ, પંચમહાલ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયા છતાં સરકાર મૌન
ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજનામાં મોટાપાયે કૌભાંડ થઈ રહ્યાના અનેક ખુલાસા થયા છે. દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના પરિવારની સંડોવણી પણ ખુલી હતી. ત્યારબાદ પંચમહાલ, નર્મદા અને ભરૂચમાં પણ કૌભાંડ સામે આવ્યું છે. બચુ ખાબડની સંડોવણી ખુલવા છતાં હજુ સુધી સરકારે કાર્યવાહી કરી નથી. તેથી કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી મનરેગા અને નલ સે જલ યોજના કૌભાંડની તપાસ કરી બચુ ખાબડ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ ઈન્ચાર્જ પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓની મીલીભગતથી ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક અને વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સામાન્ય જનતાને દરેક સરકારી યોજનાઓ કે કામગીરી માટે દરેક કક્ષાએ લાંચ આપી પડે છે. તેવી ફરિયાદો રોજબરોજ વધતી જાય છે.
આવેદનપત્રમાં જણાવ્યું કે, સામાન્ય માણસોને ઘરઆંગણે વર્ષના 100 દિવસ રોજગારી મળી રહે તે માટે વર્ષ 2005માં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના(મનરેગા) બનાવવામાં આવી હતી. મનરેગા યોજના સામાન્ય માણસોને રોજગારી આપવા નહીં પણ તંત્રની મિલીભગતથી પદાધિકારીઓ અને અધિકારીઓની તિજોરી ભરવાની યોજના હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
દાહોદ જિલ્લામાં દેવગઢબારીયા, ધાનપુર તાલુકાની તપાસમાં 100 કરોડ કરતાં વધુનો ભ્રષ્ટાચાર થયો છે. તેમાં મંત્રી બચુ ખાબડના પરિવારની સીધી સંડોવણી બહાર આવી છે. ભ્રષ્ટાચાર બહાર આવ્યાને ઘણા દિવસો થયા હોવા છતાં અને તેમના પુત્રો તેમજ નજીકના લોકોની સીધી સંડોવણી સાબિત થઈ હોવા છતાં રાજ્ય સરકારે મંત્રી બચુ ખાબડને મંત્રી મંડળમાંથી દૂર નહી કરતાં પદ અને સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારની તપાસને ગેરમાર્ગે દોરી મળતીયાઓને બચાવી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં ફતેપુરા, સંજેલી, ઝાલોદ, સિંગવડ તાલુકાઓમાં પણ મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયેલ છે. સ્થળ ઉપર કામ કર્યા સિવાય બારોબાર બિલ ચૂકવાઇ ગયા છે. ભૂતિયા જોબકાર્ડના આધારે બિલો ચુકવાયા છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે. પરંતુ ફરિયાદો અને પુરાવાઓ આપવા છતાં આજ દિન સુધી તપાસ થતી નથી. કૌભાંડીઓને બચાવવામાં આવી રહ્યા છે.
વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં જાંબુધોડા તાલુકામાં પણ 26 ગામોમાં 42 હજારની વસતીમાં ચાર વર્ષમાં 300 કરોડના મનરેગામાં કામો બતાવી 80 ટકા મટીરીયલ અને 20 ટકા લેબર ખર્ચ બતાવી જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને તેમના પરિવારના લોકોને એજન્સીઓ દ્વારા 100 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાની પુરાવા સહિતની ફરિયાદો કરવા છતાં કોઇ તપાસ થતી નથી. સરકાર પોતાના મળતીયાઓને બચાવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતમાં મનરેગા યોજનામાં વ્યવસ્થિત નેટવર્ક બનાવી મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની મીલીભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. સરકારમાં ભ્રષ્ટાયાર રોકવાની ઇચ્છાશક્તિ દેખાતી નહી હોવાથી આપના હસ્તક્ષેપની તાતી જરૂર છે અને સમગ્ર રાજ્યમાં મનરેગાના ભ્રષ્ટાચારની તપાસ માટે ન્યાયિક અને સંવિધાનિક પદ ઉપર બેઠેલા તટસ્થ લોકોની SIT બનાવવામાં આવે.
તેમણે કહ્યું કે, મનરેગાના કૌભાંડની જેમ રાજ્યમાં "નલ સે જલ” યોજનામાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ છે. ગુજરાતની જનતાને ઘરે ઘરે “નલ સે જલ” મળવાની મોટી મોટી જાહેરાતો પછી પ્રજાના ટેક્સના પૈસામાંથી કરોડો રૂપિયાનું બજેટ પાણી પુરવઠા વિભાગને ફાળવાયુ. લોકોને ઘરે ઘરે “નલ સે જલ” તો ન મળ્યું પરંતુ સરકારના મળતીયા અને અધિકારીઓએ કૌભાંડ આચરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી પોતાની તિજોરીઓ ભરી લીધી છે.
અનેક જિલ્લાઓમાંથી પુરાવા સહિતની ફરિયાદો, પુરાવા મળવા છતાં હજુ પણ “નલ સે જલ" યોજનાના ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી થતી નથી. સરકારમાં બેઠેલા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે સરકાર દ્વારા પણ ફક્ત બતાવવા પૂરતી નાના માણસો પર કાર્યવાહી કરવામાં આવે છે. "નલ સે જલ” કૌભાંડની SIT બનાવી તપાસ કરાવવી જરૂરી છે.
અમિત ચાવડાએ રાજ્યપાલ સમક્ષ માગણી કરી હતી કે, દાહોદ જીલ્લામાં દેવગઢ બારીયા, ધાનપુર સહીત ફતેપુરા, સીંગવડ, ઝાલોદ સહિતના તાલુકામાં વ્યાપક કૌભાંડની તપાસમાં અવરોધ ઉભા કરતા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી તપાસને પ્રભાવિત કરતા કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુ ખાબડને તાત્કાલિક પદ ઉપરથી દૂર કરવામાં આવે.
પંચમહાલ જિલ્લાન જાંબુઘોડા તાલુકામાં 100 કરોડ કરતા વધુના ભ્રષ્ટાચારની ફરિયાદો ઉપર કાર્યવાહી થતી નથી. તેના માટે કડક સૂચના આપવામાં આવે. મનરેગા, "નલ સે જલ" યોજનાના ભ્રષ્ટાચાર કૌભાંડની પોલીસ ફરિયાદોમાં નાના કર્મચારીઓના બદલે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવે. મનરેગા અને નલ સે જલ યોજનામાં છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસ કામોની SIT મારફતે તપાસ કરાવવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?