સુરત જિલ્લામાં આશ્રમ શાળાના ઓરડામાં ભ્રષ્ટાચારઃ ભાજપ નેતા હર્ષદ ચૌધરી સસ્પેન્ડ
માંગરોળ તાલુકાના બોરસદ-દેગડિયાની આશ્રમ શાળાના ભ્રષ્ટાચારમાં ખુલી હતી સંડોવણી

આશ્રમ શાળામાં 9ના બદલે 8 ઓરડા બનાવ્યાઃ પોલીસે પાંચ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી

આશ્રમ શાળામાં 9ના બદલે 8 ઓરડા બનાવ્યાઃ પોલીસે પાંચ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી
સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખે તાત્કાલિક અસરથી સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. માંગરોળના બોરસદ-દેગડિયાની આશ્રમ શાળાના ભ્રષ્ટાચારમાં હર્ષદ ચૌધરીની સંડોવણી ખુલી હતી. તેથી પોલીસે પાંચ સામે ગુનો નોંધી હર્ષદ ચૌધરી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, બોરસદ-દેગડિયાની આશ્રમ શાળામાં મંજૂર 9 ઓરડાના બદલે 8 ઓરડા બનાવીને એક ઓરડાના નાણા ચાઉં કરી હર્ષદ ચૌધરીએ ભ્રષ્ટાચાર કર્યો હતો.
માંગરોળ તાલુકાનાં બોરસદ-દેગડીયા ગામની આશ્રમ શાળાના ઓરડાના બાંધકામમાં થયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે સંસ્થાના પ્રમુખ, મંત્રી, સરપંચ, તલાટી અને સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે માંગરોળ તાલુકા વિકાસ અધિકારીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આશ્રમ શાળામાં સરકારી ગ્રાન્ટમાંથી 9 ઓરડા મંજૂર થયા હતા. તે પૈકી 8 ઓરડા બનાવીને એક ઓરડાની ગ્રાન્ટ ચાઉં કરી ગયા હતા. તપાસ દરમિયાન નવમો ઓરડો નહી જણાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદ બાદ માંગરોળ પોલીસે ભાજપ નેતા હર્ષદ ચૌધરી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બોરસદ–દેગડીયામાં ગ્રામ સેવા સમાજ વાંકલ સંચાલિત આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આશ્રમ શાળા ચાલે છે. આશ્રમ શાળામાં અભ્યાસ કરતા આદિવાસી સમાજના બાળકોની ભૌતિક સુવિધાઓ માટે હયાત મકાન જૂનું અને જર્જરિત હોવાથી આદિજાતિ વિભાગે 8 ફેબ્રુઆરી 2022 નાં રોજ 8 ઓરડા, 3 ટોઇલેટ, 1 રસોડું મંજૂર કર્યુ હતું. આશ્રમ શાળામાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત વર્ષ 2021-22 નાં પ્રયોજન વહીવટદાર ટ્રાયબલ સબ પ્લાન માંડવી તરફથી વધુ એક ઓરડો બનાવવા માટે વધુ પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.
કામના અમલીકરણ અધિકારી તરીકે માંગરોળ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. આશ્રમ શાળાનાં કુલ 9 ઓ૨ડા બનવા જોઇએ. તેનાં બદલે સ્થળ પર 8 ઓરડા બન્યા હતા. માંગરોળનાં જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીમાં જિલ્લા સ્વાગત, તકેદારી આયોગ અને મુખ્યમંત્રી સહિત સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆત કરી હતી. માંગરોળ તાલુકા કોંગ્રેસે પણ ભ્રષ્ટાચાર અંગે તંત્રને રજૂઆત કરી હતી.
ઉચ્ચ કક્ષાએ તપાસનાં આદેશ બાદ સ્થળ નિરીક્ષણ દરમિયાન પ્રાયોજન વહીવટદારની કચેરી દ્વારા મંજૂર થયેલા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હેઠળ કોઈ ઓરડો બન્યો નહોતો. ગ્રામ પંચાયત તથા સંસ્થાના ટ્રસ્ટી મંડળની મીલીભગતથી ઓરડો બનાવ્યા વિના મંજૂર થયેલી ગ્રાન્ટ પૈકી 4,65,514 રૂપિયા ચાઉં કરી જવામાં આવ્યા હતા. આદિજાતિ વિકાસ કમિશનરે આરોપીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા આદેશ કરતાં માંગરોળ તાલુકા વિકાસ અધિકારીએ ફરીયાદ નોંધાવી હતી.
સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત બદલ બોરસદ–દેગડીયા ગ્રામ પંચાયતના સરપંચ, તત્કાલિન તલાટી કમ મંત્રી, આશ્રમ શાળાના પ્રમુખ સુભાષ રામજીભાઈ ચૌધરી, આશ્રમ શાળાના મંત્રી હર્ષદભાઇ રામજીભાઈ ચૌધરી અને કોન્ટ્રાક્ટર ચિરાગ મનોજભાઈ વસાવા સામે ગુનો નોંધી સુભાષ ચૌધરી, હર્ષદ ચૌધરી અને કોન્ટ્રાક્ટર ચિરાગ વસાવાની ધરપકડ કરી છે.
આ ફરિયાદની નોંધ લઈને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ સસ્પેન્ડ કર્યા છે. વાણી વર્તન અને પાર્ટીને હાનિ પહોંચે તેવું કૃત્ય કર્યુ હોવાથી તાત્કાલિક અસરથી સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા હોવાનો સસ્પેન્શન લેટરમાં ઉલ્લેખ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!