કોંગ્રેસ નેતા હીરા જોટવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયા લંડન મોકલ્યાનો આક્ષેપ
મનરેગા કૌભાંડની CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે: ચૈતર વસાવા

કોંગ્રેસ નેતા હીરા જોટવા અને ભાજપ નેતા બચુ ખાબડે મળીને મનરેગા કૌભાંડ આચર્યુઃ ચૈતર વસાવા

કોંગ્રેસ નેતા હીરા જોટવા અને ભાજપ નેતા બચુ ખાબડે મળીને મનરેગા કૌભાંડ આચર્યુઃ ચૈતર વસાવા
ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવા તેમજ હાંસોટ તાલુકા પંચાયત કચેરીના આઉટ સોર્સિંગ કર્મચારીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાથી અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે. કોંગ્રેસના નેતા હીરા જોટવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયા હવાલા મારફતે તેમના દીકરાને લંડન મોકલ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરી તે નાણાં રિકવર કરવાની માંગ કરી છે.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતાં કહ્યું કે, અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે. તે વાત સાચી પડી છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે. કોંગ્રેસ નેતા હીરા જોટવા અને સાંસદ બચુ ખાબડે પંચાયત પાસેથી કામો લઈ પોતાની એજન્સીઓને આપ્યા છે. ભાજપ-કોંગ્રેસ નેતાઓની એજન્સીઓએ એકપણ વખત રેતી-કપચી નાખ્યા વગર બોગસ બીલો પાસ કર્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, હીરા જોટવા અને બચુ ખાબડની એજન્સીઓએ રોયલ્ટી અને જીએસટી વગરના બિલો બતાવી કરોડો રૂપિયા સેરવી લીધા છે. પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં રૂપિયા 2500 કરોડ જમા થયા છે. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓ, અધિકારીઓ અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે. હીરા જોટવાએ હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા છે. મારી સરકારને વિનંતી છે કે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે. યોગ્ય તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ કૌભાંડમાં બહાર આવે તેમ છે. કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ ખુલી શકે તેમ છે.
ચૈતર વસાવાએ ચીમકી આપતાં કહ્યું કે, એસઆઇટીને નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં. હવાલા પેટે જે રકમ વિદેશોમાં મોકલવામાં આવી છે તે પાછી લાવવામાં આવે. આ કૌભાંડની યોગ્ય તપાસ નહી કરાય તો કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જેટલાં નાણાં કૌભાંડ દ્વારા સેરવી લીધા છે. તેને રિકવર કરી તેનો ગામોના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે.
ભરૂચ મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી શું થયું?
આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાનાં 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ભરૂચ SPએ મનરેગા કૌભાંડની તપાસ માટે SIT ની રચના કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કૌભાંડમાં SITએ કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગુરૂવારે અને તેમના પુત્ર દિગ્વિજયની શુક્રવારે ધરપકડ કરી છે. હાંસોટ તાલુકા પંચાયત કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ કરી છે.
ગીર સોમનાથના વેરાવળના સુપાસી ગામની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાનાં 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડ સંદર્ભે જલારામ એન્ટરપ્રાઇઝના પીયૂષ રતિલાલ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારણ સભાડ સહિતના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બંને એજન્સીઓએ 20 જાન્યુઆરી 2023થી 30 મે 2025 દરમિયાન કરેલાં રસ્તાના કામોમાં મોટાપાયે ગેરરીતિ કરી છે. મનરેગાનાં કામોમાં મટીરિયલ સપ્લાય કરવાનો બંને એજન્સી પાસે કોન્ટ્રાક્ટ હતો. ઓછું મટિરિયલ સપ્લાય કરી વધારે મટીરિયલ બતાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીના માલિકો સાથે હીરા જોટવાને શું સંબંધ છે તે વિગતો મેળવવા માટે હીરા જોટવાને પૂછપરછ માટે ભરૂચ લાવી છે.
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પરિવાર બાદ હીરા જોટવાના પરિવારની પણ સંડોવણી બહાર આવી છે. હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા બંને એજન્સીના પ્રોપરાઇટર હતા. એજન્સીના ખાતામાં જમા થતાં નાણાં હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયના ખાતામાં ટ્રાન્સફર થતા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. મનરેગા કૌભાંડમાં અગાઉ જલારામ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર જોધા સભાડ અને ભરૂચ ખાતે કૌભાંડનું સંચાલન કરનાર સરમન સોલંકીની ધરપકડ કરાઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.