7 દિવસ માટે જેલની બહાર આવશે ચૈતર વસાવા, પરંતુ હાઇકોર્ટે લગાવી આ મોટી રોક!
7 દિવસના જામીન મળ્યા… પણ હાઇકોર્ટે લગાવી એવી રોક કે મામલો ફરી ચર્ચામાં! ચૈતર વસાવા શું કરી શકશે અને શું નહીં? જાણો આખી વાત…

ચૈતર વસાવાને 7 દિવસના હંગામી જામીન

ચૈતર વસાવાને 7 દિવસના હંગામી જામીન
MLA Chaitar Vasava Gets Bail: આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાના કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ સાત દિવસ સુધી જામીન પર રહેશે.
હાઇકોર્ટે કેટલીક મહત્વપૂર્ણ શરતો નક્કી કરી
ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને હંગામી જામીન આપવાની સાથે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ નક્કી કરી છે. કોર્ટના આદેશ મુજબ ચૈતર વસાવા જામીન દરમિયાન ગાંધીનગરની બહાર જઈ શકશે નહીં. આ ઉપરાંત તેઓ કોઈ રાજકીય જાહેર કાર્યક્રમ કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. મીડિયા સમક્ષ નિવેદન આપવા અથવા ઈન્ટરવ્યૂ આપવાની પણ મનાઈ કરવામાં આવી છે.
ચૈતર વસાવાના મીડિયા ઈન્ટરવ્યૂ પર હાઇકોર્ટની ટકોર
ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે મીડિયા કવરેજ અંગે પણ મહત્વની ટકોર કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૈતર વસાવાનો મીડિયા ઈન્ટરવ્યૂ થવો જોઈએ નહીં. અગાઉની સુનાવણીના રિપોર્ટિંગમાં ખોટી માહિતી રજૂ થઈ હોવાની બાબતે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતર વસાવાના વકીલે કોર્ટની તમામ શરતોનું પાલન કરવાની ખાતરી આપી હતી.
સરકારના વલણ અંગે હાઇકોર્ટે શું કહ્યું?
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારના વલણ અંગે સવાલ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે એક તરફ ધારાસભ્યને વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને બીજી તરફ હંગામી જામીનનો વિરોધ કરવામાં આવે છે. સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે વિધાનસભાના નિયમો મુજબ ધારાસભ્યોને સત્રમાં હાજરી માટે આમંત્રણ આપવું જરૂરી છે. સરકારી વકીલે જામીનનો વિરોધ કરતાં ચૈતર વસાવાને માત્ર ત્રણ દિવસના જામીન આપવા અને આ દરમિયાન કોઈ રાજકીય પ્રવૃત્તિ કે મીડિયા સંબોધન ન કરવાની શરત મૂકવાની માગ કરી હતી.
ફોરેસ્ટ કર્મચારી હુમલા કેસમાં 7 વર્ષની સજા
ચૈતર વસાવા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે જોડાયેલા કેસમાં નર્મદા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે. 23 જૂન, 2026ના રોજ તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને સજા કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ વનવિભાગના અધિકારીઓને ધમકી આપવા, મારામારી કરવા અને હવામાં ફાયરિંગ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. 60 હજાર રૂપિયાના વળતરની માગ અને રિવોલ્વરથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ હતો.
અગાઉ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવાઈ હતી
24 ઓગસ્ટે ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાની અગાઉની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે અગાઉની જામીન શરતોના ભંગ અંગે પણ ટકોર કરી હતી. હવે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે તેમને 7 દિવસના હંગામી જામીન મળતા ગુજરાતના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા તેજ બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?