ચૈતર વસાવા વિવાદમાં: પંચાયત પ્રમુખ સાથે મારામારી બદલ ધરપકડ
લાફા ઝીંકી મારી નાખવાની ધમકી આપ્યાનો સંજય વસાવાનો આક્ષેપ, ઈસુદાને કહ્યું: ભાજપે તાનાશાહીની હદ વટાવી

ચૈતર વસાવા વિવાદમાં

ચૈતર વસાવા વિવાદમાં
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે એક રાજકીય ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ડેડીયાપાડા પ્રાંત કચેરીમાં આયોજિત ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના પગલે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે.
ગંભીર આક્ષેપો અને પોલીસ ફરિયાદતાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, ચૈતર વસાવાએ તેમના પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંક્યો, લાફા ઝીંક્યા, અને "ગોળી મારી મારી નાખવાની" ધમકી પણ આપી. આ ગંભીર આરોપો બાદ સંજય વસાવાએ તાત્કાલિક ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે.
બેઠકમાં શું થયું?પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ ડેડીયાપાડા અને સાગબારા બંને તાલુકાઓમાં વિકાસના કામોનું આયોજન કરવાનો હતો. આ બેઠકમાં ચૈતર વસાવા, બંને તાલુકા પંચાયતના પ્રમુખો, ટીડીઓ, મામલતદારો, ATVT અધિકારીઓ અને અન્ય કમિટી સભ્યો ઉપસ્થિત હતા.
ઘટનાની શરૂઆત સભ્યોની હાજરીને લઈને થઈ હોવાનું મનાય છે, જેના પર ચૈતર વસાવા રોષે ભરાયા હતા. અહેવાલો અનુસાર, તેમણે એક મહિલા તાલુકા પંચાયત પ્રમુખને અપશબ્દો કહ્યા હતા. જ્યારે સંજય વસાવાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે સરકારી મીટિંગ દરમિયાન આવી વાત ન કરાય, ત્યારે ચૈતર વસાવાએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કહ્યું કે "હું ધારાસભ્ય છું મને ના શિખવાડીશ" અને હુમલો કર્યો.
ચૈતર વસાવાની અટકાયત અને સમર્થકોનો વિરોધચૈતર વસાવાને પોલીસ સ્ટેશનમાંથી રાજપીપળા લઈ જવામાં આવતા હતા ત્યારે તેમના સમર્થકો દ્વારા ધક્કામુક્કી સર્જાઈ હતી. કેટલાક સમર્થકો પોલીસ વાહન પર ચડી ગયા હતા. ભારે જહેમત બાદ પોલીસે વાહનને રાજપીપળા મોકલવામાં સફળતા મેળવી.
આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરોએ પોતાના નેતાની અટકાયતનો વિરોધ કર્યો અને પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું. ચૈતર વસાવાએ પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાની માગ કરી છે.
ઈસુદાન ગઢવીના આક્ષેપોઆમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ ઘટના અંગે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગઢવીએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવનાર ચૈતર વસાવા સાથે ભાજપના લોકોએ હાથાપાઈ કરી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે ચૈતર વસાવાની ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો અને ઊલટાનું તેમની વિરુદ્ધ જ ફરિયાદ દાખલ કરી, જે લોકતંત્રની હત્યા સમાન છે. તેમણે ડીજીપીને અપીલ કરી છે કે ચૈતર વસાવા પર હુમલો કરનાર લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે અને ચૈતર વસાવાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
તપાસનો વિષયઆ મારામારી થવા પાછળનું સાચું કારણ શું હતું તે હાલ તપાસનો વિષય બન્યો છે. શું આ ઘટના સભ્યોની હાજરીને લઈને થયેલા રોષનું પરિણામ હતી, કે પછી વિકાસના કામોના આયોજનને લઈને કોઈ મતભેદ હતો, તે પોલીસ તપાસ દરમિયાન જ સ્પષ્ટ થશે. પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓની હાજરીમાં આ ઘટના બની હોવાથી, તેમના નિવેદનો પણ આ કેસમાં અત્યંત મહત્વના બની રહેશે. હાલમાં, આ કેસ પોલીસના હાથમાં છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?