બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કરાયા સસ્પેન્ડ
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હોવાની આપી જાણકારી

ઉમેશ મકવાણાએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજીને પાર્ટીના હોદ્દા ઉપરથી આપ્યું હતું રાજીનામું

ઉમેશ મકવાણાએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજીને પાર્ટીના હોદ્દા ઉપરથી આપ્યું હતું રાજીનામું
આમ આદમી પાર્ટી (AAP) એ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ ઉમેશ મકવાણાને AAP માંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા ઉપર માહિતી આપી હતી.
પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે." ઉમેશ મકવાણાએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી AAP ના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, "જ્યારે હું ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. ત્યારે મારો હેતુ મારા સમુદાયના મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવાનો હતો. પરંતુ, હવે મને લાગે છે કે અમારી પાર્ટી તે માર્ગથી ભટકી રહી છે. તેથી આજે હું આમ આદમી પાર્ટીના તમામ પદો, વિધાનસભામાં પાર્ટીના વ્હીપ પદ, રાષ્ટ્રીય સંયુક્ત સચિવ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મેં આ સંદેશ અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પણ મોકલી આપ્યો છે."
ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે ધારાસભ્યપદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઊતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે. કારણ કે, એ દલિત સમાજના હતા.
ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે જનતાને પૂછીને નિર્ણય કરીશ કે AAPના ધારાસભ્યપદેથી રાજીનામું આપવું કે નહીં. જો આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ. તે આગામી સમયમાં નક્કી કરીશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ.
આ પહેલા, ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
તેમણે પત્રમાં કેજરીવાલને લખ્યું હતું કે, "હું છેલ્લા અઢી વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યો છું. હું ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના વ્હીપ તરીકે સેવા આપી રહ્યો છું. હાલમાં, મારી સામાજિક સેવાઓમાં ઘટાડો થવાના કારણે હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું એક કાર્યકર તરીકે પાર્ટી માટે કામ કરીશ. હું તમને વિનંતી કરું છું કે મને બધા પદો અને જવાબદારીઓમાંથી મુક્ત કરો.''
વર્ષ 2022ની ચૂંટણીમાં, ઉમેશ મકવાણાએ બોટાદ બેઠક પરથી ભાજપના ધનશ્યામ વિરાણીને 2,779 મતના માર્જિનથી હરાવ્યા હતા. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ પટેલનો બોટાદ બેઠક પર પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. ભાજપે તેમને ટિકિટ ન આપતાં તેમની નારાજગી સામે આવી હતી. બાદમાં ઉમેશ મકવાણા જીત્યા. ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેમની જીતમાં સૌરભ પટેલનો ટેકો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી. તે સમયે પત્રકાર પરિષદ કરીને ઈન્કાર કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા નહોતા મળતા.
ઉમેશ મકવાણા કાયદાકીય સકંજા અને વિવાદોમાં પણ સપડાયેલા છે. બોટાદ જિલ્લામાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી ત્યારે ઉમેશ મકવાણાએ તેમની પાર્ટીના એક સભ્ય શૌકત સૈયદ મૌલાનાને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં છોડાવવા બોટાદ એસપીને ફોન કરી ધમકી આપી હોવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
ઉમેશ મકવાણાએ ત્યારે વળતો એવો હુંકાર કર્યો હતો કે સરકાર પાસે CBI-LCB જેવી તપાસ એજન્સીઓ છે. આ વાત સત્ય સાબિત થશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેવા તૈયાર છું. આ ઉપરાંત તેમના પૂર્વ PA અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.