ભાજપ સરકારમાં ભાજપના ધારાસભ્યનું બોર્ડ ઉતરાવાયું!
મુંબઈમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસનું બોર્ડ મરાઠીમાં રાખવા ધમકી

કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર હોવા છતાં ગુજરાતીઓને મળી રહેલી ધમકી મુદ્દે ભાજપ નેતાઓ ચૂપ

કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર હોવા છતાં ગુજરાતીઓને મળી રહેલી ધમકી મુદ્દે ભાજપ નેતાઓ ચૂપ
મહારાષ્ટ્ર નિવનિર્માણ સેનાના કાર્યકરો મરાઠી ભાષાને લઈ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે. મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલવાની ધમકી આપી રહ્યા છે. હવે ઓફિસ, શો-રૂમના બોર્ડ પણ મરાઠી ભાષામાં રાખવાની ધમકી આપતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. કચ્છના રાપરના ભાજપના ધારાસભ્ય મનસેના કાર્યકરોની દાદાગીરીનો ભોગ બન્યાં છે.
મનસેની ધમકીના પગલે મુંબઈમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસનું ગુજરાતીમાં લખેલું બોર્ડ ઉતારીને મરાઠી ભાષામાં લખવું પડ્યું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર હોવા છતાં ગુજરાતીઓને મળી રહેલી ધમકી મુદ્દે ભાજપ નેતાઓ ચૂપ રહેતાં નાગરિકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
મુંબઈમાં ગુજરાતીઓની વસતી વધારે છે. તેમાં પણ કચ્છના લોકોની વસતી વિશેષ છે. મુંબઈમાં કચ્છી લોકોને મદદ કરવા અને સંપર્ક જળવાઈ રહે તે માટે રાપરના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ નવી મુંબઈમાં ઓફિસ શરૂ કરી છે. બે દિવસ પહેલાં મનસેના કાર્યકરોએ વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસે પહોંચી ઓફિસ સંચાલન કરતાં ગુજરાતી યુવકને ધમકી આપીને 24 કલાકમાં ધારાસભ્યની ઓફિસનું બોર્ડ ગુજરાતીમાં નહીં પણ મરાઠી ભાષામાં રાખવા કહ્યું હતું.
મનસેના કાર્યકરોની દાદાગીરીના પગલે ભાજપના ધારાસભ્યની ઓફિસનું ગુજરાતીમાં લખેલું બોર્ડ ઉતારીને મરાઠીમાં લખવું પડ્યું છે. ગુજરાતી ભાષા ભૂંસીને મરાઠી ભાષામાં લખેલુ બોર્ડ લગાવવા માટે ભાજપના ધારાસભ્યને મજબૂર બનવું પડ્યું છે. ધારાસભ્યએ મરાઠીમાં લખેલું બોર્ડ લગાવતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્યની આ દશા હોય તો ગુજરાતી વેપારીઓની શું હાલત હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ગુજરાતી ધારાસભ્ય મનસેના કાર્યકરોની દાદાગીરીનો ભોગ બન્યાં હોવા છતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ભાજપના અનેક નેતાઓ ચૂપ રહ્યા છે.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક થયા બાદ તેઓ દરરોજ ગુજરાતીઓને નિશાન બનાવી રહ્યા છે. રાજ ઠાકરે ગુજરાતીઓ વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરરાજી દેસાઈ જેવા નેતાઓ વિશે નિવેદનો કરીને મરાઠીઓને ગુજરાતીઓ વિરૂદ્ધ ઉશ્કેરી રહ્યા છે. તેમ છતાં મહારાષ્ટ્ર, કેન્દ્ર અને ગુજરાતના ભાજપના નેતાઓ એક હરફ પણ ઉચ્ચારી શક્યા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?