અમરાઈવાડીમાં BJP MLA અને વોર્ડ યુવા પ્રમુખ સામસામે
MLA અને યુવા મોરચા પ્રમુખના વિવાદથી સોસાયટીના રોડનું કામ અટવાતા નાગરિકોમાં ભારે રોષ

દિવ્યકુંજ સોસાયટી, સ્થાનિક રહીશો અને ધારાસભ્ય હસમુખ પટેલની તસવીર

દિવ્યકુંજ સોસાયટી, સ્થાનિક રહીશો અને ધારાસભ્ય હસમુખ પટેલની તસવીર
અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો વિવાદ વકરી રહ્યો છે. NRI યુવકને માર મારવાનો વિવાદ હજુ શમ્યો નથી તેવામાં ઇન્દ્રપુરી વોર્ડમાં દિવ્યકુંજ સોસાયટીમાં વોર્ડ યુવા મોરચાના પ્રમુખ સાથે અણબનાવને લઈ સોસાયટીના રોડનું કામ અટકાવી દેતાં વધુ એક વિવાદ શરૂ થયો છે.
ઇન્દ્રપુરી વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિવ્યકુંજ સોસાયટીના ચેરમેન હોવાથી રોડનું ખાતમુહૂર્ત નહી કરીને અટકાવી દેતાં વોર્ડ પ્રમુખની સાથે સોસાયટીના રહીશો પણ ધારાસભ્ય સામે આવી ગયા છે. સોસાયટીના ચેરમેન લેટરપેડ લઈને આવ્યા બાદ કામ ચાલુ થશે તેવું ધારાસભ્યએ કહેતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
સુરેલીયા એસ્ટેટમાં આવેલી દિવ્યકુંજ સોસાયટીમાં બે દિવસ પહેલા ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ધારાસભ્ય દ્વારા ખાતમુર્હુત કરવામાં નહી આવતાં રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. ધારાસભ્યના બજેટમાંથી રોડ બનાવવાનો હોવાથી તેમના દ્વારા ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવશે ત્યારબાદ રોડની કામગીરી શરૂ થશે તેવું તંત્રના અધિકારીઓએ જણાવ્યું છે.
ઇન્દ્રપુરી વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિકી પટેલે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું સુરેલીયા એસ્ટેટ પાસે આવેલી દિવ્યકુંજ સોસાયટીમાં રહું છું અને સોસાયટીમાં 80-20ની સ્કીમ હેઠળ 1.5 વર્ષ પહેલા રોડ બનાવવાનું મંજૂર કરાવવામાં આવ્યું હતું. રોડનું ટેન્ડર પાસ થઈ ગયું અને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સોંપી દેવામાં આવ્યો હતો. 80-20ની સ્કીમ અંતર્ગત અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનું 20 ટકા બજેટ ફાળવવામાં આવ્યું છે. 21 ફેબ્રુઆરીએ અમરાઈવાડીમાં આવતી 10 સોસાયટીઓના ખાતમુહૂર્ત રાખવામાં આવ્યા હતા. તમામ સોસાયટીના ખાતમુહૂર્ત કર્યા, પરંતુ મારી સોસાયટીમાં કર્યુ નથી અને આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશના અધિકારીને કહેતા ધારાસભ્યનું બજેટ હોવાથી તેમને ના પાડી છે એવું કહ્યું હતું.
ઇન્દ્રપુરી વોર્ડમાં દિવ્ય કુંજ સોસાયટીનો કાર્યક્રમ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. એએમસીના દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડના આસિસ્ટન્ટ ઈજનેર અને કોન્ટ્રાક્ટર પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું નહોતું. જેથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નહોતી. વિકી પટેલે અધિકારીને પૂછ્યું ત્યારે અધિકારીએ કહ્યું હતું કે ધારાસભ્યના બજેટમાંથી કામ મંજૂર થયું છે. જેથી ધારાસભ્યને જાણ કરી અને તેમના દ્વારા ખાતમુહૂર્ત સમય આપ્યા બાદ કામગીરી શરૂ થશે. રોડનું કામ મંજૂર થયા બાદ ધારાસભ્યની ઓફિસે સોસાયટીના ચેરમેનને સોસાયટીનો લેટરપેડ લઈ ઓફિસે આવવા માટે કહ્યું હતુ.
અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં નાગરિકોના કામો ભાજપના આંતરિક વિવાદના કારણે અટવાયા હોવાનું સામે આવ્યું છે. ભાજપનો હોદ્દેદાર સોસાયટીનો પ્રમુખ હોવાથી નાગરિકોની સુવિધાના કામોના ખાતમુહૂર્ત બંધ રખાવી કામ કરવામાં આવ્યું નથી. જેને લઈને વિવાદ થયો છે.
અમરાઈવાડીના ધારાસભ્યે NRI યુવકને માર માર્યાનો આક્ષેપ થયો હતો
17 ફેબ્રુઆરી, 2026ના રોજ અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે NRI યુવકને માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. યુવક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અમરાઈવાડી ખાતે ધારાસભ્યની ઓફિસ પાસે વિરોધ કર્યો હતો. ધારાસભ્ય હસમુખ પટેલે થોડા દિવસ અગાઉ એક NRI યુવકને માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા.
આ કેસમાં ધારાસભ્યની ઓફિસમાં કામ કરતી યુવતીનું વાહન NRI યુવકના વાહન સાથે અથડાયું હતું. જે બાદ અમરાઈવાડી પોલીસે યુવકની અટકાયત કરી હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં ધારાસભ્યએ યુવકને ઓફિસમાં બોલાવીને માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?