રાજકોટના પોશ વિસ્તારમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી
ઓસ્કાર સ્કાય પાર્કમાં પાયાની સુવિધા મુદ્દે સ્થાનિક રહીશોએ ભાજપ નેતાઓના પ્રવેશ પર રોક લગાવી

રાજકોટના ઓસ્કાર સ્કાય પાર્કના રહીશોએ વિવિધ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું

રાજકોટના ઓસ્કાર સ્કાય પાર્કના રહીશોએ વિવિધ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું
રાજકોટ મનપાની ચૂંટણી અંતર્ગત 26 એપ્રિલને રવિવારના રોજ મતદાન થવાનું છે. ત્યારે શહેરના પોશ વિસ્તારના નાગરિકોએ ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવી દીધી છે. વોર્ડ નંબર 1માં ઓસ્કાર સ્કાય પાર્ક સોસાયટીના રહીશોએ શાસક પક્ષ ભાજપ સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા 480 ફ્લેટના રહીશોએ સોસાયટીના નાકે ‘ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં’ તેવા બેનરો લગાવી વિરોધ કર્યો છે. કામ નહીં થાય તો તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની સ્થાનિક રહીશોએ ચીમકી આપી છે.
ઓસ્કાર સ્કાય પાર્કના રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું કે, સોસાયટીમાં અંદાજે 480 જેટલા ફ્લેટ છે. સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે અંદાજે રૂપિયા 30 લાખથી વધુનો ટેક્સ મહાનગરપાલિકામાં ભરે છે. આટલી મોટી રકમ ટેક્સ પેટે ચુકવવા છતાં સોસાયટીના રહીશો પાયાની જરૂરિયાતો જેવી કે સારા રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ માટે વલખાં મારી રહ્યા છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે, મનપાના તંત્ર દ્વારા માત્ર ટેક્સ વસૂલવામાં જ રસ દાખવવામાં આવે છે. જ્યારે સુવિધા આપવાની વાત આવે ત્યારે આંખ આડા કાન કરવામાં આવે છે.
સોસાયટીના રહીશ પ્રશાંત સેજપાલે જણાવ્યું કે, અહીંના રસ્તાઓ અત્યંત બિસ્માર છે. રસ્તાઓ પહોળા કરવાની રજૂઆતો વર્ષોથી પેન્ડિંગ છે. આ ઉપરાંત, રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાથી મહિલા-દીકરીઓની સુરક્ષા અંગે પણ ચિંતા થાય છે. સોસાયટી પાસેના સરકારી પ્લોટમાં થયેલા દબાણો પણ મોટી સમસ્યા છે. દબાણો દૂર કરવા માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી નથી. સોસાયટીમાં બાળકો માટે ગાર્ડન કે પ્લે-એરિયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી.
સ્થાનિક રહીશોએ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મેયર નયનાબેન પેઢડિયાને રજૂઆતો કરી હતી. RMCના પોર્ટલ પર પણ ઓનલાઈન ફરિયાદો નોંધાવી છે. તેમ છતાં આશ્વાસનો સિવાય કંઈ જ મળ્યું નથી. ગત ચૂંટણીમાં અમે ખોબલે ને ખોબલે મત આપ્યા હતા. હવે નેતાઓએ અમારા કામનો હિસાબ આપવો પડશે. સોસાયટીના નાકે લાગેલા બેનરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જો કામ નહીં થાય તો ભાજપના નેતાઓએ પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.
સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી કે, વિરોધ પ્રદર્શન માત્ર એક સોસાયટી પૂરતું મર્યાદિત નથી. પરંતુ તે જનતાના રોષનું પ્રતીક છે. આગામી દિવસોમાં રસ્તા, લાઈટ અને સફાઈના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષનો બહિષ્કાર કરશે.
વોર્ડ નંબર-1ના ઓસ્કાર સ્કાય પાર્કના રહીશોએ ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. મતદાન પહેલા પાયાની સુવિધાઓ બાબતે આંદોલન શરૂ થતાં તેની અસર અન્ય વિસ્તારોમાં પણ થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?