5 ટકા લોકોની તરફેણથી બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો
ગ્રામ પંચાયતની ત્રણ મહિના અગાઉ ચૂંટણી કરાવ્યા બાદ નગરપાલિકાનો દરજ્જો આપી દીધો
બહુચરાજી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હાજર 55 પૈકી 3 લોકોએ નગરપાલિકાની તરફેણ કરી હતી
બહુચરાજી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હાજર 55 પૈકી 3 લોકોએ નગરપાલિકાની તરફેણ કરી હતી
બહુચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે માત્ર 5 ટકા લોકોએ તરફેણ કરી હોવા છતાં નગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. બહુચરાજી ગ્રામ પંચાયતની ડિસેમ્બર-2024માં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં હાજર 55 નાગરિકો પૈકી 3 લોકોએ નગરપાલિકાનો દરજ્જો આપવાની તરફેણ કરી હતી. જ્યારે 52 લોકોએ ગ્રામ પંચાયત યથાવત રાખવાની તરફેણ કરી હતી. એટલે કે બહુમતી નાગરિકોના મતને કોરાણે મૂકી નગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ તરીકે બહુચરાજીના ધાર્મિક અને ઔદ્યોગિક મહત્વને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ઓક્ટોબર- 2023માં 'બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી'ની રચના પણ કરી હતી.
ગ્રામસભામાં માત્ર 3 લોકોએ નગરપાલિકા માટે તરફેણ કરી હતી
બહુચરાજીના વેપારી અગ્રણી હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે, બહુચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવા રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર-2024માં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેના ભાગરૂપે કલેક્ટરે નગરપાલિકાનો દરજ્જો આપવા માટેની દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવા મામલતદારને સૂચના આપી હતી. મામલતદારે દરખાસ્ત તૈયાર કરવા માટે ગ્રામ પંચાયતના સંમતિ કે વાંધા અંગેના ઠરાવની નકલ જરૂરી હોવાથી ગ્રામ પંચાયતના વહીવટદારને મોકલી આપવા લેખિત આદેશ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, 20 ડિસેમ્બર-2024ના રોજ સાંજે ગ્રામ પંચાયત દ્વારા ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. વહીવટદાર તરીકે સંતોષ યોગી, તલાટી પી.આર.જોષી અને મહેશ પુરોહિત તેમજ સ્થાનિક વેપારી મહામંડળના હોદ્દેદારો, વેપારીઓ, પંચાયતના પૂર્વ સભ્યો સહિત 55 વ્યક્તિઓ હાજર રહ્યા હતા. ગ્રામસભામાં નગરપાલિકાની તરફેણ અને વિરૂદ્ધ માટે મત લેવામાં આવ્યા હતા. જેમાં નગરપાલિકાની તરફેણમાં માત્ર ત્રણ લોકોએ એટલે કે 5 ટકા લોકોએ આંગળી ઉંચી કરી હતી. બાકીના 52 લોકો એટલે કે 95 ટકા લોકોએ નગરપાલિકાની વિરૂદ્ધમાં એટલે કે ગ્રામ પંચાયત યથાવત રાખવા પોતાની આંગળી ઉંચી કરી મત આપ્યો હતો.
નગરપાલિકાનો દરજ્જો રદ કરવા પૂર્વ ધારાસભ્યની માંગ
બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કહ્યું કે, રાજ્ય સરકારના નિર્ણય અંગે મે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં સરકારના આકસ્મિક નિર્ણય અંગે સ્થાનિક લોકોમાં રોષ હોવાનું જણાવ્યું છે. ત્રણ મહિના પહેલા યોજાયેલી બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ મહિના પહેલા સરપંચ સહિત 16 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. નગરપાલિકા જાહેર થતાં હાલનું પંચાયત માળખું બરખાસ્ત કરીને વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.
અચાનક નગરપાલિકાના દરજ્જાની જાહેરાત થતાં ગ્રામ પંચાયતના સભ્યોમાં રોષ ફેલાયો છે. તેઓ સરકારના આકસ્મિક નિર્ણયને અયોગ્ય ગણાવી રહ્યા છે. પંચાયતની ચૂંટણી બાદ હવે નગરપાલિકાની ચૂંટણી યોજાય તેમ હોવાથી સરકારી નાણાનો વ્યય થવાનો છે.
એક જ પંચાયતમાં ત્રણ મહિનામાં બે વખત ચૂંટણી યોજવી એ અંધેર વહીવટનો નમૂનો છે. પંચાયતને નગરપાલિકા તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ચાલતી હતી તો પછી ત્રણ મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી શા માટે યોજવામાં આવી? તેથી સરકારના નિર્ણય અંગે સ્થાનિક નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે.
સરકારી જમીનો રાજ્ય સરકાર હસ્તક રહેશે
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા બુધવારે(17 સપ્ટેમ્બર)નગરપાલિકા અધિનિયમ-1963 હેઠળ બેચર-બેચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના જાહેરનામા મુજબ બુધવારથી બેચર-બેચરાજી ગ્રામ પંચાયત નગરપાલિકા અમલી બની છે. જાહેરનામામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બેચર-બહુચરાજી નગરપાલિકાના વિસ્તારમાં આવેલી સરકારી જમીનોનો સમાવેશ નગરપાલિકામાં કરવામાં આવશે નહીં. તે રાજ્ય સરકાર હસ્તક જ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા