આદિવાસી પ્રમાણપત્ર વિવાદથી આણંદનું રાજકારણ ગરમાયું
મહારાષ્ટ્રના ST પ્રમાણપત્ર મુદ્દે આણંદ જિ. પં. પ્રમુખપદ મયુરી પટેલને છોડવું પડે તેવા સંકેત

AI જનરેટેડ

AI જનરેટેડ
ST પ્રમાણપત્ર મુદ્દે આણંદમાં રાજકીય ગરમાવો
ગુજરાતમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો સરકારી નોકરીઓ સુધી સીમિત રહ્યો નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ બોગસ આદિવાસી પ્રમાણપત્રના મુદ્દાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદને લઈને સર્જાયેલા વિવાદે રાજકારણમાં નવી ચર્ચા શરૂ કરી છે.
શું છે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખપદનો વિવાદ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતના રોટેશનને કારણે આણંદ જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદ આદિવાસી (ST) અનામત રાખવામાં આવ્યું હતું. કુલ 40 બેઠકોમાંથી માત્ર એક જ બેઠક (હાડગુડ) આદિવાસી અનામત હતી. જ્યાંથી કોંગ્રેસના ગૌરીબહેન તડવી વિજેતા બન્યા હતા. બીજી તરફ, ભાજપ બહુમતી સાથે (33 બેઠકો) જીત્યું હોવા છતાં આદિવાસી સભ્ય ચૂંટાયો નથી.
તેથી સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મયુરીબહેન પટેલ મહારાષ્ટ્રનું આદિવાસી સર્ટિફિકેટ લઈને આવ્યા હતા. ચૂંટણી અધિકારી પાસે સર્ટિફિકેટની ચકાસણીની સત્તા ન હોવાની દાદ માંગીને તેઓ હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યા હતા અને ભાજપની બહુમતીના જોરે પ્રમુખ બની ગયા હતા. મંગળવારે(16 જૂન) હાઈકોર્ટની સુનાવણી દરમિયાન મયુરી પટેલે નાટ્યાત્મક રીતે પોતાની અરજી પરત ખેંચી લીધી છે. તેથી આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ બદલાય તે નિશ્ચિત બન્યું છે.
મયુરી પટેલની અરજી પાછી ખેંચાતા બદલાવના સંકેત
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ આદિવાસી ઉમેદવાર માટે અનામત જાહેર કરાયું હતું. ભાજપ પાસે બહુમતી હોવા છતાં ST કેટેગરીના ચૂંટાયેલા સભ્યનો અભાવ હતો. આ સ્થિતિમાં સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મયુરીબેન પટેલે મહારાષ્ટ્રનું ST પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખપદ મેળવ્યું હતું. જો કે, હાઈકોર્ટમાં રજૂ થયેલી અરજીના આધારે તેઓ પ્રમુખપદ સુધી પહોંચ્યા હતાં. પરંતુ તાજેતરની સુનાવણી દરમિયાન તેમણે પોતાની અરજી પાછી ખેંચી લેતા હવે પ્રમુખપદ પર સંકટ ઊભું થયું છે.
જિલ્લા પંચાયતની રાજકીય સ્થિતિ શું છે?
40 બેઠકો ધરાવતી આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપને 33 બેઠકોની બહુમતી મળી હતી. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 7 બેઠકો છે. હાડગુડ બેઠક પરથી ચૂંટાયેલા ગૌરીબેન તડવી એકમાત્ર ST સભ્ય તરીકે ચૂંટાયા હતા. હાલની સ્થિતિમાં ગૌરીબેન તડવી પ્રમુખપદ માટે મજબૂત દાવેદાર છે.
ભાજપે નવી વ્યૂહરચના વિચારી
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ જિલ્લા પંચાયતમાં પોતાની સત્તા જાળવી રાખવા માટે વૈકલ્પિક માર્ગ શોધી રહ્યું છે. એક બેઠક ખાલી કરાવી ત્યાંથી આદિવાસી ઉમેદવારને ચૂંટણી જીતાડ્યા બાદ પ્રમુખપદ સોંપવાની શક્યતા અંગે વિચારણા ચાલી રહી છે.
નર્મદા જિલ્લામાં પણ 'નકલી ST' પ્રમાણપત્રનો મુદ્દો ગાજ્યો
ખોટા આદિવાસી પ્રમાણપત્રનો વિવાદ હવે એક-બે જિલ્લા પૂરતો સીમિત નથી. નર્મદા જિલ્લામાં પણ ભાજપમાં આ મુદ્દે મોટો બળવો થયો છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે પક્ષના આદિવાસી સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે મોરચો માંડ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે આદિવાસી મહિલા સાથે લગ્ન કર્યા છે. તેઓ નર્મદામાં પણ પોતાની પત્નીને ST રિઝર્વ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો પેંતરો રચી રહ્યા છે. બિન-આદિવાસીઓ આદિવાસી છોકરી સાથે લગ્ન કરીને તેમના મૂળભૂત અધિકારો અને અનામત પર તરાપ મારી રહ્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
બોગસ પ્રમાણપત્રનો મુદ્દો ફરી ચર્ચામાં
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં નકલી આદિવાસી પ્રમાણપત્રના આધારે નોકરીઓ મેળવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે રાજકીય પદ માટે પણ ખોટા પ્રમાણપત્રોનો ઉપયોગ થતો હોવાના કિસ્સા સામે આવતા આદિવાસી સમાજમાં અસંતોષ વધી રહ્યો છે. તેથી સમગ્ર મામલો હવે માત્ર કાનૂની નહીં પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો કેન્દ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?