ગુજરાતમાં નવા સંગઠનને મજબૂત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામે આક્ષેપ કરતી પત્રિકા વાયરલનો મુદ્દો હજુ શાંત પડ્યો નથી. તેવામાં હિંમતસિંહ પટેલના ભાણેજ અને અમદાવાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ વિશાલ ગુર્જરને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. શુક્રવારે AICC નિરીક્ષક બી.કે.હરિપ્રસાદ સહિતના નેતાઓની હાજરીમાં કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી કરી વિશાલ ગુર્જર બાખડી પડ્યો હતો. તેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યુવક કોંગ્રેસના પ્રમુખપદેથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
રાહુલ ગાંધી ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવા મહેનત કરી રહ્યા છે. પરંતુ, કોંગ્રેસમાં સતત કકળાટ સામે આવી રહ્યો છે. કોંગ્રેસના બે નેતાઓ સામે લેટરકાંડ આવ્યા બાદ હવે પ્રદેશ કાર્યાલયમાં રૂપિયા બાબતે બોલાચાલીનો મામલો બહાર આવ્યો છે.
કોંગ્રેસ કાર્યાલયમાં શુક્રવારે અમદાવાદ શહેર પ્રમુખ માટે પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. AICC નિરીક્ષક બી.કે.હરિપ્રસાદ રજૂઆત સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક પ્રમુખની ચેમ્બરમાં કેટલાક કાર્યકરો ઘૂસી ગયા હતા. શહેર પ્રમુખ હિંમતસિંહના ભાણેજ અને અમદાવાદ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ વિશાલ ગુર્જરે કાર્યકરો પર પૈસા ખાવાનો આક્ષેપ કર્યો હતો. તે સમયે કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરો બાખડી પડ્યા હતા. તેઓએ હિંમતસિંહ પટેલના ભાણેજ વિશાલ ગુર્જરને ઘેરી લીધો હતો.
બી.કે. હરિપ્રસાદની હાજરીમાં ઉગ્ર બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણેજ વિશાલ ગુર્જરે કહ્યું કે, 'તમે એલિસબ્રીજવાળાએ શું કરી લીધું ? બૂથના પૈસા ખાઇ ગયા. આ આક્ષેપના પગલે પાલડી વોર્ડના પ્રમુખ ભાવિન પરમાર સહિતના કાર્યકરોએ ઉશ્કેરાઈ ગુર્જરને ઘેરી લીધો હતો. કોંગ્રેસના કાર્યાલયમાં AICC નિરીક્ષકની હાજરીમાં ઉગ્ર બોલાચાલી થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. આ સમયે ઉપસ્થિત નેતાઓએ એકબીજાને સમજાવતા વિશાલ ગુર્જરે ‘સોરી’ કહેતા મામલો થાળે પડયો હતો.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે પત્રિકાકાંડ થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર સામે આક્ષેપ કરતી પત્રિકા વાયરલ થઈ છે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ફરિયાદમાં હિંમતસિંહે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને હિંમતસિંહ સામે ફરિયાદ ન થાય તે માટે ભાજપ સાથે સેટિંગ કર્યુ હોવાનો પત્રિકામાં આક્ષેપ કરાયો છે. આ પત્રિકામાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને ભાજપ સાથે સંબંધો હોવાથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.