દિલ્હી પહોંચતાં જ CJPના 3 નેતાઓની અટકાયતનો દાવો, ધ્રુવ રાઠી પર પણ કાર્યવાહી કેમ?
અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા અને ધ્રુવ રાઠીની અટકાયત! જંતર-મંતર પર CJPના વિરોધ પહેલાં રાજધાનીમાં અચાનક આટલી કડક સુરક્ષા કેમ?

CJPના વિરોધ પહેલાં અભિજીત દીપકેની અટકાયત

CJPના વિરોધ પહેલાં અભિજીત દીપકેની અટકાયત
Delhi CJP Protest: દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. CJPએ દાવો કર્યો છે કે તેના સ્થાપક અભિજીત દીપકે સહિત ત્રણ નેતાઓને દિલ્હી પહોંચ્યા બાદ પોલીસે અટકાયતમાં લીધા હતા. પાર્ટીના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હી પહોંચેલા અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. CJPએ પોતાના ત્રણ નેતાઓની અટકાયતની નિંદા કરી છે. પાર્ટીનો આરોપ છે કે દિલ્હી પોલીસે પૂર્વઆયોજિત યોજના હેઠળ એરપોર્ટ પર જ નેતાઓને અટકાયતમાં લીધા, જેથી તેઓ જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધ સ્થળે પહોંચી ન શકે અને શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ ન કરી શકે. પાર્ટીએ આ કાર્યવાહીને સરમુખત્યારશાહી પગલું ગણાવ્યું છે. CJPના જણાવ્યા પ્રમાણે, આ પગલું નાગરિકોની અવરજવરની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. પાર્ટીએ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની તાત્કાલિક તથા બિનશરતી મુક્તિની માંગ કરી છે.
CJP દ્વારા 10 ઓક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટી ચૂંટણી પંચની કામગીરી, SIR પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધ નોંધાવવા માગે છે. જોકે, દિલ્હી પોલીસે આ કાર્યક્રમને મંજૂરી આપી નથી. પોલીસનું કહેવું છે કે વિરોધ માટેની અરજી મોડેથી મળી હતી અને અગાઉના કેટલાક વિરોધ પ્રદર્શનોમાં નિયમોના કથિત ઉલ્લંઘનને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે.
ધ્રુવ રાઠીની ગુરુગ્રામમાંથી અટકાયત
CJPના વિરોધ પહેલાં યુટ્યુબર ધ્રુવ રાઠીને ગુરુગ્રામના સેક્ટર 56 સ્થિત કેન્દ્રીય વિહાર વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા પર CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની વાત કરી હતી અને લોકોને પણ તેમાં જોડાવા અપીલ કરી હતી. અહેવાલો મુજબ, દિલ્હી પોલીસને રાઠી ગુરુગ્રામમાં હોવાની માહિતી મળ્યા બાદ દિલ્હી અને ગુરુગ્રામ પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી. જોકે, તેમની અટકાયતનું ચોક્કસ કાનૂની કારણ અને કેસ સંબંધિત સંપૂર્ણ વિગતો સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ નથી. CJPની કાનૂની ટીમના વડા રત્નાને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
જંતર-મંતર તરફ જતા માર્ગો પર બેરિકેડિંગ
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ITO, મંડી હાઉસ, કનોટ પ્લેસ, બારખંભા રોડ અને જંતર-મંતર તરફ જતા માર્ગો પર પોલીસ ચેકિંગ વધારવામાં આવ્યું છે. અનેક સ્થળોએ બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યું છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તેના કારણે મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડ્યો છે. અહેવાલો અનુસાર, જંતર-મંતર પર એકત્ર થયેલા વિરોધીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. અટકાયતમાં લેવાયેલા લોકોની સંખ્યા અંગે અલગ-અલગ અહેવાલો સામે આવ્યા છે, જેમાં કેટલાકમાં આંકડો આશરે 150થી વધુ દર્શાવવામાં આવ્યો છે.
45 મેટ્રો સ્ટેશનો પર પ્રતિબંધ, સુરક્ષા કડક
CJPના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, દિલ્હી મેટ્રોના 45 સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવા અંગે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, જે 10 ઓક્ટોબરની સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેવાના છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હી પોલીસે નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની અટકાયત અને CJPના વિરોધ પહેલાંની પોલીસ કાર્યવાહી વચ્ચે હવે સૌની નજર જંતર-મંતરની સ્થિતિ અને આગામી રાજકીય ઘટનાક્રમ પર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!

રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! PM મોદીની કથિત ટિપ્પણી સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી પર રોક