પાઠ્ય પુસ્તક મંડળમાં હલકી કક્ષાનો કાગળ વાપરી 13 કરોડનું કૌભાંડ આચરાયું
70 ના બદલે 66 GSM અને 82 થી 95ના બદલે 75 બ્રાઈટનેસનો કાગળ વાપરી કટકી કરી

પાઠ્યપુસ્તક મંડળે 20 હજાર મેટ્રીક ટન કાગળ માટે 107 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો

પાઠ્યપુસ્તક મંડળે 20 હજાર મેટ્રીક ટન કાગળ માટે 107 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો
ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ માટે ટેન્ડર દ્વારા કાગળ ખરીદી પુસ્તકો છાપતું હોય છે. હલકી ગુણવત્તાવાળો કાગળ વાપરીને પાઠ્ય પુસ્તક મંડળે કરોડો રૂપિયાની કટકી કરી હોવાનો આક્ષેપ થયો છે. તાજેતરમાં પાઠ્ય પુસ્તક મંડળે ખરીદેલા 20 હજાર મેટ્રિક ટન કાગળ લેબ ટેસ્ટમાં ફેઈલ થતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. ગુણવત્તાવાળા કાગળના બદલે હલકી ગુણવત્તાવાળો કાગળ આપી રૂપિયા 13 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળે વિદ્યાર્થીઓ માટે પુસ્તકો બનાવવા માટે 20 હજાર મેટ્રિક ટન કાગળ ખરીદવા માટે રૂપિયા 107 કરોડનું ટેન્ડર બહાર પાડ્યુ હતુ. મુજબ વર્ષ 2023-24માં પાઠ્યપુસ્તક મંડળે પેપરના પ્રતિ કિલોના રૂપિયા 108ના ભાવે ટેન્ડર નક્કી કર્યુ હતું. આ ટેન્ડર છેલ્લાં 15 વર્ષથી એક જ એજન્સીને આપવામાં આવી રહ્યુ છે. એજન્સી જે કાગળ આપતી હતી તે પ્રકારના કાગળ અન્ય એજન્સી પ્રતિ કિલોના રૂપિયા 87 થી આપવા તૈયાર હતી. તેમ છતાં પ્રતિ કિલોના 107 રૂપિયાના ભાવે કાગળ ખરીદવામાં આવ્યા હતા. આ મામલો હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવ્યો હતો. તાજેતરમાં વર્ષ-2025ના નવું ટેન્ડર બહાર પાડી જૂન મહિનામાં આપવામાં આવનાર પુસ્તકો માટેના કાગળ ખરીદીમાં પાઠ્ય પુસ્તક મંડળે પ્રતિ કિલોએ 53.50 પ્રમાણે મીલોના ભાવથી 70 ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, ટેન્ડર મુજબ 70 ગ્રામ GSM (પ્રતિ ગ્રામ ચોરસ મીટર) પ્રતિ સ્ક્વેર મીટર અને કાગળની બ્રાઈટનેસ 82 થી 95 રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. જો કે, પાઠ્ય પુસ્તક મંડળ અને એજન્સી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું લેબ ટેસ્ટના રિપોર્ટમાં સામે આવ્યું છે. સામાજિક કાર્યકર જૈનિક પટેલે પાઠ્ય પુસ્તક મંડળે ખરીદેલા કાગળના સેમ્પલ લઈ MSMEની સરકારી ટેસ્ટીંગ લેબમાં ટેસ્ટ કરાવતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. લેબ ટેસ્ટમાં પુસ્તક માટે વપરાયેલાં કાગળનો GSM 70 હોવો જોઈએ તેના બદલે 66.54 જોવા મળ્યો છે. જ્યારે કાગળની બ્રાઈટનેસ 82 થી 95ને બદલે 75.6 જોવાં મળી છે. નક્કી કરેલાં કાગળ પ્રમાણે 53.5 રૂપિયા ભાવ ભરવામાં આવ્યો છે. ગુણવત્તા ન જાળવી હલકી ગુણવત્તાવાળા કાગળનો વપરાશ કરી પુસ્તક છાપવામાં આવ્યા હોવાનો લેબ ટેસ્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે. પાઠ્ય પુસ્તક મંડળે 20 હજાર મેટ્રીક ટનનું ટેન્ડર આપ્યું હોવાથી કાગળમાં બજાર ભાવ પ્રમાણે પ્રતિ કિલોએ 6.5 રૂપિયા વધુ ચુકવાયા હોવાથી પાઠ્ય પુસ્તક મંડળ અને એજન્સી દ્વારા રૂપિયા 107 કરોડના ટેન્ડરમાં રૂપિયા 13 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું કે, એક સક્ષમ વિરોધપક્ષ તરીકેની ભૂમિકા ભજવતા કોંગ્રેસે કૌભાંડને ઉજાગર કર્યું છે. સામાજિક કાર્યકર જૈનિક પટેલ દ્વારા લેબ ટેસ્ટિંગ કરાવતા કાગળની ગુણવત્તા 70 GSM ના બદલે 66 GSM સાબિત થઈ છે. જ્યારે બ્રાઈટનેસ 92 ના બદલે 75 સાબિત થઈ છે. બાળકોને આપવામાં આવેલા પાઠ્યપુસ્તકોમાં ત્રણથી ચાર પ્રકારના હલકી ગુણવત્તાવાળા કાગળ વાપરવામાં આવ્યા છે. તેથી કોંગ્રેસે માગ કરી છે કે, કાગળના ટેન્ડર મામલે જવાબદાર વ્યક્તિઓ અંગે તપાસ કરી જનતાના ટેક્સના પૈસે થયેલા ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા રીકવર કરવામાં આવે.
ફેડરેશન ઓફ બુક્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, 66.54 GSM અને 75 બ્રાઈટનેસનો બજારભાવ 45 થી 47 રૂપિયા કરતાં પણ ઓછો થાય છે. માર્કેટ રેટ પ્રમાણે મહત્તમ 47 રૂપિયાનો ભાવ ગણીએ તો પણ ટેન્ડરમાં 53.5 રૂપિયા ભાવ નક્કી કર્યો છે તેના કરતાં 6.5 રૂપિયાનો ભાવ વધારે આપ્યો છે. પાઠ્ય પુસ્તક મંડળે ખરીદેલાં કાગળોમાં GSM અને બ્રાઈટનેસમાં તફાવત હોવાથી 20 હજાર મેટ્રીક ટન પ્રમાણે 13 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનું કહી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.