'ગંદી ગાળો આપી, મારવા માટે ચપ્પલ ઉપાડ્યા': રોહિણી
બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ રોહિણી આચાર્યએ પાર્ટી અને પરિવારથી પોતાને દૂર કર્યા

લાલુ પરિવારમાં ઘમાસાણ: તેજસ્વીથી રોહીણી નારાજ

લાલુ પરિવારમાં ઘમાસાણ: તેજસ્વીથી રોહીણી નારાજ
બિહાર વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની કારમી હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં મોટો વિખવાદ સર્જાયો છે. આ વિખવાદનું કેન્દ્ર છે તેજસ્વી યાદવના નજીકના સાથી સંજય યાદવ અને રમીઝ. લાલુ યાદવને કિડનીનું દાન કરનાર તેમની પુત્રી રોહિણી આચાર્યએ આ ઘમાસાણ વચ્ચે પાર્ટી અને પરિવારથી પોતાને દૂર કરી દીધા છે. તેઓ ગઈકાલે મોડી રાત્રે રાબડી દેવીના નિવાસસ્થાનેથી પણ નીકળી ગયા હતા.
રોહિણીનો આક્રોશ: 'મારો કોઈ પરિવાર નથી'
પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા રોહિણીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, "મારો કોઈ પરિવાર નથી. તેમણે જ મને પરિવારમાંથી કાઢી મૂકી છે." તેમણે નેતૃત્વ પર આકરા પ્રહાર કરતા કહ્યું, "આખી દુનિયા પૂછી રહી છે કે પાર્ટીની આવી સ્થિતિ કેમ થઈ ગઈ છે, પરંતુ તેઓ જવાબદારી લેવા માંગતા નથી."
રોહિણીએ સ્પષ્ટપણે તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ અને રમીઝ પર દબાણ લાવવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું, "હવે આ સવાલ તેજસ્વી યાદવને પૂછો. જો તમે સવાલ પૂછશો, તો તમને અપશબ્દો કહેવામાં આવશે અને ચપ્પલથી મારવામાં આવશે." આ નિવેદનો લાલુ પરિવારમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે.
ચૂંટણીમાં પરાજય અને 'જયચંદ' પર પ્રહાર
તાજેતરના ચૂંટણી પરિણામો RJD માટે ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. 2020માં જીતેલી 75 બેઠકોની સરખામણીમાં આ વખતે પાર્ટી માત્ર 25 બેઠકો પર જ જીત મેળવી શકી છે. લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ પણ આ ચૂંટણીમાં લગભગ 50,000 મતોના મોટા માર્જિનથી હારી ગયા છે, જ્યારે તેજસ્વી યાદવ માંડ પોતાની બેઠક બચાવી શક્યા છે.
આ પરિણામો બાદ પરિવારમાં સંઘર્ષ વધુ વકર્યો છે. શનિવારે રોહિણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આ કરવાનું કહ્યું, અને હું બધો દોષ મારા પર લઈ રહી છું." આ પોસ્ટ દ્વારા તેમણે સંજય યાદવ અને રમીઝ પાર્ટીના નિર્ણયોમાં સર્વસત્તાધીશ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો. આ પહેલા પણ સંજય યાદવના વધતા પ્રભાવને લઈને રોહિણીએ સપ્ટેમ્બરમાં પરિવારના સભ્યો સહિત બધાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા.
તેજ પ્રતાપ યાદવે પણ ચૂંટણી પરિણામો બાદ સંજય યાદવ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, "જયચંદે RJDને નબળી કરી દીધી છે." ભૂતકાળમાં, તેજ પ્રતાપે સંજય યાદવ પર તેમને તેજસ્વીને મળતા અટકાવવા અને રાજકારણના મામલે દખલગીરી કરવાનો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો.
કોણ છે સંજય યાદવ અને રમીઝ?
સંજય યાદવ હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી છે અને કોમ્પ્યુટર સાયન્સમાં અનુસ્નાતક છે. તેજસ્વી અને સંજય 2012ની આસપાસ દિલ્હીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મળ્યા હતા અને 2013માં સંજયે પોતાની IT કંપનીની નોકરી છોડીને તેજસ્વી સાથે રાજકારણ શીખવા પટના આવવાનું પસંદ કર્યું. રાજકીય નિષ્ણાતોના મતે, સંજય યાદવ તેજસ્વીના વ્યૂહાત્મક સલાહકાર તરીકે કામ કરે છે અને પાર્ટીમાં તેમના આવવાથી ટેકનોલોજીકલ અને ડિજિટલ ફેરફારો થયા છે. જોકે, તેમના વધતા પ્રભાવને કારણે જ પરિવારમાં વિખવાદ વધ્યો છે.
બીજી તરફ, રમીઝ ઉત્તર પ્રદેશના બલરામપુરનો રહેવાસી છે અને જેલમાં બંધ પૂર્વ સાંસદ રિઝવાન ઝહીરનો જમાઈ છે. હત્યા સહિતના અનેક આરોપો ધરાવતા રમીઝ RJDના સોશિયલ મીડિયા અને ચૂંટણીની કામગીરી સંભાળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!