‘75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ', મોહન ભાગવતે આવું કેમ કહ્યું?
75 વર્ષની ઉંમરે પદ છોડવાની ટિપ્પણીથી વડાપ્રધાન મોદીના ભવિષ્ય અંગે ચર્ચા શરૂ

સપ્ટેમ્બર મહિનામાં નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી ભાગવતનું સૂચક નિવેદન

સપ્ટેમ્બર મહિનામાં નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી ભાગવતનું સૂચક નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે (9 જુલાઈ) ના રોજ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કરેલા નિવેદને દેશભરમાં ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું કે, ‘75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ.' સંઘના વરિષ્ઠ અધિકારી મોરોપંત પિંગલેનું ઉદાહરણ આપીને તેમણે 75 વર્ષની ઉંમરે પદ છોડવાની કરેલી ટિપ્પણીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવિષ્ય સામે સવાલો શરૂ થયા છે. ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે મોહન ભાગવતના નિવેદનને સૂચક માનવામાં આવી રહ્યું છે.
મોરોપંત પિંગલેએ 75 વર્ષ પછી નિવૃત્તિ લેવાનું શીખવ્યુઃ ભાગવત
RSSના સ્વર્ગસ્થ વિચારક મોરોપંત પિંગલેના જીવન પર આધારિત અંગ્રેજી પુસ્તકના વિમોચન પ્રસંગે સરસંઘચાલક મોરોપંત પિંગલેને તેમણે યાદ કર્યા હતા. મોહન ભાગવતે કહ્યું કે વૃંદાવનમાં યોજાયેલી સંઘની બેઠકમાં મોરોપંત પિંગલેને તેમના 75 વર્ષના થવા પર સન્માનિત કરાયા હતા. તે સમયે તત્કાલિન સરકાર્યવાહ શેષાદ્રીએ મોરોપંતને શાલ પહેરાવી સન્માનિત કર્યા હતા. તે સમયે મોરોપંતે કહ્યું હતું કે, ‘હું 75નો અર્થ સમજું છું.’ મોરોપંતને યાદ કરતા મોહન ભાગવતે કહ્યું કે, ‘આ તેમનો એક ઉપદેશ છે. મોરોપંત પિંગલેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કોઈપણ પ્રચાર વિના કામ કરવાનું અને 75 વર્ષ પછી નિવૃત્તિ લેવાનું શીખવ્યું હતું.’
રામ જન્મભૂમિ આંદોલનમાં મોરોપંતે અશોક સિંઘલને આગળ રાખ્યાઃ ભાગવત
ભાગવતે કહ્યું કે ‘મોરોપંતે રામ જન્મભૂમિ આંદોલનમાં અશોક સિંઘલને આગળ રાખ્યા. તેઓ પોતે ક્યારેય આગળ વધ્યા નહીં. તેમણે પોતાના આચરણ દ્વારા ખ્યાતિથી દૂર રહીને કામ કરવાનો દાખલો બેસાડ્યો. તેમણે બાળપણથી જ આત્મબલિદાનની કઠિન સાધના કરી હતી. તેઓ સંઘ પ્રત્યે સમર્પિત હતા. પરંતુ તેમને એવું નહોતું લાગતું કે તેઓ આવા કામ કરશે.’
RSSના વડાની ટિપ્પણીથી વડાપ્રધાનની નિવૃત્તિની ચર્ચા
RSS ના વડા મોહન ભાગવતે કરેલા નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. વિપક્ષી નેતાઓ તેને સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સૂચક નિવેદન તરીકે ગણી રહ્યા છે. આરએસએસના સ્વર્ગસ્થ વિચારક મોરોપંત પિંગલેના સન્માનના સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનના દેશમાં પડઘા પડ્યા છે. વડાપ્રધાન મોદી માત્ર બે મહિનામાં સમાન વયમર્યાદાની નજીક પહોંચી ગયા હોવાથી ટિપ્પણીએ રાજકીય અટકળો શરૂ કરી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહને 75 વર્ષની ઉંમર વટાવ્યા પછી જે રીતે માર્ગદર્શક મંડળમાં ધકેલીને છૂટા કરવાના ઉદાહરણ સાથે લોકો જોઈ રહ્યા છે.
ભાગવતના નિવેદને ભાજપને તેવા સમયે મૂંઝવણમાં મૂકી દીધો છે. જ્યારે ભાજપમાં અત્યારે ઉત્તરાધિકાર, પેઢીગત પરિવર્તન અને પરિવારવાદ જેવા મુદ્દાઓ હાવી થઈ ગયા છે. વડાપ્રધાન કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી. આરએસએસ વડાના શબ્દોએ લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચામાં નવુ ઈંધણ ઉમેર્યું છે કે શું રાજકીય નેતૃત્વની સમાપ્તિ તારીખ હોવી જોઈએ?
રાજકીય વિશ્લેષક ગૌતમભાઈ પુરોહિતે જણાવ્યું કે, ગુજરાતમાં 75 વર્ષની વય મર્યાદાને લઈ કોઈપણ નેતાને નિવૃત્ત કરવામાં આવ્યા નથી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી 75 વર્ષની વય મર્યાદાનો નિયમ આવ્યો છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના અનેક નેતાઓને વય મર્યાદાના કારણે ટિકિટ નહી આપીને સલાહકાર બોર્ડમાં મૂકવામાં આવ્યા છે. જો કે, ભાજપના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, 75 વર્ષની વય મર્યાદાનો નિર્ણય પાર્ટીના વર્કીગ જૂથનો છે. પક્ષની કારોબારીમાં કોઈ નિર્ણય કરાયો નથી.
રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ મોટો ધડાકો કરતાં કહ્યું કે, ભાજપમાં વય મર્યાદા તો એક બહાનું છે. કોઈના લાભ માટે બીજાને વય મર્યાદાના બહાના હેઠળ નિવૃત કરી દેવાના, આનંદીબેન પટેલે વય મર્યાદાના કારણે નહી પણ સ્વયંભૂ રાજીનામુ આપ્યું હતું. અમિત શાહે બે દિવસ પહેલાં જ કહ્યું કે, તેઓ નિવૃત થશે તો જૈવિક ખેતી કરશે. આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે, આરએસએસ હવે કઠોર થઈ ગયું છે. આરએસએસ માને છે કે, કોઈપણ ચૂંટણી જીત કે હાર, તેમના કારણે છે. તેથી વય મર્યાદા થઈ ગયા બાદ નિવૃત્તિ લઈને નવોદિતોને તક આપો. સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીના પણ 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જોઈએ, તેઓ નિવૃત્તિ લે છે કે નહીં.
લાલકૃષ્ણ અડવાણીની વયને લઈને દેશને કોઈ વાંધો નહોતો. પરંતુ, પાકિસ્તાનમાં ઝીણાની મજાર ઉપર ચાદર ચઢાવીને બિનસાંપ્રદાયિક્તાની વાતને તેમના પક્ષમાં રહેલા હિતશત્રુઓએ એટલો મોટો મુદ્દો બનાવી દીધો કે, પક્ષમાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. પરિવર્તન સંસારનો નિયમ છે. નવી પેઢીને હવે, પછી કે કાલ નહી પણ આજ અને અત્યારે ઉપર જ ભરોસો છે. નવી પેઢી વાયદાના વેપારમાં માનતી નથી. લોકતંત્ર એટલે પોતાના હાથે તકદીર લખવાની, નવી પેઢીની માનસિક્તાને સમજીને જ ભાજપ હવે નવોદિતોને તક આપી રહી છે. જેમાં વય મર્યાદાને લઈને કોઈ વાત નથી.
શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતનો ભાજપને ટોણો
સંજય રાઉતે પ્રશ્ન કર્યો કે,‘75થી વધુની વય ધરાવતા નેતાઓને વડાપ્રધાને નિવૃત્ત કર્યા. સંઘ પ્રમુખ તેમને નિવૃત્ત થવા સંકેત આપી રહ્યા છે. હવે જોઈએ કે, શું વડા પ્રધાન પોતે આ નિયમનું પાલન કરે છે?’ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત આરએસએસના મુખ્યાલય ગયા ત્યારે પણ સંજય રાઉતે નિવેદન કર્યુ હતું કે, મોદી તેમની નિવૃત્તિ યોજનાઓ અંગે ચર્ચા કરવા RSS મુખ્યાલયની મુલાકાતે ગયા હતા. તેમણે ભાજપની 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની નીતિનો જે તે સમયે ઉલ્લેખ કર્યો હતો.
ભાજપે 75 વર્ષની ઉંમરે ઘણા નેતાઓને નિવૃત્ત કર્યા
2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને નિવૃત્ત કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળમાં 75 વર્ષથી નાના નેતાઓને સ્થાન આપ્યું હતું. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને નિવૃત કરીને પક્ષના સલાહકાર બોર્ડમાં સમાવેશ કરાયો હતો. વર્ષ 2026માં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે પણ તેમની ઉંમર 75 વર્ષની હતી. તે જ વર્ષે 76 વર્ષના નજમા હેપતુલ્લાએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું.
2019ની લોકસભા ચૂંટણી પહેલા તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 75 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને ટિકિટ આપી નથી. આ પાર્ટીનો નિર્ણય છે. તે ચૂંટણીમાં સુમિત્રા મહાજન અને હુકુમદેવ નારાયણ યાદવને ટિકિટ આપવામાં આવી ન હતી. બાદમાં કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓએ રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી. વર્ષ 2024 લોકસભા ચૂંટણીમાં રાજેન્દ્ર અગ્રવાલ, સંતોષ ગંગવાર, સત્યદેવ પચૌરી, રીટા બહુગુણા જોશીની 75 વર્ષથી વધુ ઉંમર હોવાના કારણે ટિકિટ કાપવામાં આવી હતી.
ભાજપના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથીઃ રાષ્ટ્રીય અધ્યક્ષ
વર્ષ 2024 લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીની નિવૃત્તિ અંગે ઘણા નિવેદનો આવ્યા હતા. મે 2024 માં, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો ભાજપ લોકસભા ચૂંટણી જીતશે, તો મોદી ફક્ત આવતા વર્ષ સુધી જ વડાપ્રધાન રહેશે. વડાપ્રધાન મોદીએ પોતે આ નિયમ (75 વર્ષની ઉંમરે નિવૃત્તિ) બનાવ્યો છે. તે જ દિવસે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાજપના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. મોદીજી 2029 સુધી દેશનું નેતૃત્વ કરશે. આવનારી ચૂંટણીઓમાં પણ મોદીજી નેતૃત્વ કરશે. તેવી જ રીતે, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, ભાજપના બંધારણમાં ક્યાંય પણ ઉંમર અંગે આવી કોઈ જોગવાઈ નથી. મોદીજી ભવિષ્યમાં પણ નેતૃત્વ કરતા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?