વિશ્વ માતૃભાષા દિવસ
વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય, ગુજરાતી નથી. - ખલીલ ધનતેજવી

વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ
વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણે દિવસોમાં દબાયેલા માણસો છીએ. જ્યારે વેલેન્ટાઇન ડે આવે ત્યારે પ્રેમ થાય, મધર ડે આવે ત્યારે માતા યાદ આવે, પંદરમી ઓગસ્ટ આવે એટલે તાત્કાલિક ઝંડા લેવા દોડીએ. માતૃભાષા દિન છે એ જાણીને ઘણા લોકો માતૃભાષા દિનની ઊજવણી કરતાં સુવાક્યો, કવિતાઓ, વાર્તાઓ ને એવું બધું શોધવા લાગશે. ગુજરાતી પુસ્તકો વાંચતી સેલ્ફી કે ફોટોગ્રાફ પાડીને અપલોડ કરવા મંડી જશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની મનોવૃત્તિ ધરાવતા આપણે સૌ ભાષાની ભાંગતી ડાળી પર બેઠા છીએ.
અહી નર્મદનું એક વાક્ય આજના દિવસે યાદ કરીશ.મને ફાકડું અંગ્રેજી ન અવડવાનો અફસોસ નથી ..પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.
આપણા અંગ્રેજી પ્રત્યેના આકર્ષણની અણિયાળી કુહાડી જવાબદાર છે. ચપોચપચ અંગ્રેજી બોલતી વ્યક્તિ તરત બધાનું ધ્યાન ખેંચે છે એવો આપણો ભ્રમ પણ એની પાછળ જવાબદાર છે. અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં આપણા બધા જ મિત્રોનાં બાળકો ભણી રહ્યાં છે તો આપણું બાળક પાછળ રહી જશે એવી પણ આપણને બીક છે. આ બધી બીક એક કુહાડીનું કામ કરે છે. આ ભાષાની ફેશન, પાછળ રહી જવાની બીક, એ બધું એક રીતે કુહાડી જેવું છે. જે આપણી ભાષા નામની ડાળીને કાપી રહી છે.
ખબરદારે લખ્યું, 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.' ઉમાશંકર જોશીએ લખ્યું, 'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.' ખલીલ ધનતેજવી પણ એ જ કરી રહ્યા છે, જેમને મારી ખુમારી, મારા સંસ્કાર, મારું પોત પમાતું નથી એ ગુજરાતી નથી. અર્થાત્ મને સમજવા માટે તમારે ગુજરાતી સમજવું પડશે. કોઈ પણ સંસ્કૃતિને સમજવા માટે તેની માતૃભાષા સમજવી ખૂબ જરૂરી છે.
આપણા કવિઓ-સર્જકો માતૃભાષાનું ગૌરવગાન કરીને થાકી ગયા, પણ પવનની દિશા તો બીજી તરફની જ રહી છે. ઘણા લોકો પોતાના વ્યાકરણદોષ કે જોડણીદોષને છાવરવા માટે અખાની કાવ્યપંક્તિ ટાંકતા હોય છે, 'ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર.' ભૂલ ઢાંકવામાં આપણે શૂરા છીએ.
એક વાત સમજી લેવા જેવી છે. માતૃભાષાનું ગૌરવ કરવાનો અર્થ અંગ્રેજીનો વિરોધ કરવો, એવો નથી. અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, અને માતૃભાષાનો વિરોધ કરનાર મહામુર્ખ છે. અંગ્રેજી આજે વૈશ્વિક ભાષા છે, એટલે એ તમને જગત સાથે જોડી આપશે, પણ માતૃભાષા તમને જાત સાથે જોડી આપશે. ભાષા એક અર્થમાં આશા છે.
માતૃભાષા વિશે આઈઝેક બાસેવિક સિંગર નામના એક મોટા યહૂદી લેખકની સરસ વાત ગાંઠે બાંધવા જેવી છે. એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું: 'તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો?' જવાબમાં લેખકે કહ્યું: 'મને પાકી ખાતરી છે કે મૃત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે: યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઈ છે? એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઈ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.'
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?