ઈન્ડોનેશિયા વિશ્વનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ છે. અહીં લગભગ 130 સક્રિય જ્વાળામુખી આવેલા છે. જેમાંથી મંગળવારે માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો હતો. આ જ્વાળામુખીથી રાખના વાદળો આકાશમાં ઉંચા ગયા હતા. અધિકારીઓ દ્વારા વિસ્તારને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દેશની જ્વાળામુખી એજન્સીના નિવેદન મુજબ, ઇન્ડોનેશિયાના પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં સ્થિત, જ્વાળામુખી સ્થાનિક સમય અનુસાર સાંજે 5.35 વાગ્યે ફાટ્યો હતો. રાખનાં વાદળો 10,000 મીટર (32,800 ફૂટ)થી વધુ ઊંચાઈએ ઉડ્યા હતા. તે લગભગ 150 કિમી દૂરથી જોઈ શકાતું હતું. જ્વાળામુખી વિસ્ફોટમાં કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ રહેવાસીઓને સાવચેત રહેવા વિનંતી કરી છે. સાવચેતીના ભાગ રૂપે ઘણી એરલાઇન્સે બાલીના ન્ગુરાહ રાય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરી દીધી હતી.
એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ્દ :
ઇન્ડોનેશિયામાં શક્તિશાળી જ્વાળામુખી ફાટવાના કારણે બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ પણ કરવી પડી હતી, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલી પડી હતી.દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ફ્લાઇટ વચ્ચે જ પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી. આ પછી વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું.
અન્ય રદ્દ થયેલ ફ્લાઇટ:
એર ઇન્ડિયા સહિતની વર્જિન ઓસ્ટ્રેલિયા, જેટસ્ટાર, એર ન્યુઝીલેન્ડ, સિંગાપોરની ટાઇગરએર, ચીનની જુન્યાઓ એરલાઇન્સ અને ઘણી એરલાઇન્સે ફ્લાઇટ્સ રદ કરી હતી અથવા તેમના રૂટ બદલ્યા હતા.