ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થતાં જ સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની યાદો તાજી થઈ ગઈ. લોકોએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા કરનાર ઈન્દિરા ગાંધીના વખાણ કર્યા. ટ્વિટર પર #IndiraGandhi ટ્રેન્ડ થવા લાગ્યું અને તેમને 'આયર્ન લેડી' તરીકે યાદ કરવામાં આવ્યા.
ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા કેમ સ્વીકારવામાં આવી. તેમણે ઈન્દિરા ગાંધીને યાદ કર્યા જેમણે 1971ના યુદ્ધમાં અમેરિકાની પરમાણુ હુમલાની ધમકી છતાં યુદ્ધ ચાલુ રાખ્યું અને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું. એટલું જ નહીં, તેમણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિને પણ લાંબો સમય રાહ જોવડાવી હતી.
હાલમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી યુદ્ધ અટક્યું હોવાના આરોપો થઈ રહ્યા છે, ત્યારે લોકો ઈન્દિરા ગાંધીના આક્રમક વલણને યાદ કરી રહ્યા છે. ટ્વિટર પર પાંચ લાખથી વધુ પોસ્ટ થઈ અને 'આયર્ન લેડી' પણ ટ્રેન્ડ થયું. કોંગ્રેસના નેતાઓએ 1971ના યુદ્ધ સમયની ઈન્દિરા ગાંધીની તસવીરો શેર કરી. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે ઈન્દિરા ગાંધી બનવું સરળ નથી. શશિ થરૂરે કહ્યું કે પરિસ્થિતિ 1971 જેવી નથી, શાંતિ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આતંકવાદીઓને પાઠ ભણાવવો જરૂરી હતો, જે કરી દેવાયો છે.