Uganda : ગુજરાતી મૂળના યુવા ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું કાર અકસ્માતમાં નિધન
લંડનથી મિત્રના લગ્નમાં જતા હતા ત્યારે તેમની કાર પલટી જતાં આગ લાગી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું...

રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટરનું અકાળે નિધન...

રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટરનું અકાળે નિધન...
શનિવાર, ત્રીજી મે, 2025 ના રોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા. આફ્રિકાના ટોચના અબજોપતિઓમાં સ્થાન ધરાવતા અને યુગાન્ડાના જાણીતા ઉદ્યોગપતિ તથા મૂળ ગુજરાતી સુધીર રૂપારેલિયાના 35 વર્ષીય પુત્ર રાજીવ રૂપારેલિયાનું એક કરુણ કાર અકસ્માતમાં નિધન થયું.
મળતી માહિતી અનુસાર, રાજીવ લંડનથી તેમના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે મુન્યોન્યો જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેમની કાર વાકિસો જિલ્લાના બુસાબાલા ફ્લાયઓવર નજીક પહોંચી ત્યારે અચાનક કામચલાઉ કોંક્રિટ બેરિયર્સ સાથે અથડાઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પલટી ગઈ અને તરત જ તેમાં આગ લાગી. રાજીવ રૂપારેલિયાને કારમાંથી બહાર નીકળવાનો કે પોતાને બચાવવાનો કોઈ મોકો મળ્યો નહીં અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
રાજીવ રૂપારેલિયા માત્ર 35 વર્ષની ઉંમરે સમગ્ર રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમનું વ્યાપાર સામ્રાજ્ય આફ્રિકાના રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ અને નાણાંકીય ક્ષેત્રોમાં ફેલાયેલું છે. તેમણે તાજેતરમાં જ પોતાના વ્યવસાયને આધુનિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને યુગાન્ડામાં હજારો નવી નોકરીઓનું સર્જન કર્યું હતું. રાજીવ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ એક ઉમદા સ્વભાવના વ્યક્તિ તરીકે પણ જાણીતા હતા. તેઓ યુગાન્ડાના વિકાસ અને લોકોના સશક્તિકરણ માટે હંમેશા તત્પર રહેતા હતા.
આ દુર્ઘટનાના સમાચારથી રૂપારેલિયા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. રાજીવના પિતા સુધીર રૂપારેલિયા, જેમનું નામ આફ્રિકાના 50 સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે, તેમના માટે આ એક અત્યંત પીડાદાયક ક્ષણ છે. સુધીર રૂપારેલિયાએ શૂન્યમાંથી મહેનત કરીને એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે અને તેઓ યુગાન્ડાના પ્રથમ અને આફ્રિકાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. તેમના પરિવારનો ઇતિહાસ પણ સંઘર્ષ અને સફળતાની ગાથાથી ભરેલો છે. ઈદી અમીનના શાસન દરમિયાન તેમના પરિવારે યુગાન્ડા છોડીને યુકે જવું પડ્યું હતું, જ્યાં તેમણે ખૂબ સંઘર્ષ કર્યો અને ફરીથી યુગાન્ડા આવીને પોતાના સાહસ અને બુદ્ધિથી નવા વ્યવસાયો શરૂ કર્યા અને સફળતા મેળવી.
રૂપારેલિયા પરિવારે જાહેરાત કરી છે કે રાજીવ રૂપારેલિયાના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે કરવામાં આવશે. તેમના અકાળ અવસાનથી યુગાન્ડાના વ્યાપાર જગત અને તેમના શુભેચ્છકોમાં ઊંડી શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?