કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ
12 ભારતીયો સહિત 13 ના મોત, સુરતનો યુવાન લાપતા, દક્ષિણ ગુજરાતમાં ભારે ચિંતા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Qatar Gas Complex Blast: વિશ્વના સૌથી મોટા એલએનજી (LNG) નિકાસકાર દેશ કતારના પ્રખ્યાત રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં આવેલા ગેસ કોમ્પ્લેક્સમાં રવિવારે સાંજે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ કાળજું કંપાવનારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના કરૂણ મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જેમાંથી 12 મૃતકો ભારતીય નાગરિકો હોવાની આઘાતજનક વિગતો સામે આવી છે. આ પ્રચંડ બ્લાસ્ટમાં અન્ય 66 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કતારના ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ સોમવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ વૈશ્વિક દુર્ઘટના વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાત માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાસ લાફાનના બરઝાન ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા બાદથી ત્યાં નોકરી કરતો સુરતનો એક યુવાન છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી મિસિંગ છે, જેને કારણે તેના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
છેલ્લા 24 કલાકથી સુરતનો સની પટેલ લાપતા, પરિવારના જીવ અધ્ધર
સુરતનો વતની અને કતારની સ્ટેક કંપનીમાં સપ્લાય હેઠળ મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો ઔદ્યોગિક યુવાન સની ચંપકભાઈ પટેલ વિસ્ફોટ બાદથી લાપતા છે. અકસ્માત સર્જાયો તે સમયે સની પ્લાન્ટમાં જ નાઇટ ડ્યુટી પર તૈનાત હતો. આ ભયાનક અકસ્માત બાદથી તેનો વતનમાં રહેતા પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી અને તેનો ફોન પણ લાગતો નથી. સનીની કોઈ સત્તાવાર ભાળ ન મળતા સુરતમાં રહેતા તેના પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા છે અને ઘરમાં રડારોળ મચી ગઈ છે. સની માત્ર 6 થી 8 મહિના પહેલા જ કતાર ખાતે રોજગારી મેળવવા માટે ગયો હતો.
પત્નીને 'હું નોકરી પર નીકળું છું' કહીને છેલ્લો ફોન કર્યો હતો
સની પટેલનો એક બંધાયેલો નિયમ હતો કે તે રોજ પોતાની શિફ્ટ પર જતા પહેલા અને નોકરી પરથી પરત આવ્યા બાદ સુરત ખાતે રહેતી તેની પત્નીને અચૂક ફોન કરીને વાત કરતો હતો. દુર્ઘટના બની તે દિવસે પણ સનીએ હંમેશની જેમ તેની પત્નીને ફોન કર્યો હતો અને 'હું નોકરી પર નીકળું છું' તેમ કહીને પ્લાન્ટ પર જવા રવાના થયો હતો. પરંતુ ત્યાર બાદથી તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. કતારમાં બ્લાસ્ટના સમાચાર ટીવી અને સોશિયલ મીડિયામાં વહેતા થતાં જ પત્ની અને પરિવાર માથે આભ તૂટી પડ્યું છે અને તેઓ કોઈ સારા સમાચારની આશાએ બેઠા છે.
મોટો ભાઈ રવિ કતારની હોસ્પિટલો અને એમ્બેસીમાં ભટકવા મજબૂર
સની પટેલનો મોટો ભાઈ રવિ પટેલ પણ છેલ્લા ઘણા વર્ષોથી કતારની જ એક અન્ય કંપનીમાં નોકરી કરે છે. પ્લાન્ટમાં બ્લાસ્ટની જાણ થતાં જ રવિ પોતાના નાના ભાઈ સનીને શોધવા માટે દોડી ગયો હતો. રવિએ કતાર સ્થિત ભારતીય એમ્બેસી, સ્થાનિક હોસ્પિટલો અને બરઝાન પ્લાન્ટની આસપાસ સતત ચક્કર લગાવ્યા છે. જોકે, સુરક્ષાના કડક કારણોસર પ્લાન્ટ બાજુ સામાન્ય લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી નથી, જેના કારણે સની કઈ હાલતમાં છે તેની કોઈ સત્તાવાર વિગત તેના ભાઈને પણ મળી શકી નથી. સનીના કાકા અનિલભાઈ ખાટાએ મીડિયા સાથેની વાતચીતમાં સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી છે. રવિ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, હોસ્પિટલોમાં 53 થી 54 લોકો ઘાયલ છે અને 18 લોકો હજુ પણ મિસિંગ છે, જેમાં સની પણ સામેલ છે.
દક્ષિણ ગુજરાતના નવસારી અને દમણના યુવાનોની સ્થિતિ પણ અસ્પષ્ટ
કતારના આ ઇન્ડસ્ટ્રિયલ હબમાં મોટા પ્રમાણમાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં રોજગારી માટે જતા હોય છે. પ્રાથમિક વિગતો મુજબ, સની પટેલની જે ટીમ પ્લાન્ટના મેન્ટેનન્સ અને શટડાઉન બાદ તેને ફરી શરૂ કરવાની કામગીરીમાં લાગેલી હતી, તે ટીમમાં દક્ષિણ ગુજરાતના નવસારીના 2 યુવાનો અને દમણનો પણ 1 યુવક સામેલ હતો. દમણના યુવાનને સની વ્યક્તિગત રીતે ઓળખતો હતો. આ તમામ યુવાનોની સ્થિતિ અંગે પણ હજુ સત્તાવાર ચિત્ર સ્પષ્ટ ન થતાં નવસારી અને દમણના વિસ્તારોમાં પણ ચિંતા ફેલાઈ છે અને લોકો એમ્બેસીના સંપર્કમાં છે.
રાજધાની દોહા ધ્રુજી ઉઠી, 70 કિલોમીટર સુધી સંભળાયો અવાજ
અહેવાલો અનુસાર, આ વિસ્ફોટ રાસ લાફાન સ્થિત 'બરજાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટી' માં ઓપરેશન શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાહી હતો કે તેનો અવાજ ઘટનાસ્થળથી આશરે 70 કિલોમીટર દૂર આવેલી રાજધાની દોહા સુધી સંભળાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અકસ્માત બાદ આપત્કાલીન ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, આ માત્ર એક ઔદ્યોગિક અકસ્માત હતો અને તેમાં કોઈ ષડયંત્રના સંકેત મળ્યા નથી. જરૂરી સમારકામના કારણે આ પ્લાન્ટ ડિસેમ્બર 2025 થી સંપૂર્ણ બંધ હતો અને તેને ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 66 લોકોમાં ભારત ઉપરાંત કતાર, તાન્ઝાનિયા, પાકિસ્તાન, ગિની, નેપાળ, બાંગ્લાદેશ, કેન્યા અને નાઇજીરીયાના શ્રમિકો સામેલ છે.
ભારતીય દૂતાવાસે જાહેર કર્યા કટોકટીના હેલ્પલાઇન નંબર
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે તે કતારના વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત પરિવારોને તમામ સંભવિત મદદ પૂરી પાડવામાં આવી રહી છે. કટોકટીના સમયે મદદ અને મિસિંગ લોકોની માહિતી માટે ભારતીય દૂતાવાસે +974-55647502 અને +975-55384683 હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ ઉપરાંત પરિવારો cons.doha@mea.gov.in ઇમેઇલ આઈડી દ્વારા પણ સત્તાવાળાઓનો સંપર્ક કરી શકે છે.
કતારમાં ભારતીય સમુદાયનો મોટો પ્રભાવ
વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, કતારમાં આશરે 7.46 લાખ ભારતીયો વસે છે, જે કતારની કુલ વસ્તીના લગભગ 22% જેટલા થાય છે. દેશમાં દર 5મો વ્યક્તિ ભારતીય છે, જે ત્યાંનો સૌથી મોટો વિદેશી સમુદાય છે. કતારના ઓઈલ-ગેસ ઉદ્યોગ, બાંધકામ, બેન્કિંગ, આઇટી અને હેલ્થ સેક્ટરમાં ભારતીય ઇજનેરો અને ટેકનિશિયનો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આ વસ્તીમાં કેરળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, Mahrashra, ગુજરાત અને બિહારના લોકોની સંખ્યા સૌથી વધુ છે.
ઇરાન યુદ્ધની અસરો અને રાસ લાફાનનું આર્થિક મહત્વ
એક અહેવાલ મુજબ, માર્ચ મહિનામાં ઇરાનના મિસાઇલ હુમલામાં રાસ લાફાનના 2 મોટા ગેસ યુનિટોને ભારે નુકસાન થયું હતું, જેના કારણે કતારની 17% ગેસ નિકાસ ક્ષમતા પ્રભાવિત થઈ હતી. આ યુદ્ધ દરમિયાન સુરક્ષાના કારણોસર કંપનીએ આશરે 10000 કર્મચારીઓને પ્લાન્ટમાંથી હટાવવા પડ્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનના અંકુશ બાદ કતારની નિકાસ અટકી પડી હતી, પરંતુ તાજેતરમાં શાંતિ વાર્તા શરૂ થતાં પ્લાન્ટને તબક્કાવાર ફરી શરૂ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો ત્યારે જ આ ટેકનિકલ દુર્ઘટના ઘટી છે. 100 ચોરસ માઇલમાં ફેલાયેલું રાસ લાફાન શહેર કતારની ગેસ ઇકોનોમીનું હૃદય ગણાય છે, જેણે 1990 થી 2010 ની વચ્ચે દેશને 13% ના સરેરાશ આર્થિક દરે વિકાસ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કતારે વર્ષ 2027 સુધીમાં પોતાનું ઉત્પાદન વધારીને વાર્ષિક 12.6 કરોડ ટન કરવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ આ અકસ્માતથી વૈશ્વિક ઉર્જા પુરવઠા વ્યવસ્થા પર નવી ચિંતાઓ ઉભી થઈ છે. હાલમાં સનીના વતનના ગામમાં લોકો ભગવાન પાસે એક જ આશા રાખીને બેઠા છે કે ગમે તેટલી મોટી દુર્ઘટના થઈ હોય, પણ સની સુરક્ષિત હોય અને તેના વહેલી તકે કોઈ સારા સમાચાર વતન સુધી પહોંચે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?