PM મોદીની મલેશિયાથી પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
પાકિસ્તાનનું નામ લીધા વિના સ્પષ્ટ કર્યું કે, ભારત આતંકવાદ સામે ક્યારેય સમજૂતી કરશે નહિ

આતંકવાદ પર ભારતનું સ્પષ્ટ વલણ

આતંકવાદ પર ભારતનું સ્પષ્ટ વલણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મલેશિયાના 2 દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે છે, જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પરથી આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કુઆલાલંપુર ખાતે સંબોધન કરતા વડાપ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, આતંકવાદ પર ભારતનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે કોઈ પણ બેવડા ધોરણો ચલાવવામાં આવશે નહિ અને આતંકવાદ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કે કોમ્પ્રોમાઈઝ કરવામાં આવશે નહિ. નોંધનીય છે કે, પીએમ મોદીના કાર્યકાળમાં ભારત આતંકવાદ વિરુદ્ધ અત્યાર સુધીમાં 3 વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી ચૂક્યું છે, જેમાં તાજેતરમાં મે 2025માં હાથ ધરાયેલા 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ અને 11 આર્મી બેઝને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા.
વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ
વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને મલેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન મોદી અને મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમ વચ્ચે યોજાયેલી વ્યાપક મંત્રણા બાદ બંને દેશો સંરક્ષણ, સુરક્ષા, સેમીકન્ડક્ટર અને વેપાર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભાગીદાર બન્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત અને મલેશિયા વચ્ચે 'વિશેષ સંબંધો' છે અને બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં પોતાના સંબંધોને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે. મલેશિયા પહોંચતા જ પીએમ મોદીનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પીએમ અનવર ઈબ્રાહિમ પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા, જે બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે.
ગુપ્ત માહિતીની આપ-લેમાં તેજી લાવવા પર ભાર મૂક્યો
ભારત અને મલેશિયા વચ્ચે માત્ર વેપાર જ નહિ, પરંતુ દરિયાઈ સુરક્ષાથી લઈને ગુપ્તચર સેવાઓ, સેમીકન્ડક્ટર અને આતંકવાદ વિરોધી લડાઈ માટે અનેક મોટા કરારો થયા છે. પીએમ મોદીએ ભારતની સંસ્કૃતિ અને લોકતાંત્રિક મૂલ્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મલેશિયા વિશ્વનો બીજા નંબરનો એવો દેશ છે જ્યાં ભારતીય મૂળની વસ્તી સૌથી વધુ છે, જે બંને દેશોને સભ્યતા અને વારસાથી જોડે છે. બન્ને પક્ષો હવે AI, ડિજિટલ ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ સાથે મળીને આગળ વધશે. આ ઉપરાંત, સંરક્ષણ સહયોગને વધુ વ્યાપક બનાવીને ગુપ્ત માહિતીની આપ-લેમાં તેજી લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ભારતની પ્રગતિની મલેશિયાએ પ્રશંસા કરી
વડાપ્રધાને હિંદ-પ્રશાંત ક્ષેત્રના મહત્વ પર ભાર મુકતા કહ્યું કે, આ વિસ્તાર હાલ વિશ્વના વિકાસના એન્જિન તરીકે ઉભરી રહ્યો છે. ભારત ASEAN દેશો સાથે મળીને સમગ્ર હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. બીજી તરફ, મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત અને મલેશિયા રોકાણ, કનેક્ટિવિટી અને રક્ષણ ક્ષેત્રે સતત સહયોગ વધારી રહ્યા છે. વૈશ્વિક વેપાર મંચ પર ભારતની પ્રગતિની મલેશિયાએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી, જે PM મોદીની આ વિદેશ મુલાકાતની મોટી સફળતા માનવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?