Paraguay President Santiago Pena Impeached: દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં ડિજિટલ બેંક Ueno Bankના પતનથી સર્જાયેલી નાણાકીય કટોકટીએ મોટું રાજકીય તોફાન ઊભું કર્યું છે. બેંકિંગ સંકટ અને સરકારી ભંડોળના ઉપયોગ અંગેના ગંભીર આરોપો વચ્ચે સંસદે રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવી દીધા છે. પદ પરથી હટાવાયા બાદ તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે અને તેમને નજરકેદ કરવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ ઘટનાથી પેરાગ્વેમાં સત્તા પરિવર્તન થયું છે અને દેશની બેંકિંગ વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
44 સાંસદોએ પેનાને હટાવવાના પક્ષમાં મત આપ્યો
શુક્રવારે પેરાગ્વેની સંસદમાં સેન્ટિયાગો પેના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન થયું હતું. કુલ 45માંથી 44 સેનેટરોએ તેમને પદ પરથી હટાવવાના પક્ષમાં મત આપ્યો હતો, જ્યારે એક સેનેટર ગેરહાજર રહ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે પેનાના પોતાના પક્ષના કેટલાક સાંસદોએ પણ તેમની વિરુદ્ધ મતદાન કર્યું હતું. પેનાએ ગુરુવારે રાજીનામું આપવાની ઓફર કરી હતી, પરંતુ સાંસદોએ તેમનું રાજીનામું સ્વીકારવાને બદલે મહાભિયોગની કાર્યવાહી આગળ વધારી હતી. મહાભિયોગમાં દોષિત ઠરવાથી તેમની કાનૂની પ્રતિરક્ષા અને આજીવન સેનેટ સભ્યપદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ પેડ્રો આલિયાનાએ વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ 2028 સુધી દેશનું નેતૃત્વ સંભાળશે.
Ueno Bankના પતનથી લાખો ગ્રાહકોની બચત અટવાઈ
આ સમગ્ર રાજકીય સંકટનું કેન્દ્ર Ueno Bankનું પતન છે. પેરાગ્વેની સેન્ટ્રલ બેંકે નાણાકીય મુશ્કેલીઓ અને શંકાસ્પદ વ્યવહારો અંગેના સવાલો વચ્ચે બેંકનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું હતું. આ કાર્યવાહી બાદ બેંકના લાખો ગ્રાહકોની બચત અને પેન્શનની રકમ ઉપાડવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. અંદાજે 30 લાખ થાપણદારો પ્રભાવિત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. દેશભરમાં લોકો પોતાની જમા રકમ પરત મેળવવાની માગ સાથે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. રાજધાની અસુન્સિયનમાં પણ મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા.
પેના પર 355 મિલિયન ડોલરના પેન્શન ફંડ અંગે આરોપ
મહાભિયોગની કાર્યવાહીમાં પેના પર હિતોના સંઘર્ષ, નિયમનકારી સંસ્થાઓમાં દખલગીરી, સરકારી ભંડોળના દુરુપયોગ અને તથ્યો છુપાવવાના આરોપો લગાવવામાં આવ્યા છે. સાંસદોનો આરોપ છે કે પેનાએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને Ueno Bank સુધી સરકારી ભંડોળ પહોંચાડવામાં મદદ કરી હતી. આ ઉપરાંત, રાજ્યના પેન્શન ફંડમાંથી આશરે 355 મિલિયન ડોલર બેંકમાં જમા કરાવાયા હોવાનો મુદ્દો પણ મહાભિયોગમાં ઉઠાવવામાં આવ્યો છે. આ રકમ કાનૂની મર્યાદા કરતાં વધુ હોવાનો આરોપ છે. જોકે, પેનાએ તમામ આરોપોનો ઇનકાર કર્યો છે. તેમના વકીલે મહાભિયોગની કાર્યવાહીને અવિચારી અને તકવાદી ગણાવી છે.
નવા રાષ્ટ્રપતિ સામે બેંકિંગ કટોકટીનો પડકાર
પદ સંભાળ્યા બાદ પેડ્રો આલિયાનાએ બેંકિંગ કટોકટીથી અસરગ્રસ્ત નાગરિકોને નુકસાનની ભરપાઈ કરાવવાનું વચન આપ્યું છે. હવે તેમની સામે લાખો ગ્રાહકોની અટવાયેલી બચત પરત કરાવવાનો અને બેંકના પતન પાછળની જવાબદારી નક્કી કરવાનો મોટો પડકાર છે. બીજી તરફ, પેના સામેની તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તેના પર પેરાગ્વે સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે નજર રાખવામાં આવી રહી છે.