પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ થોડા સમય પહેલાં ભારતને પોકળ ધમકી આપી હતી. સિંધુ જળ સંધિ રોકવાની વાત પર બિલાવલે કહ્યું હતું કે, જો સિંધુ નદીમાં પાણી નહીં વહે તો તેઓ લોહી વહાવશે. તેમના આ નિવેદનની ભારે ટીકા થઈ હતી. હવે તેમણે એક એવો એકરાર કર્યો છે, જેણે પાકિસ્તાનના ગુનાઓને સમગ્ર વિશ્વ સમક્ષ ખુલ્લા પાડી દીધા છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એ કબૂલાતને સાચો ઠેરવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદને ટેકો આપતું રહ્યું છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે, તેમણે લગભગ ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ કામ કર્યું છે. તેમણે આતંકવાદીઓને પોષ્યા અને તેમને તાલીમ આપી. બ્રિટન માટે પણ આવું કરવામાં આવ્યું હતું.
હવે બિલાવલ ભુટ્ટોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં બિલાવલે કહ્યું, "જ્યાં સુધી સંરક્ષણ મંત્રીની વાત છે, મને નથી લાગતું કે આ કોઈ ગુપ્ત વાત છે કે પાકિસ્તાનનો એક ઇતિહાસ રહ્યો છે. તેનું પરિણામ એ આવ્યું કે અમારે ભોગવવું પડ્યું. અમારા દેશમાં કટ્ટરતાની લહેર પેદા થઈ. તેનું પરિણામ એ આવ્યું કે અમે ભોગવ્યું. પરંતુ હવે અમે કેટલાક પાઠ શીખ્યા છીએ. અમે આ સમસ્યાનો સામનો કરવા માટે કેટલાક આંતરિક સુધારા પણ કર્યા છે." તેમણે કહ્યું કે એ સાચું છે કે પાકિસ્તાનનો એક કટ્ટરતાનો ઇતિહાસ રહ્યો છે, જેને નકારી શકાય તેમ નથી. પરંતુ હવે અમે તેનાથી આગળ વધી ગયા છીએ.
બિલાવલે કહ્યું કે, પાકિસ્તાનના ઇતિહાસની વાત છે તો તે હવે ભૂતકાળ બની ગયો છે. આજના નિર્ણયો તેનાથી પ્રભાવિત નથી. એ વાત સાચી છે કે તે અમારો ભૂતકાળનો દુર્ભાગ્યપૂર્ણ સમય હતો. તેમણે કહ્યું કે, હવે પાકિસ્તાને આતંકવાદનો સામનો કરવા માટે પગલાં ભર્યા છે અને તેની અસર પણ દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ માને છે કે પાકિસ્તાનનો આતંકવાદને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો ઇતિહાસ રહ્યો છે.
જો ભૂલ ન કરી હોત તો ઇતિહાસ જુદો હોત...
આ સવાલના જવાબમાં ખ્વાજા આસિફે કહ્યું હતું, "અમે આ ગંદું કામ ત્રણ દાયકાથી અમેરિકા માટે કરતા રહ્યા છીએ. પશ્ચિમી દેશો અને બ્રિટન માટે પણ આવું કર્યું છે. આ અમારી ભૂલ હતી અને તેનું પરિણામ અમારે ભોગવવું પડ્યું. આ જ કારણ છે કે આજે તમે મને આ સવાલ પૂછી રહ્યા છો." તેમણે કહ્યું કે, જો તેમણે સોવિયત સંઘ સામે ચાલેલા યુદ્ધમાં ભાગ ન લીધો હોત અને પછી 9/11 ના હુમલા પછી અમેરિકાનો સાથ ન આપ્યો હોત તો તેમની કહાણી કંઈક જુદી જ હોત.
આમ, પાકિસ્તાનના જ નેતાઓએ તેમના દેશના પાપોનો એકરાર કરીને વિશ્વ સમુદાય સમક્ષ તેમની અસલિયત છતી કરી દીધી છે.