ઇઝરાયલે વહેલી સવારે, ઇરાન પર હવાઈ હુમલો કરી દીધો છે, ઇઝરાયલે દાવો કર્યો છે કે ઓક્ટોબરની 7 તારીખે ઇરાને ઇઝરાયલ પર કરેલા હુમલાઓનો આ વળતો જવાબ છે. સોશિયલ મીડિયા પર ઈરાન પર પડતાં બોમ્બના અનેક વિડિયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે, પરંતુ ઈરાન સરકાર તરફથી કોઇ નુકસાનીના પુષ્ટિ થઈ નથી.
આઇડીએફના પ્રવક્તા જનરલ ડેનિયલ હગારી માધ્યમો સાથે વાતચીત કરતાં જાહેર કર્યું કે, "ઇઝરાયેલે ઇરાન પર હવાઈ હુમલો કર્યો છે. છેલ્લા બે મહિનાથી ઈરાન સીધી કે પરોક્ષ રીતે ઇઝરાયલ પર સતત હુમલો કરતું આવ્યું છે. હાલમાં ઇઝરાયલના ડિફેન્સ ફોર્સિસ ઇરાનના મિલિટરી ટાર્ગેટ પર વ્યુહાત્મક હુમલા કરી રહ્યાં છે. તમામ સાર્વભોમ દેશની જેમ ઇઝરાયલને પણ તેની સરહદ અને દેશના નાગરીકોની રક્ષા કરવાનો અધિકાર છે, તે હકના આધારે ઇરાન પર હુમલો કરવામાં આવ્યો છે."

બીજી બાજુ ઈરાન સરકાર તરફથી આ હુમલા કોઈ અધિકૃત પુષ્ટિ કરવામાં નથી આવી, તદઉપરાંત આ હવાઈ હુમલાથી કોઈ નુકસાન કે જાનહાનિ ઘટના વિશે પણ માહિતી અપાઈ નથી. ઈરાન સરકારના સૂત્રોએ સ્થાનિક માધ્યમોને એવી માહિતી આપી હતી, ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે અને તે કાર્યરત છે.
સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ જોવા મળી રહી છે કે ઈરાનની રાજધાની તેહરાનની બહાર સાત થી આઠ જેટલા ધડાકા થયા હતા અને તેમાંથી એક કે બે જગ્યાએ આગની જ્વાળાઓ ઉંચે સુધી જોવા મળતી હતી. એક પોસ્ટ પ્રમાણે તો તેહરાનના ઇમામ ખોમેની આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક મોટો ધડાકો થયો હતો. જો કે એરપોર્ટના સીઇઓ સઇદ ચાલાંદરીએ માધ્યમોને એવું જણાવ્યું કે એરપોર્ટ પરથી વિમાની સેવાઓ નિયત સમયે ઉડાન કરી રહી છે. કોઇ વિમાન ની સેવા રદ કરવામાં આવી નથી.
જો કે આ નિવેદનના થોડા કલાકો બાદ એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ સમાચાર પ્રસારિત કર્યા છે કે તેહરાનના ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉડાન સેવા મુલતવી રાખવામાં આવી છે.
ઈરાન સરકારના સૂત્રોએ સ્થાનિક માધ્યમોને એવી માહિતી આપી છે કે ઇઝરાયલના હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.