સિંધુ જળ વિવાદ: ભારતને ઘેરવા પાકિસ્તાનનો નવો દાવ
પાણી માટે તરસતા પાકિસ્તાને હવે લીધો ચીનનો સહારો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Indus Water Treaty News: પાકિસ્તાન દાયકાઓથી સિંધુ નદીના પાણી પર પોતાની તરસ છીપાવી રહ્યું છે અને ભારત સાથે થયેલી ઐતિહાસિક સિંધુ જળ સંધિનો સતત ફાયદો ઉઠાવતું આવ્યું છે. પરંતુ, સરહદ પારથી આતંકવાદ ફેલાવવાની તેની આદતને કારણે તે ભૂલી ગયું કે આ સંધિની વાસ્તવિક ચાવી ભારત પાસે છે. ગયા વર્ષે 22 એપ્રિલના રોજ થયેલા જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પ્રત્યે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનને બેવડો ફટકો આપ્યો હતો, જેમાં સરહદ પાર આતંકવાદના વિરોધમાં સિંધુ જળ સંધિને સસ્પેન્ડ (સ્થગિત) કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ સામેલ હતો. ભારતે સિંધુનું પાણી રોક્યા બાદ પાકિસ્તાન હાલમાં પાણીના ગંભીર સંકટ અને ભયાનક અરાજકતાનો સામનો કરી રહ્યું છે. હવે આ રાજદ્વારી દબાણમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાને નવો પેંતરો રચ્યો છે અને આ દ્વિપક્ષીય જળ વિવાદમાં સીધા ચીનને આંતરરાષ્ટ્રીય પક્ષકાર તરીકે ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
પાકિસ્તાનની નવી રણનીતિ
ભારત દ્વારા પાણી રોકવામાં આવ્યા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર ધ્વસ્ત થવાના આરે છે. પાકિસ્તાનના નેતાઓ વૈશ્વિક મંચો પર સતત સિંધુ નદીના પાણીના રોદણાં રડી રહ્યા છે. ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાની નવી રણનીતિના ભાગરૂપે હવે પાકિસ્તાને આ વિવાદમાં ચીનનું નામ ઉમેર્યું છે. પાકિસ્તાનનો નવો દાવો છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ માત્ર ભારત અને પાકિસ્તાનની જ નથી, પરંતુ ચીન પણ તેનો એક મુખ્ય હિસ્સેદાર છે. આ વ્યૂહાત્મક ચાલ પાછળ પાકિસ્તાનનો હેતુ આ વિવાદને માત્ર બે દેશો વચ્ચેનો ન રાખતા સમગ્ર એશિયા ખંડનો અને બહુપક્ષીય મુદ્દો બનાવવાનો છે, જેથી ભારત પર દબાણ વધારી શકાય.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું સત્તાવાર નિવેદન
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારત પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "અમે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના એકતરફી પ્રયાસને સખત શબ્દોમાં નકારી કાઢીએ છીએ. ભારત પાકિસ્તાનના હિસ્સાના કાયદેસરના જળ પ્રવાહને અવરોધવા માટે પાયાવિહોણા આતંકવાદના આરોપોનો આશરો લઈ રહ્યું છે." તેમણે વધુમાં ચીનની ભૂમિકા અંગે વાત કરતા કહ્યું કે, "હિમાલય ક્ષેત્રમાંથી ઉદ્ભવતી નદીઓ કુદરતની એક મહાન ભેટ અને સમગ્ર માનવતાનો સહિયારો વારસો છે. હિમાલયની નદી પ્રણાલી સિંધુથી લઈને મેકોંગ સુધીના ઘણા દેશોને પાણી પૂરું પાડે છે, અને આ નદીઓ ચીનમાંથી પણ નીકળે છે. ચીન દક્ષિણ એશિયામાં વહેતી નદીઓમાં જ નહીં, પરંતુ દૂર પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં વહેતી વિશાળ નદી પ્રણાલીઓમાં પણ મુખ્ય હિસ્સેદાર હોવાથી, તે પાણીના મુદ્દાઓ પ્રત્યે હંમેશા સકારાત્મક વલણ જાળવી રાખશે."
પાકિસ્તાને ચીનનો ઉલ્લેખ કેમ કર્યો?
પ્રશ્ન એ થાય છે કે પાકિસ્તાને અચાનક આ વિવાદમાં ચીનનો ઉલ્લેખ કેમ કરવો પડ્યો? તેનો જવાબ સ્પષ્ટ છે – વૈશ્વિક સ્તરે ભારત પર રાજદ્વારી દબાણ લાવવું. ભારતે જ્યારથી સિંધુનું પાણી બંધ કર્યું છે, ત્યારથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાને પાણી મેળવવા તમામ પ્રયાસો કરી જોયા, પરંતુ ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે સંપૂર્ણપણે ઘેરી લીધું છે. આવી લાચાર સ્થિતિમાં પાકિસ્તાન ઈચ્છે છે કે તેનો શાશ્વત મિત્ર ચીન આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં આવે અને પાકિસ્તાનની તરફેણમાં ભારત પર દબાણ બનાવે. બંને દેશો વચ્ચે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) જેવા અબજો ડોલરના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોવાથી પાકિસ્તાનને ચીન પાસેથી મોટી અપેક્ષાઓ છે.
ચીન આ વિવાદમાં કેમ દખલ નહીં કરે?
પાકિસ્તાનની ગમે તેટલી ઈચ્છા હોય, પરંતુ આ વિવાદમાં ચીન દખલ કરે તેવી શક્યતા નહિવત છે. તેના મુખ્ય બે કારણો છે:
કાયદાકીય મર્યાદા: વર્ષ 1960 માં થયેલી ઐતિહાસિક સિંધુ જળ સંધિ એ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય કરાર છે. કાનૂની દ્રષ્ટિકોણથી ચીન આ સંધિમાં ક્યાંય પક્ષકાર નથી, તેથી તે આમાં સત્તાવાર રીતે બોલી શકે નહીં.
ભારત-ચીનના સુધરતા સંબંધો: તાજેતરના સમયમાં વૈશ્વિક રાજનીતિ અને અમેરિકાની કડક ટેરિફ નીતિઓને કારણે ભારત અને ચીન વચ્ચેના આર્થિક સંબંધો ગાઢ બન્યા છે. ચીન પોતાના આર્થિક હિતોને નુકસાન પહોંચાડીને પાકિસ્તાન માટે ભારત સાથેના સંબંધો બગાડવાનું ક્યારેય પસંદ નહીં કરે.
પાકિસ્તાનની વાસ્તવિક ચિંતા
પાકિસ્તાનનો મોટાભાગનો કૃષિ ક્ષેત્ર, સિંચાઈ અને પીવાનું પાણી સંપૂર્ણપણે સિંધુ નદી પ્રણાલી પર નિર્ભર છે. જો ભારત પોતાના હિતમાં આ સંધિના અધિકારોનો મહત્તમ ઉપયોગ કરે અથવા નદી પર નવા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ ધપાવે, તો ભવિષ્યમાં પાકિસ્તાન ટીપે-ટીપે પાણી માટે તરસી જશે. આ વર્ષે આવેલા કુદરતી પૂરે પાકિસ્તાનને થોડી રાહત આપીને બચાવી લીધું હતું, પરંતુ જો પૂર ન આવ્યું હોત તો પાકિસ્તાનમાં અત્યારે જ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોત.
સિંધુ જળ સંધિ પર ભારતનું કડક અને સ્પષ્ટ વલણ
સિંધુ જળ સંધિ પર ભારત સરકારે પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ અને મક્કમ રાખ્યું છે. ભારતનું સ્પષ્ટ માનવું છે કે "આતંકવાદ અને વાટાઘાટો ક્યારેય સાથે ચાલી શકે નહીં." જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી સરહદ પારનો આતંકવાદ સંપૂર્ણપણે બંધ નહીં કરે અને આતંકી સંગઠનો સામે અસરકારક અને કડક કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય થઈ શકશે નહીં અને તેને સિંધુ નદીના પાણીનું એક ટીપું પણ મળશે નહીં. ભારતે સત્તાવાર રીતે એ પણ જાહેર કર્યું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિંધુ જળ સંધિની સંપૂર્ણ સમીક્ષા કરવાનો અથવા તેને કાયમ માટે રદ કરવાનો સાર્વભૌમ અધિકાર અનામત રાખે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?