વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, ભારત અને કેનેડા ટૂંક સમયમાં ફરી સંબંધોમાં સુધારાની દિશામાં આગળ વધી શકે છે. રવિવારે મોડી રાત્રે તેમણે કેનેડાના નવા વિદેશ મંત્રી અનિતા આનંદ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે આ February 2024 બાદની પહેલી સીધી વાતચીત હતી, જે સકારાત્મક રહી હતી.
આર્થિક સહયોગ અને FTA પર ચર્ચા
અનિતા આનંદ અને એસ. જયશંકર વચ્ચે થયેલી વાતચીતમાં મુખ્યત્વે આર્થિક સહયોગ અને ભાગીદારીના મુદ્દાઓ પર ચર્ચા થઈ. મિડિયા રિપોર્ટ મુજબ, બન્ને દેશો ફરી મુક્ત વેપાર કરાર (FTA) શરૂ કરી શકે તેવા સંકેતો મળ્યા છે. નવી કેનેડિયન સરકાર, જે માર્ક કાર્નીની આગેવાની હેઠળ રચાઈ છે, ભારત સાથે સંબંધોમાં સુધારો લાવવા ઇચ્છુક જણાય છે.
સોશિયલ મીડિયા પર માહિતી શેર
વાતચીત બાદ એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ સાથેની ચર્ચા સરાહનીય રહી. અમે ભારત-કેનેડા સંબંધોની ભાવિ દિશા વિશે ચર્ચા કરી. તેઓને સફળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી. બન્ને દેશો આર્થિક સહયોગ વધારવામાં ઉત્સુક છે.”
સંબંધોમાં તિરાડનું મૂળ કારણ
2023માં પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતની સરકારી એજન્સીઓ પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યા બાદ ભારત-કેનેડા સંબંધોમાં તણાવ ઊભો થયો હતો. બંને દેશોએ પોતાના હાઈ કમિશનરને પાછા બોલાવ્યા હતા. ટ્રુડોના આંધળા આરોપો અંગે કેનેડાએ આજ સુધી કોઇ પુરાવા રજૂ કર્યા નથી.
ભારતનો કડક પ્રતિસાદ
ભારતના મતે, ટ્રુડોએ પોતાના રાજકીય હિતો માટે ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું હતું અને FTA મીટિંગને પણ સ્થગિત કરાવ્યું હતું. તેમ છતાં, હવે નવા નેતૃત્વ હેઠળ બંને દેશો ફરી સંબંધો સુધારવાના માર્ગે આગળ વધી શકે છે.