ભારત-બ્રિટન વચ્ચે ઐતિહાસિક FTA પર હસ્તાક્ષર
India-UK FTA: ભારત-બ્રિટન વચ્ચે થઈ ફ્રી ટ્રેડ ડીલ, આ ડીલથી ઘણી વસ્તુઓ થશે સસ્તી

FTA ટ્રેડ ડીલથી બંને દેશોને થશે ફાયદો

FTA ટ્રેડ ડીલથી બંને દેશોને થશે ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટનની બે દિવસીય મુલાકાત દરમિયાન, આજે ભારત અને બ્રિટનના સંબંધોમાં એક ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકમાં, બંને દેશોએ લાંબા સમયથી પ્રતીક્ષિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા. આ કરારને ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનું એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે, જે બંને દેશોના આર્થિક વિકાસ અને દ્વિપક્ષીય વેપારને નવું બળ આપશે.
એક ઐતિહાસિક ડીલ: EU પછી યુકે માટે સૌથી મહત્ત્વપૂર્ણબ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ડીલને યુકેના યુરોપિયન યુનિયન (EU) છોડ્યા બાદની સૌથી મહત્વની ડીલ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, "ભારત સાથે અમારા ઐતિહાસિક અને ખાસ સંબંધો છે. આ ડીલ બંને દેશોના વેપાર, રોકાણ અને રોજગારીની તકોને નવી દિશા આપશે." વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજના દિવસને ભારત-બ્રિટનના સંબંધો માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો, અને કહ્યું કે, 'વર્ષોની મહેનત પછી આજે બંને દેશોએ એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ખુશીની વાત છે.'
આ કરાર માત્ર વેપાર જ નહીં, પરંતુ રોકાણ અને આર્થિક ભાગીદારીને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ FTA ખાસ કરીને ભારતના મહિલા ઉદ્યોગસાહસિકો અને શ્રમિકો માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવું માનવામાં આવે છે.
FTA શું છે અને તેના મુખ્ય ફાયદા?ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એ બે દેશો વચ્ચે વેપારને સરળ બનાવતો કરાર છે. તેના હેઠળ બંને દેશ એકબીજાના ઉત્પાદનો પર લાગતી આયાત ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સને ઘટાડે છે અથવા નાબૂદ કરે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર સસ્તો અને વધુ સ્પર્ધાત્મક બને છે. ભારત અને યુકે વચ્ચે આ FTA અંગે છેલ્લા ત્રણ વર્ષથી વાતચીત ચાલી રહી હતી, અને બુધવારે મોદી કેબિનેટે તેને અંતિમ મંજૂરી આપી હતી.
ભારતને થનારા ફાયદા: આ FTA દ્વારા ભારતના લગભગ 99% નિકાસ ઉત્પાદનોને બ્રિટનના $23 બિલિયનના બજારમાં ડ્યુટી-ફ્રી પહોંચ મળશે. આનાથી ભારતના શ્રમ-સઘન ઉદ્યોગોને ખાસ ફાયદો થશે, જેમાં હાલમાં 4% થી 16% સુધીનો શુલ્ક લાગે છે. મુખ્ય લાભાર્થી ક્ષેત્રો નીચે મુજબ છે:
કાપડ અને વસ્ત્રો: ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ, ખાસ કરીને મહિલા વણકરો અને ડિઝાઇનરોને બ્રિટનના બજારમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે. આનાથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને કંબોડિયા જેવા સ્પર્ધકો સામે ભારતને સમાન તકો મળશે.
રત્નો, આભૂષણો અને ચામડાના ઉત્પાદનો: ભારતીય કારીગરો દ્વારા બનાવેલા ચામડાના ઉત્પાદનો અને રત્નો-આભૂષણોની નિકાસને બ્રિટનમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળશે, જે નવી તકો ખોલશે.
એન્જિનિયરિંગ સામાન અને ઓટો પાર્ટ્સ: ભારતના એન્જિનિયરિંગ અને ઓટોમોટિવ ક્ષેત્રને બ્રિટનના બજારમાં વધુ પ્રવેશ મળશે.
આઇટી અને બિઝનેસ સેવાઓ: ભારતની મજબૂત આઇટી સેવાઓને બ્રિટનના વિકસતા ટેક માર્કેટમાં નવી તકો મળશે.
ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો: ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીને બ્રિટનના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધુ સુલભતા મળશે.
ફૂડ પ્રોસેસિંગ, ચા, મસાલા અને દરિયાઈ ઉત્પાદનો: ભારતીય ચા, મસાલા અને સીફૂડ ઉત્પાદનો બ્રિટનના ગ્રાહકો માટે વધુ સસ્તા બનશે.
રસાયણો અને વિશેષ સામગ્રી: રસાયણોની નિકાસને પણ ડ્યુટી-ફ્રી લાભ મળશે.
હરિત ઉર્જા અને સ્વચ્છ ટેકનોલોજી: ભારતની ગ્રીન એનર્જી અને ક્લીન ટેક્નોલોજીને બ્રિટનના પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બજારમાં પ્રોત્સાહન મળશે.
બ્રિટનને થનારા ફાયદા: બ્રિટનને પણ આ કરારથી ઘણો ફાયદો થશે, કારણ કે તેની 90% વસ્તુઓ પર ભારતમાં લાગતો શુલ્ક ખતમ થઈ જશે. ખાસ કરીને, બ્રિટનની મુખ્ય નિકાસ વસ્તુઓ પરની ડ્યુટીમાં ઘટાડો થશે:
સ્કોચ વિસ્કી અને જિન: આયાત શુલ્ક 150% થી ઘટીને આગામી 10 વર્ષમાં પહેલા 75% અને પછી 40% સુધી ઓછો થઈ જશે, જેનાથી ભારતમાં આ ઉત્પાદનો સસ્તા બનશે.
હાઈ-એન્ડ કાર: કાર પરની ડ્યુટી 100% થી ઘટીને 10% થઈ જશે.
અન્ય ઉત્પાદનો: કોસ્મેટિક્સ, ચોકલેટ, બિસ્કિટ, સેલ્મન માછલી, બિયર અને મેડિકલ ડિવાઇસિસ જેવા ઉત્પાદનોને પણ રાહત મળશે.
ક્ષેત્રીય લાભ: બ્રિટનના ઓટોમોબાઇલ, એરોસ્પેસ અને મશીનરી સેક્ટરને પણ આ કરારથી મોટો ફાયદો થશે.
આ FTA બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો યુગ શરૂ કરશે અને આર્થિક વિકાસ, વેપાર વૃદ્ધિ અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.