ચીની અર્થશાસ્ત્રી ગાઓ શાનવેનનું અવસાન
GDPના ખોટા આંકડા અને યુવા બેરોજગારી મુદ્દે સરકાર સામે ઉઠાવ્યો હતો અવાજ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Chinese Economist Gao Shanwen Passes Away: ચીનની આર્થિક પરિસ્થિતિ, નીતિઓ અને શેરબજાર પર પોતાના સ્પષ્ટવક્તા તેમજ નીડર મંતવ્યો માટે વૈશ્વિક સ્તરે જાણીતા પીઢ ચીની અર્થશાસ્ત્રી ગાઓ શાનવેનનું મંગળવારે 7 જુલાઈ, 2026 ના રોજ 55 વર્ષની વયે અવસાન થયું છે. ચીનના સત્તાવાર રાજ્ય મીડિયાએ તેમના મૃત્યુનું પ્રાથમિક કારણ લાંબી "બીમારી" ગણાવ્યું હતું. ગાઓ શાનવેન ચીનના સત્તાવાર આર્થિક આંકડા અને જીડીપી (GDP) ડેટાની ખુલ્લેઆમ આકરી ટીકા કરવા માટે જાણીતા હતા. સામ્યવાદી ચીન સરકારની સખત સેન્સરશીપ અને દબાણ હોવા છતાં, તેઓ હંમેશા દેશની સાચી આર્થિક સ્થિતિ વિશે ડેટા સાથે વાતો કરતા રહ્યા હતા, જેના કારણે તેમણે ભારે રાજકીય રોષ અને આકરા પ્રતિબંધોનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમના અવસાનથી ચીનના અર્થશાસ્ત્ર જગત અને સામાન્ય જનતામાં વ્યાપક શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ચીનનો વાસ્તવિક GDP દર માત્ર 2 ટકા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો હતો
ગાઓ શાનવેન 2024 ના અંતમાં અમેરિકાના વોશિંગ્ટન ખાતે પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ અને એક ચીની થિંક-ટેન્ક દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વૈશ્વિક સ્તરે ભારે ચર્ચામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે સત્તાવાર આંકડાઓનો છેદ ઉડાડતા દાવો કર્યો હતો કે, છેલ્લા 2 થી 3 વર્ષમાં ચીનનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર સરેરાશ "લગભગ 2 ટકા" જ રહ્યો હોઈ શકે છે. જ્યારે બીજી તરફ ચીની સરકાર આ આંકડા 5 ટકાની આસપાસ હોવાનો દાવો કરી રહી હતી. તેમણે મજબૂત આર્થિક ડેટા રજૂ કરીને સાબિત કર્યું હતું કે વર્ષ 2021 અને 2023 વચ્ચે ચીનનો GDP વૃદ્ધિદર સત્તાવાર આંકડાઓમાં 10 ટકા જેટલો વધારીને એટલે કે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય ખુલાસા બાદ વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો હતો કે ચીની અધિકારીઓએ તેમની વિરૂદ્ધ આંતરિક તપાસ શરૂ કરી દીધી હતી.
ડેટાની વિસંગતતાઓ અને યુવા બેરોજગારી પર સરકારને ઘેર્યા
પોતાના વિશ્લેષણમાં ગાઓએ ચીનના સ્થાનિક વપરાશ, રોજગાર સ્તર અને રિયલ એસ્ટેટ ડેટામાં જોવા મળતી મોટી વિસંગતતાઓ તરફ આંગળી ચીંધી હતી. તેમણે દેશમાં સતત વધી રહેલી યુવા બેરોજગારી, સ્થાનિક બજારમાં વપરાશની મંદી અને સરકારના નીતિગત પ્રતિભાવોના અભાવ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. વર્ષ 2024 માં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તેમના એક પ્રખ્યાત ભાષણમાં તેમણે ચીનની વર્તમાન સામાજિક સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "ચીનમાં હાલમાં વૃદ્ધો ઉર્જાથી ભરેલા છે, યુવાનો તદ્દન નિર્જીવ છે, અને મધ્યમ વયના લોકો પોતાના જીવનથી કંટાળી ગયા છે." આ નિવેદન દ્વારા તેમણે દર્શાવ્યું હતું કે કેવી રીતે અગાઉની પેઢીએ આર્થિક તેજીનો લાભ લીધો, જ્યારે વર્તમાન યુવા પેઢી રોજગારના અભાવે ગરીબીમાં જીવવા મજબૂર બની છે અને દેશના વિકાસમાં ફાળો આપી શકતી નથી. આ મંતવ્ય રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારના એ દાવાઓથી તદ્દન ઉલટું હતું જેમાં જણાવાયું હતું કે કોવિડ લોકડાઉન બાદ યુવાનો અર્થતંત્રનું નેતૃત્વ કરશે.
સ્પષ્ટવક્તા બનવાની ચૂકવવી પડી કિંમત
ગાઓ શાનવેનના આ આકરા આર્થિક પ્રહારોથી ચીનનું કેન્દ્રીય નેતૃત્વ અત્યંત ગુસ્સે ભરાયું હતું. પરિણામે સરકારે તેમના જાહેરમાં બોલવા અને કોઈપણ મંચ પર પ્રવચન આપવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇન્ટરનેટ પરથી તેમના વીડિયો, સંશોધન લેખો અને વીચેટ (WeChat) જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંપૂર્ણપણે સેન્સર કરીને કાઢી નાખવામાં આવ્યા હતા. સિક્યોરિટીઝ એસોસિએશન ઓફ ચાઇનાએ તમામ મુખ્ય અર્થશાસ્ત્રીઓને આદેશ આપ્યો હતો કે તેઓ માત્ર "સરકારી નીતિઓને સકારાત્મક રીતે પ્રોત્સાહન આપે" અને નકારાત્મક ટિપ્પણીઓ કરવાનું ટાળે. સરકારી આદેશોને ન માનવા બદલ નવેમ્બર 2025 માં ગાઓ શાનવેનને રાજ્ય-નિયંત્રિત રોકાણ જૂથ SDIC સિક્યોરિટીઝના મુખ્ય અર્થશાસ્ત્રીના પદ પરથી સત્તાવાર રીતે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ સિક્યોરિટીઝ ઉદ્યોગમાંથી તેમની નોંધણી રદ કરવામાં આવી હતી અને તેમનું હોંગકોંગનું રોકાણ સલાહકાર લાયસન્સ પણ કાયમ માટે સમાપ્ત કરી દેવાયું હતું.
અમેરિકા સાથેના સંબંધો બગડવા અંગે 2018 માં જ ચેતવણી આપી હતી
ગાઓ શાનવેનનો વિવાદો અને સરકાર સામે થવાનો ઇતિહાસ ઘણો જૂનો હતો. વર્ષ 1995 માં ચીનની સેન્ટ્રલ બેંકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ગાઓએ અગાઉ વર્ષ 2018 માં પણ એક મોટો વૈચારિક વિરોધ નોંધાવ્યો હતો. તેમણે તે સમયે ચેતવણી આપી હતી કે ચીનની લાંબાગાળાની આર્થિક પ્રગતિ અને સ્થિરતા તેના યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) સાથેના સારા વ્યાપારી અને રાજદ્વારી સંબંધો પર નિર્ભર છે. જો ચીન અમેરિકા સાથેના સંબંધો બગાડશે, તો તેના દૂરગામી ગંભીર પરિણામો ચીનના યુવાનોએ ભોગવવા પડશે અને તેમનું ભવિષ્ય અંધકારમય બની જશે. તત્કાલીન સમયે પણ ચીનની સરકારે આ નિવેદનને ચીન વિરોધી ગણાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધું હતું. નવેમ્બર 2025 માં નોકરીમાંથી મુક્ત થયા બાદ તેઓ લગભગ 1 વર્ષ સુધી લોકોની નજરોથી દૂર રહ્યા હતા અને છેલ્લે સપ્ટેમ્બર 2025 માં પેકિંગ યુનિવર્સિટીના એક ફોરમમાં વિડિઓ લિંક દ્વારા ટૂંકા સંબોધન માટે દેખાયા હતા. અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025 માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેમની ગુપ્ત સારવાર ચાલી રહી હતી.
ચીનમાં અસંમતિ દબાવવાનો ઇતિહાસ અને જનતાનો આક્રોશ
ચીની સત્તાવાળાઓ દ્વારા વ્હિસલબ્લોઅર્સ અને સામાન્ય આર્થિક મુદ્દાઓ પર ટીકા કરનારા સ્વતંત્ર વિશ્લેષકોને દબાવી દેવાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. અગાઉ ચીની અબજોપતિ ઉદ્યોગપતિ જેમ્સ મા પણ સરકારની આલોચના કર્યા બાદ કેટલાક મહિનાઓ સુધી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. વર્ષ 2023 માં જ્યારે ચીન કોવિડ લોકડાઉન અને પ્રોપર્ટી કટોકટી સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે અગ્રણી આર્થિક બ્લોગર વુ ઝિયાઓબોના 50 લાખ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટને વેઇબો (Weibo) પર બ્લોક કરી દેવાયું હતું. અગાઉ 2020 માં કોવિડ-19 મહામારીની પ્રથમ જાણ કરનાર વુહાનના ડૉક્ટર લી વેનલિયાંગના મૃત્યુ સમયે પણ ચીની જનતાએ આવો જ આક્રોશ ઠાલવ્યો હતો. ગાઓ શાનવેનના અવસાન બાદ ચીનના ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે 'રેડનોટ' અને 'વેઇબો' પર લોકો સેન્સરશીપની પરવા કર્યા વગર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "એક અર્થશાસ્ત્રી જેણે હંમેશા સત્ય જ કહ્યું; છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં માત્ર જૂઠા અને સરકારના વખાણ કરનારા 'આશાવાદી' લોકો જ ટકી શક્યા છે." જ્યારે અન્ય એક નાગરિકે લખ્યું, "એક વધુ સત્ય કહેનાર માણસ દુનિયા છોડીને ચાલ્યો ગયો, જ્યારે જૂઠ બોલનારાઓ હજુ પણ પ્રશાસનમાં બેસીને બકવાસ કરી રહ્યા છે. શાંતિથી આરામ કરો, ડૉ. ગાઓ!" ભલે સરકાર તેમનાથી નારાજ હતી, પરંતુ ચીનની જનતા તેમને હંમેશા એક નીડર નિષ્ણાત તરીકે યાદ રાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?