ડિંગુચા કેસઃ કેનેડામાં માનવ તસ્કર ફેનિલ પટેલ ઝબ્બે
કેનેડિયન પોલીસે ફેનિલ પટેલની ધરપકડ કરી, વર્ષ 2023માં માનવ તસ્કરીનો લાગ્યો હતો આરોપ
ડિંગુચા પટેલના પરિવારના કેસમાં અમેરિકાની કોર્ટે હર્ષ પટેલ અને સ્ટીવ શાન્ડને સજા ફટકારી હતી
ડિંગુચા પટેલના પરિવારના કેસમાં અમેરિકાની કોર્ટે હર્ષ પટેલ અને સ્ટીવ શાન્ડને સજા ફટકારી હતી
અમેરિકાના મિનેસોટાની બોર્ડર ઉપર ત્રણ વર્ષ અગાઉ ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યો થીજીને મૃત્યુ પામ્યા હતા. આ પરિવારને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડનાર મુખ્ય આરોપી ફેનિલ પટેલની કેનેડિયન પોલીસે ધરપકડ કરી છે. કેનેડિયન મીડિયાના જણાવ્યા અનુસાર અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને ધ્યાને લઈ ફેનિલ પટેલને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું કેનેડિયન ન્યાય વિભાગે જણાવ્યુ છે. પ્રત્યાર્પણ સંધીની શરતો અનુસાર ન્યાય વિભાગે વધુ વિગતો જાહેર કરવા ઈન્કાર કર્યો છે.
જાન્યુઆરી-2022માં બરફનાં ભયંકર તોફાન અને થીજાવી દેતી ઠંડીમાં ડીંગુચાના પરિવારને સરહદ પાર કરાવવામાં મદદ કરનાર બે શખ્સો પૈકી એક ફેનિલ પટેલ હતો. ડિંગુચાના પરિવારનું મેનેગોના એમર્સન નજીક મિનેસોટામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે હાઇપોથર્મિયાથી મૃત્યુ થયું હતું. 39 વર્ષિય જગદીશ પટેલ, તેમની 37 વર્ષિય પત્ની વૈશાલી, 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના થીજી ગયેલા મૃતદેહ અમેરિકાની સરહદથી માત્ર 12 મીટર દૂર મળી આવ્યા હતા.
જાન્યુઆરી-2022માં ડિંગુચાના પરિવારના મૃત્યુમાં કથિત ભૂમિકા બદલ ગુજરાતના ફેનિલ પટેલ સામે માનવ તસ્કરીના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભારતીય પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ફેનિલ પટેલ અને અન્ય એક શખ્સે માનવ તસ્કરી નેટવર્કની કેનેડિયન શાખા ચલાવી હતી. ફેનિલ પટેલે ડિંગુચાના પરિવારને સરહદ સુધી પહોંચાડવા માટે મુસાફરીના છેલ્લા દિવસોનું સંપૂર્ણ કોર્ડિનેશન અને કંટ્રોલિંગ હાથ ધર્યું હતું.
મે-2023માં ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે ફેનિલ પટેલ અને અન્ય આરોપીને પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય મીડિયાના જણાવ્યા અનુસાર ફેનિલ પટેલ અમેરિકા, ટોરોન્ટો, ઓટાવા અને વાનકુંવર સહિત અનેક શહેરોમાં રહીને હાલમાં ફરાર છે. જ્યારે કેનેડિયન ચેનલ CBCના ધ ફિફ્થ એસ્ટેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે તે ટોરોન્ટોની બહાર રહે છે.
CBC ચેનલના ધ ફિફ્થ એસ્ટેટે એક વર્ષ પહેલાં ફેનિલ પટેલનો ઇન્ટરવ્યૂ લેવાના પ્રયાસો કર્યા હતા. તેમ છતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. જ્યારે ધ ફિફ્થ એસ્ટેટના એક સભ્યએ તેના ઘરની સામે ઉભા રહી સવાલ કરતાં તે કોઈ જવાબ આપ્યા વગર ઘરમાં ઘૂસી ગયો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે તે સમયે ફેનિલ પટેલને શોધવા અને કેનેડામાં તેની ધરપકડ કરવા માટે RCMPની મદદ માગી હતી. પરંતુ તે સમયે સ્પષ્ટ નહોતું કે, ઓફિશિયલ કોઈ રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે નહીં.
નવેમ્બર-2024માં સ્ટીવ શાન્ડ અને હર્ષ પટેલની અમેરિકન પોલીસે શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. હર્ષ પટેલ સામે ભારતીયોને કેનેડા બોર્ડર ક્રોસ કરાવીને ગેરકાયદે અમેરિકા લાવવાના કામમાં સામેલ હોવાનો આરોપ હતો. એટલું જ નહીં. મરણ પામેલા ડિંગુચાના જગદીશ પટેલના પરિવારને પણ અમેરિકા લાવવાનું કામ હર્ષ પટેલે કામ કર્યુ હોવાનો આરોપ લાગ્યો હતો.
બે વર્ષ પહેલાં ધરપકડ કરાયેલો હર્ષ પટેલ કોર્ટના ડોક્યુમેન્ટ્સ અનુસાર ફ્લોરિડામાં કસીનો ચલાવતો હતો. તેણે સ્ટીવ શાન્ડ નામની એક વ્યક્તિને જગદીશ પટેલ જે ગૃપમાં બોર્ડર ક્રોસ કરવાના હતા. તે ગૃપના લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું.
હર્ષ પટેલ માટે કામ કરતા સ્ટીવ શાન્ડે 9 માર્ચ 2022ના દિવસે હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓ સામે કબૂલાત કરી હતી કે તેણે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022ના ગાળામાં ભારતથી આવેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને કેનેડા બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પહોંચાડવા માટે પાંચ ટ્રિપ કરી હતી. આ કામ માટે હર્ષ પટેલે 25 હજાર ડોલર ચૂકવ્યા હતા.
જાન્યુઆરી-2022માં હર્ષ પટેલે સ્ટીવ શાન્ડને પહેલા 2900 ડોલર ચૂકવ્યા હતા અને તેના રિલીઝ થયા બાદ બીજા 5,000 ડોલર ચૂકવવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટમાં હર્ષ પટેલ ઉપરાંત આ કેસમાં ગુજરાત પોલીસે આરોપી બનાવેલા ફેનિલ પટેલ અને અન્ય એજન્ટ સામે આરોપ ઘડવામાં આવ્યા હતા.
આ કેસમાં અમેરિકાની કોર્ટે રાજીન્દરપાલ સિંહ નામના એક એજન્ટને ગુનેગાર ઠેરવીને તેને 45 મહિના જેલની સજા કરી ચૂકી છે. હાલ જેલમાં બંધ રાજીન્દરે પણ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓએ કરેલી પૂછપરછ દરમિયાન ફેનિલ પટેલને ઓળખી બતાવ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે, તે ડિંગુચાના પરિવારને બોર્ડર ક્રોસ કરાવવાના કામમાં સામેલ હતો અને ફેનિલ ટોરેન્ટોમાં હોવાની માહિતી પણ રાજીન્દરે હોમલેન્ડ સિક્યોરિટીને આપી હતી.
સ્ટીવ શાન્ડ 19 જાન્યુઆરી 2022ના દિવસે બે માઈગ્રન્ટ્સ સાથે 15 સીટર વાનમાં કેનેડિયન પોલીસના હાથે ઝડપાયો હતો. ત્યારે કેનેડાની સાઈડથી આવેલા બીજા પાંચ માઈગ્રન્ટ્સને પણ પોલીસે ડિટેઈન કર્યા હતા.
હર્ષ પટેલનો ગુનાહિત ભૂતકાળ ઘણો જૂનો છે. અમેરિકા ઉપરાંત હર્ષ પટેલ કેનેડામાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. હર્ષ પટેલની 2018માં કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેને રિલીઝ કરાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.
કોર્ટના ડોક્યુમેન્ટ્સ અનુસાર હર્ષ પટેલે ભારતથી અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા ચાર વખત પ્રયાસ કર્યો હતો. પરંતુ ચારેય વખત તેની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016માં પણ હર્ષ પટેલે કેનેડા પહોંચીને ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા એપ્લિકેશન કરી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે તે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.
તે વખતે પણ તેને અમેરિકાના વિઝા નહોતા મળ્યા. અમેરિકાની પોલીસનું માનવું છે કે, પાંચમી વખત વિઝા એપ્લિકેશન રિજેક્ટ થયા બાદ હર્ષ પટેલ ત્રણ જ મહિનામાં બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચી ગયો હતો અને વર્ષ 2018માં તે અમેરિકાથી ફરી બોર્ડર ક્રોસ કરી કેનેડા આવ્યો હતો. તે સમયે કેનેડિયન પોલીસે હર્ષ પટેલની ધરપકડ કરી હતી.
અગાઉ ધરપકડ કરાયેલા અમદાવાદના યોગેશ પટેલ અને કલોલના ભાવેશ પટેલે ગુજરાત પોલીસને માહિતી આપી હતી કે તેઓ માનવ દાણચોરી નેટવર્કના કેનેડિયન પક્ષનું સંચાલન કરતા ફેનિલ પટેલ સાથે સંકળાયેલા છે. બંને તસ્કરોને દોષિત ઠેરવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
ડિંગુચાના પરિવારના મોત બદલ ફ્લોરિડાના સ્ટીવ શાન્ડ અને હર્ષકુમાર રમણલાલ પટેલને નવેમ્બર-2024 માં દાણચોરી અને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડીને નફો કમાવવા મુદ્દે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બંને માનવ તસ્કરોને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીમાં ભૂમિકા બદલ મિનેસોટાની કોર્ટે 10 વર્ષ સુધીની જેલની સજા ફટકારી હતી.
ડિંગુચાના પરિવારને ગેરકાયદે ઘૂસાડવાના પુરાવા પણ મળ્યા હતા
હોમલેન્ડ સિક્યુરિટીના એક ખાસ એજન્ટે જુબાની આપી હતી કે, કાર ભાડાના રેકોર્ડ દર્શાવે છે કે ફેનિલ પટેલે 17 જાન્યુઆરી 2022 ના રોજ ટોરોન્ટોમાં એક વાહન ભાડે લીધું હતું. તેને વિનીપેગ લઈ ગયો હતો અને બીજા દિવસે તેને ત્યાં મૂકી ગયો હતો. તે જ દિવસે પટેલ પરિવારને સરહદ પર લઈ જવામાં આવ્યો હતો.
અન્ય એક સાક્ષી દોષિત માનવ દાણચોર રાજિન્દર પાલ સિંહે ટ્રાયલ દરમિયાન જણાવ્યું હતું કે, ફેનિલ પટેલ સરહદની કેનેડિયન બાજુએ માનવ તસ્કરીનો આયોજક હતો. તેમણે જુબાની આપી હતી કે પટેલ પરિવારે તેમના મૃત્યુની રાત્રે ફેનિલ પટેલને મદદ માટે ફોન કર્યો હતો પરંતુ તે આવ્યો નહોતો.
ફરિયાદીઓએ દલીલ કરી હતી કે હર્ષકુમાર પટેલ અને સ્ટીવ શેન્ડ ભારતીય સ્થળાંતર કરનારાઓને મોટી રકમ માટે વિદ્યાર્થી વિઝા પર કેનેડા લાવવાની યોજનામાં સહ કાવતરાખોર હતા. બાદમાં તેમને સરહદ પર છોડીને ચાલીને પાર કરવાનું કહ્યું હતું.
શેન્ડની સરહદ નજીક ધરપકડ કરવામાં આવી હતી. લગભગ તે જ સમયે પટેલ પરિવારનું મૃત્યુ થયું હતું. તે જ સમયે અન્ય ભારતીય નાગરિકો સાથે જે વાનમાં તે ચલાવી રહ્યો હતો. માનવ તસ્કરીમાં સંકલન કરવાનો અને શેન્ડને ભાડે રાખવાનો આરોપ છે. હર્ષ પટેલની બાદમાં શિકાગોમાં ધરપકડ કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.