કેનેડાના નવનિયુક્ત વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલન 2025માં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તાજેતરના વર્ષોમાં તણાવ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ આમંત્રણની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી અને કેનેડા સાથેના સંબંધોને નવેસરથી મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “મને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની તરફથી ફોન આવ્યો હતો. મેં તેમને તાજેતરની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા. તેમણે ભારતને G7 શિખર સંમેલન 2025માં આમંત્રણ આપ્યું, જે બદલ મેં તેમનો આભાર માન્યો. ભારત અને કેનેડા, બંને જીવંત લોકશાહી તરીકે, પરસ્પર આદર અને સહિયારા હિતોને ધ્યાનમાં રાખીને સહકાર વધારવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ સંમેલનમાં મળવા માટે ઉત્સુક છીએ.”
આ આમંત્રણ એટલે ખાસ મહત્ત્વ ધરાવે છે કારણ કે, 2023માં તત્કાલીન કેનેડીયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર આક્ષેપો કર્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ઊભો થયો હતો. આ ઘટનાએ બંને દેશોના સંબંધોને નોંધપાત્ર અસર કરી હતી, અને એવી અટકળો પણ ચાલી હતી કે ભારત આ વખતે G7 સંમેલનમાં સામેલ નહીં થાય. જોકે, ટ્રુડોના રાજકીય બળવા બાદ પદ છોડવું પડ્યું અને માર્ક કાર્નીના નેતૃત્વમાં કેનેડાએ સંબંધો સુધારવા તરફ પગલાં ભર્યાં છે.
આ વખતે કેનેડા G7 શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે, અને ભારતનું આમંત્રણ બંને દેશો વચ્ચે સહકારની નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ સંમેલનમાં વૈશ્વિક આર્થિક, પર્યાવરણીય અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે, જેમાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે.
આ ઘટના ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ફરીથી મજબૂત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે. G7 શિખર સંમેલન 2025માં બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક વૈશ્વિક સ્તરે સહકાર અને પરસ્પર વિશ્વાસને વધશે તેવી આશા છે.