બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું
શેખ હસીના સાથેના સંપર્ક વિવાદ વચ્ચે પદ છોડ્યું

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Bangladesh President Mohammad Shahabuddin Resigns: બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો પાંચ વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂર્ણ થવામાં હજી લગભગ 2 વર્ષ બાકી હતા, પરંતુ તે પહેલાં જ તેમણે પદ છોડવાની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ 50(3) મુજબ, રાષ્ટ્રપતિ સ્પીકરને સંબોધિત સહી કરેલો પત્ર સુપરત કરીને રાજીનામું આપી શકે છે. અહેવાલો અનુસાર, તેમનો રાજીનામા પત્ર લઈને આવેલા પ્રતિનિધિઓ બંગભવનથી સંસદ તરફ રવાના થઈ ગયા છે.
રાજીનામા પાછળના રાજકીય વિવાદો
પોતાના રાજીનામા અંગે ખુલાસો કરતા શહાબુદ્દીને જણાવ્યું હતું કે તેઓ હાલમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેઓ પદ પર આગળ કાર્ય કરવા માટે અસમર્થ છે. સ્થાનિક મીડિયા 'ધ ડેઇલી સ્ટાર' સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે તેમની પાસે વધુ કંઈ કહેવા માટે નથી. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે રાજીનામા પાછળ માત્ર સ્વાસ્થ્ય નહીં પરંતુ તાજેતરમાં ઊભા થયેલા રાજકીય વિવાદો પણ જવાબદાર છે. થોડા દિવસો પહેલા તબીબી સારવાર માટે લંડનની મુલાકાત દરમિયાન તેમણે પદભ્રષ્ટ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે આ વિવાદનું મુખ્ય કારણ બન્યું હતું.
લંડન પ્રવાસ અને શેખ હસીના સાથે વાતચીતનો વિવાદ
મળેલી માહિતી અનુસાર, શહાબુદ્દીન 9 મેના રોજ સારવાર માટે લંડન ગયા હતા અને 18 મેના રોજ પરત ફર્યા હતા. આ લંડન પ્રવાસ દરમિયાન તેમણે ભારત ખાતે આશ્રય લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથે વાતચીત કરી હોવાના મીડિયા અહેવાલો વહેતા થયા હતા. આ સમાચાર સામે આવતાં જ બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં તેમની નિષ્ઠા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. હાલમાં બાંગ્લાદેશમાં BNP નું શાસન છે અને તારિક રહેમાન તેના વડા છે. શેખ હસીના અને તારિક રહેમાન કટ્ટર રાજકીય હરીફ હોવાથી, શહાબુદ્દીનના આ સંપર્કે BNP પ્રશાસન અને રાજકીય નેતાઓને નારાજ કર્યા હતા.
બંગભવનમાં બેઠક અને રાજીનામાની તૈયારીઓ
છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના રાજીનામા અંગે અટકળો તેજ બની હતી. ગુરુવારે પરિસ્થિતિથી વાકેફ વરિષ્ઠ સૂત્રોએ સંકેત આપ્યો હતો કે તેઓ માનસિક રીતે પદ છોડવા માટે તૈયાર થઈ ગયા હતા. બંગભવન ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન જ તેમણે પદ પરથી હટી જવાની તૈયારી દર્શાવી દીધી હતી. તેમના રાજીનામા બાદ હવે આગામી ઉત્તરાધિકારી તરીકે કેબિનેટ સચિવ નસીમુલ ગનીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને નવા રાષ્ટ્રપતિ તરીકે તેમની પસંદગી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
મોહમ્મદ શહાબુદ્દીનનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ
મોહમ્મદ શહાબુદ્દીને 24 એપ્રિલ 2023 ના રોજ બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તત્કાલીન સ્પીકર શિરીન શર્મીન ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા હતા. તેઓ તત્કાલીન શાસક આવામી લીગના ઉમેદવાર હતા અને 13 ફેબ્રુઆરી 2023 ના રોજ બિનહરીફ ચૂંટાયા હતા, કારણ કે તેમની સામે અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. તેમનો કાર્યકાળ એપ્રિલ 2028 માં સમાપ્ત થવાનો હતો. જોકે, ઓગસ્ટ 2024 માં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાની સરકારનું પતન થયું, પરંતુ તે રાજકીય પરિવર્તન પછી પણ શહાબુદ્દીન પોતાના બંધારણીય પદ પર ટકી રહેનારા એકમાત્ર ટોચના અધિકારી હતા.
મુક્તિ સંગ્રામથી લઈને ન્યાયિક સેવા સુધીની સફર
મોહમ્મદ શહાબુદ્દીનનો જન્મ ઉત્તરપશ્ચિમ પબના જિલ્લામાં થયો હતો. તેઓ 1960 ના દાયકાના અંતમાં અને 1970 ના દાયકાની શરૂઆતમાં આવામી લીગની વિદ્યાર્થી અને યુવા પાંખના સક્રિય નેતા રહ્યા હતા. તેમણે 1971 ના મુક્તિ યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 15 ઓગસ્ટ 1975 ના રોજ બાંગ્લાદેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના સભ્યોની લશ્કરી બળવામાં હત્યા કરાઈ ત્યારે વિરોધ કરવા બદલ તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.
કરિયરના અન્ય મહત્વના પદો અને યોગદાન
જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ 1982 માં દેશની ન્યાયિક સેવામાં જોડાયા હતા. તેઓ 2006 માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા હતા. 1996 માં જ્યારે આવામી લીગ ફરી સત્તામાં આવી, ત્યારે તેમને બંગબંધુ હત્યાકાંડની તપાસ ટાસ્ક ફોર્સના સંયોજક બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમણે 2011 થી 2016 સુધી દેશના ભ્રષ્ટચાર વિરોધી આયોગના કમિશનર તરીકે પણ નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. બાદમાં તેઓ આવામી લીગની સલાહકાર પરિષદના સભ્ય બન્યા હતા અને 2023 માં દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચ્યા હતા.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને વર્તમાન પરિસ્થિતિ
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024 માં હિંસક વિદ્યાર્થી આંદોલનને કારણે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો હતો. 5 ઓગસ્ટ 2024 થી શેખ હસીના ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. હસીનાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ ડિસેમ્બર 2026 માં ભારતથી ઢાકા પાછા ફરશે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિનું પદ મોટે ભાગે ઔપચારિક છે અને તમામ કારોબારી સત્તાઓ વડાપ્રધાન પાસે રહે છે. હવે શહાબુદ્દીનના અચાનક રાજીનામા બાદ દેશના રાજકારણમાં નવું મોજુ આવ્યું છે અને નવી સરકાર આગળની કાનૂની તેમજ બંધારણીય પ્રક્રિયાઓ ઝડપી બનાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?