ઓમાનમાં વધુ એક જહાજ પર ભયાનક હુમલો
20 ભારતીયો ફસાયા! ત્રણ દિવસ અગાઉ થયેલા હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીય ખલાસીઓના મૃતદેહ મળ્યા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Attack On Indian Ship 'Jalveer' Near Oman: ગલ્ફ વિસ્તારના સમુદ્રમાં સર્જાયેલી અશાંતિ અને હિંસાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઓમાનના કિનારે 'સેટેબેલો' જહાજ પર થયેલા ઘાતક હુમલાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ ઓમાનના દરિયાકાંઠે વધુ એક મોટી જહાજ દુર્ઘટના સામે આવી છે. ઓમાનના શિનાસ (Shinas) બંદર નજીક 'MT Jalveer' નામના વાણિજ્યિક જહાજ પર ભયાનક હુમલો થયો હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને સમુદ્રની વચ્ચે તે સળગતું જોવા મળ્યું હતું. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાડતી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.
'MT Jalveer' પર હુમલો અને 20 ભારતીય ખલાસીઓનો જીવ જોખમમાં
એક અહેવાલ મુજબ, આ માલવાહક જહાજ 'MT Jalveer' પર આશરે 20 ભારતીય ખલાસીઓ સવાર હોવાના અહેવાલ છે. હુમલા બાદ જહાજને કેટલું નુકસાન થયું છે અને તેમાં સવાર ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સત્તાવાર વિગતો બહાર આવી નથી. હોર્મુઝ સ્ટ્રેટ નજીક છેલ્લા 3 દિવસમાં જહાજ પર થયેલો આ સતત ત્રીજો હુમલો છે. આ ઘટના ગુરુવારે બની હોવાનું સત્તાવાર નિવેદનોમાં જણાવાયું છે. સ્થાનિક પ્રશાસન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ હાલ જહાજ પર રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે.
ઓમાનમાં ભારતીય એમ્બેસી હાઈ એલર્ટ પર
સ્થિતિની ગંભીરતા અને જહાજ પર ભારતીય નાગરિકોની હાજરીને જોતા ઓમાનમાં આવેલી ભારતીય એમ્બેસી તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, તેઓ શિનાસ પોર્ટ પાસે બનેલી આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ભારતીય રાજદ્વારીઓ ઓમાનના સ્થાનિક વહીવટીતંત્ર અને દરિયાઈ સુરક્ષા અધિકારીઓ સાથે સતત સંકલન સાધી રહ્યા છે, જેથી જહાજ પર સવાર તમામ ભારતીય ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને ઘટનાના વાસ્તવિક કારણો જાણી શકાય.
'MT Settebello' પર અમેરિકી સેનાનો હુમલો: 3 ભારતીયોના મોત
આ અગાઉ બુધવારે (10 જૂન) ઓમાનના દરિયાકાંઠે બનેલી એક અત્યંત દુઃખદ ઘટનામાં 3 ભારતીય ખલાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પાલાઉ (Palau) દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર 'સેટેબેલો' (MT Settebello) જ્યારે ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અમેરિકાની સેના દ્વારા તેના પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ 28 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હતા. હુમલા બાદ 21 ભારતીયોને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને બચાવી લેવાયા હતા, પરંતુ 3 ભારતીય ખલાસીઓ ગુમ થયા હતા. લાંબી શોધખોળ બાદ આજે તે ત્રણેય ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે અને તેમની ઓળખ કરી લેવામાં આવી છે.
ભારતે અમેરિકા સામે નોંધાવ્યો સખત વિરોધ
પોતાના નાગરિકોના મોત પર ભારતે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'એફેયર્સ (US Charge d'Affaires) જેસન મીક્સને સમન્સ પાઠવીને મંત્રાલયમાં બોલાવ્યા હતા અને આ હુમલા અંગે ભારત સરકાર વતી સખત વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ આ સંવેદનશીલ મુદ્દે ભારત સરકાર સાથે સીધા સંપર્કમાં છે અને વિગતો શેર કરી રહ્યા છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને કહ્યું છે કે સરકાર મૃતકોના પરિવારો સાથે ઉભી છે અને બચાવાયેલા 21 ખલાસીઓને વહેલી તકે ભારત પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અમેરિકા ગલ્ફમાં જહાજોને કેમ નિશાન બનાવી રહ્યું છે?
દરિયાઈ સુરક્ષા એજન્સી 'એમ્બ્રેર' (Ambrey) ના જણાવ્યા અનુસાર, ગલ્ફ વિસ્તારમાં યુએસ નેવી (US Navy) દ્વારા ઈરાની બંદરોની નાકાબંધી કરવાનું એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર કડક આર્થિક અને લશ્કરી નાકાબંધી લાદી છે. અમેરિકી સેનાનું કહેવું છે કે જે જહાજો ઈરાનથી ગેરકાયદેસર રીતે તેલ લઈ જઈ રહ્યા છે અથવા યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમને અટકાવવામાં આવી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય રાજકીય જંગમાં નિર્દોષ કોમર્શિયલ જહાજો અને તેના પર કામ કરતા ભારતીય ખલાસીઓ ભોગ બની રહ્યા છે, જે હવે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?