એર ઈન્ડિયા કનિષ્ક વિસ્ફોટઃ કેનેડાની મોટી કબૂલાત
કનિષ્ક વિમાન વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ કેનેડાએ 41 વર્ષ બાદ સ્વીકાર્યુ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
કેનેડાએ 1985ના એર ઇન્ડિયા કનિષ્ક ફ્લાઇટ 182 બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાનું 41 વર્ષે સ્વીકાર્યું છે. 23 જૂન, 1985ના રોજ મોન્ટ્રિયલથી મુંબઈ જતી ફ્લાઇટ એટલાન્ટિક મહાસાગર પર 31 હજાર ફૂટની ઊંચાઈએ ઉડતી હતી ત્યારે બબ્બર ખાલસાના આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 329 નિર્દોષ લોકોના મોત થયા હતાં. મૃતકોમાં 268 કેનેડિયન નાગરિકો હતાં. જેમાં મોટાભાગના ભારતીય મૂળના હતાં. જ્યારે 24 મુસાફરો ભારતના નાગરિક હતા.
વર્ષ 1985માં થયેલાં એર ઈન્ડિયાના વિમાન બ્લાસ્ટ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટો ખુલાસો થયો છે. કેનેડાની સરકારી એજન્સીએ આખરે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે કે, આ ભયાનક આતંકી હુમલા પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો જ હાથ હતો. ભારત શરૂઆતથી જ આ વલણ પર કાયમ હતું, પરંતુ કેનેડાએ સત્ય સ્વીકારવામાં 41 વર્ષ જેટલો લાંબો સમય લગાડી દીધો છે. કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) દ્વારા આ હુમલાને તેમના દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર આતંકી ઘટના?
આ ઘટના 23 જૂન, 1985ના રોજ બની હતી. કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 (સમ્રાટ કનિષ્ક)એ મુંબઈ આવવા માટે ટેકઓફ કર્યું હતું. જેનું લંડનમાં હોલ્ટ હતું. આ વિમાન જ્યારે આઇરિશ કોસ્ટથી આશરે 200 માઇલ દૂર એટલાન્ટિક મહાસાગર પર 31 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. ત્યારે અચાનક રડારમાંથી ગાયબ થઈ ગયું. આતંકી સંગઠન 'બબ્બર ખાલસા'ના આતંકવાદીઓએ વિમાનના કાર્ગો હોલ્ડ (સામાન રાખવાની જગ્યા)માં બોમ્બ ગોઠવ્યો હતો. હીથ્રો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થાય તેના 45 મિનિટ પહેલાં હવામાં બોમ્બ ફાટ્યો અને 82 બાળકો તેમજ 4 નવજાત શિશુઓ સહિત કુલ 329 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત સમુદ્રથી ઉપર હવામાં થયો હોવાથી એટલાન્ટિક મહાસાગરમાંથી માત્ર 131 મૃતદેહ જ મળી શક્યા હતા.
41મી વરસી પર CSISનું સત્તાવાર નિવેદન
આતંકવાદના પીડિતોની યાદમાં મનાવવામાં આવતા રાષ્ટ્રીય દિવસ પર CSISએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઉપરોક્ત વાત જાહેર કરી છે. એજન્સીએ લખ્યું કે, '23 જૂન, 1985ના રોજ કેનેડામાં સક્રિય ખાલિસ્તાની ચરમપંથીઓએ વિમાનમાં બોમ્બ મૂક્યો હતો. જેના કારણે તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતાં. મોટાભાગના કેનેડિયન નાગરિકો હતા. તે સમયે CSISની સ્થાપનાને 1 વર્ષથી પણ ઓછો સમય થયો હતો અને આ ભયાનક ટ્રેજેડીએ સુરક્ષા વ્યવસ્થાના વિકાસને એક નવી દિશા આપી હતી.'
તપાસમાં શું બહાર આવ્યું?
તપાસ દરમિયાન સામે આવ્યું કે વિસ્ફોટકો સૂટકેસમાં છુપાવીને ચેક-ઇન બેગેજ મારફતે વિમાનમાં પહોંચાડવામાં આવ્યા હતા. જે વ્યક્તિના નામે તે સામાન બુક થયો હતો તે પોતે વિમાનમાં મુસાફરી કરવા આવ્યો જ નહોતો. તપાસ એજન્સીઓએ આ ઘટનાને સુનિયોજિત આતંકી કાવતરું ગણાવ્યું.
ઓપરેશન બ્લૂ સ્ટારના બદલાની થિયરી
કેનેડિયન તપાસ મુજબ આ હુમલો વર્ષ 1984માં થયેલા ઓપરેશન બ્લૂ સ્ટારના પ્રતિશોધ રૂપે કરવામાં આવ્યો હતો. તે સમયે ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં દાવો થયો હતો કે આ કાર્યવાહીનો બદલો લેવા માટે અલગતાવાદી તત્વોએ એર ઈન્ડિયાની ફ્લાઇટને નિશાન બનાવી.
તપાસમાં ગંભીર ખામીઓ
વર્ષ 2010માં થયેલી જાહેર તપાસમાં ખુલાસો થયો હતો કે કેનેડાની સુરક્ષા એજન્સીઓએ અનેક ગંભીર ભૂલો કરી હતી. આતંકી શંકાસ્પદોની દેખરેખ દરમિયાન એકત્ર થયેલી મહત્વપૂર્ણ ફોન રેકોર્ડિંગ્સ પણ નષ્ટ કરી દેવામાં આવી હતી, જેના કારણે મહત્વના પુરાવા ગુમ થઈ ગયા. CSIS અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) વચ્ચે માહિતી વહેંચણીમાં યોગ્ય સંકલન ન હોવાથી તપાસને મોટું નુકસાન થયું હતું. ઘણા વર્ષો સુધી હુમલાને માત્ર ભારત સાથે જોડાયેલો મુદ્દો માનવામાં આવ્યો. જ્યારે હકીકતમાં મોટા ભાગના મૃતકો કેનેડિયન નાગરિકો હતા. પરિણામે તેને કેનેડાની આંતરિક સુરક્ષાના પ્રશ્ન તરીકે પૂરતું મહત્વ મળ્યું નહીં.
કોર્ટમાં કેસ નબળો પડ્યો
મુખ્ય સાક્ષીઓને ધમકીઓ મળવી, કેટલાકની હત્યા થવી અને પૂરતા પુરાવાનો અભાવ જેવા કારણોસર મુખ્ય આરોપીઓને કોર્ટમાંથી નિર્દોષ મુક્તિ મળી હતી. કેનેડાની સરકારે અગાઉ તપાસની ખામીઓ બદલ પીડિત પરિવારો પાસે માફી માંગી હતી. પરંતુ લાંબા સમય સુધી 'ખાલિસ્તાની આતંકવાદીઓ' શબ્દનો જાહેર ઉપયોગ ટાળ્યો હતો. સરકારી નિવેદનોમાં સામાન્ય રીતે માત્ર આતંકવાદી અથવા ઉગ્રવાદી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો.
કનિષ્ક વિસ્ફોટ આજે પણ ઇતિહાસનું કાળું પાનું
એર ઈન્ડિયા ફ્લાઇટ 182 પર થયેલો હુમલો આજે પણ પેસેન્જર વિમાન પર થયેલા સૌથી ભયાનક બોમ્બ વિસ્ફોટોમાંનો એક માનવામાં આવે છે. વર્ષો વીતી ગયા હોવા છતાં ભારત, કેનેડા અને આયર્લેન્ડ માટે આ દુર્ઘટના આજે પણ દુઃખદ સ્મૃતિ તરીકે યાદ કરવામાં આવે છે.
કેનેડાએ 41 વર્ષ સુધી 'ખાલિસ્તાની' શબ્દનો ઉપયોગ ટાળ્યો
ભારત શરૂઆતથી કહેતું રહ્યું છે કે આ હુમલાનું કાવતરું કેનેડાની ધરતી પર સક્રિય ખાલિસ્તાની આતંકવાદીઓએ રચ્યું હતું. પરંતુ કેનેડાની સરકાર અને સરકારી સંસ્થાઓ દાયકાઓ સુધી જાહેરમાં 'ખાલિસ્તાની' શબ્દનો ઉપયોગ કરવાનું ટાળતી રહી. આની પાછળ ઘણા કારણો હતા.
વડાપ્રધાન માર્ક કાર્નીનું નિવેદન
કેનેડાના પીએમ માર્ક કાર્નીએ આ હુમલાને દેશના ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, 'અમારો દેશ તમામ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છે.' કેનેડા સરકારે 2005માં સત્તાવાર રીતે 23 જૂનને આતંકવાદના પીડિતોની યાદમાં 'રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ' જાહેર કર્યો હતો.
હવે પરિસ્થિતિ બદલાઈ
તાજેતરના વર્ષોમાં ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની ગતિવિધિઓને લઈને તણાવ સતત વધ્યો છે. ભારત લાંબા સમયથી આરોપ લગાવતું રહ્યું છે કે, અભિવ્યક્તિની આઝાદી અને રાજકીય ગતિવિધિના નામે ખાલિસ્તાન સમર્થક નેટવર્કને કેનેડા ખુલ્લેઆમ કામ કરવા દે છે. આ દરમિયાન CSISએ 202માં વાર્ષિક અહેવાલમાં પ્રથમ વખત કેનેડા સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ (CBKE)ને કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આવા કેટલાક નેટવર્ક કેનેડાની સંસ્થાઓનો ઉપયોગ કરીને ભંડોળ એકત્ર કરે છે અને તેને હિંસક પ્રવૃત્તિઓ તરફ વાળે છે. એવું પણ કહેવામાં આવ્યું કે, તેમની હિંસક પ્રવૃત્તિઓ કેનેડા અને તેના હિતો માટે રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો બની રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?