મહેસાણાના વિજાપુરના પરિવારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં બે સંતાનો ગુમાવ્યા
મેક્સિકોથી સાન ડિએગોના દરિયાઈ માર્ગે બોટ પલટી જતાં માતા-પિતા બચી જતાં સારવાર હેઠળ

આનંદપુરાના બ્રિજેશ પટેલ, તેમના પત્ની જાગૃતિબેન, સંતાનો પ્રિન્સ અને માહી બોટમાં સવાર હતા

આનંદપુરાના બ્રિજેશ પટેલ, તેમના પત્ની જાગૃતિબેન, સંતાનો પ્રિન્સ અને માહી બોટમાં સવાર હતા
ગુજરાતના લોકોની વિદેશની ઘેલછા હજુ પણ યથાવત છે. કલોલના ડીંગુચાનો પરિવાર ગુમાવ્યા બાદ પણ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી યથાવત છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના પરિવારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં પોતાના બે સંતાનો ગુમાવ્યા છે. મેક્સિકોથી અમેરિકા જવા સવાર થયેલા પરિવારની બોટ પલટી જતાં સમગ્ર ઘટના બની હતી.
આનંદપુરાના બ્રિજેશ પટેલ, પત્ની જાગૃતિબેન અને બે સંતાનો પ્રિન્સ અને માહી મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યાં હતાં. સાન ડિએગોના દરિયા કિનારે પહોંચતાં દરિયાના મોજા આવતાં બોટ પલટી ગઈ હતી. તેથી પરિવાર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારબાદ હાથ ધરાયેલી શોધખોળમાં 10 વર્ષીય પ્રિન્સનો મૃતદેહ મળ્યો છે. જ્યારે 15 વર્ષીય પુત્રી માહીના મૃતદેહની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે.
બ્રિજેશ પટેલ અને જાગૃતિબેન પટેલ સાન ડિએગોની સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બંને પતિ-પત્ની US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ની કસ્ટડીમાં છે. ભારતના સેન ફ્રાન્સિસ્કો સ્થિત કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર સમગ્ર બાબતની પુષ્ટિ કરી છે.
આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે અને 9 લોકો ગુમ થયા છે. 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળની આજુબાજુમાંથી અનેક ભારતીય પાસપોર્ટ મળી આવ્યા છે. CBPની તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ બોટનો ઉપયોગ ઘણાં સમયથી માનવ તસ્કરી માટે થઈ રહ્યો છે.
બ્રિજેશ પટેલના એક કુટુંબીજને જણાવ્યુ હતું કે, બ્રિજેશભાઈને સબમર્શિબલ પંપનો વ્યવસાય હતો. આર્થિક દેવું થતાં તેઓ તકલીફમાં હતા. બ્રિજેશભાઈ 6 માસ અગાઉ પરિવાર સાથે લંડન કાયદેસરના વિઝા પર ગયા હતા. ત્યારબાદ તેઓ અમેરિકા તરફ કેવી રીતે ગયા તેની ખબર નથી. આ ઘટનામાં તેઓ એક બોટમાં સવાર હતા. એ દરમિયાન મોજાના કારણે બોટ પલટી જતાં 16 લોકો ડૂબ્યા હતા.
બ્રિજેશભાઈના દીકરાનો મૃતદેહ મળ્યો છે. દીકરીનો મૃતદેહ મળ્યો નથી. બ્રિજેશભાઈ અને તેમના પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે ઉમેર્યુ હતુ કે, તેઓ આનંદપુરા ગામના વતની હતા. પણ વર્ષોથી અમદાવાદ સ્થાયી થયા છે. આર્થિક ભીડના કારણે તેઓ 6 માસ અગાઉ વિદેશ જવા નીકળ્યા હતા. સોમવારે આ ઘટના બની હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?