સુપ્રીમ કોર્ટે (SC) વીર સાવરકર પરના તેમના નિવેદન બદલ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે. શુક્રવારે અદાલતે તેમને સ્વતંત્રતા સેનાનીઓ વિશે બેજવાબદાર નિવેદનો ન આપવાની સ્પષ્ટ સલાહ આપી હતી. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખુદ મહાત્મા ગાંધીએ સાવરકરનું સન્માન કર્યું હતું, એટલું જ નહીં, તેમની દાદી અને તત્કાલીન PM ઇન્દિરા ગાંધીએ પણ સાવરકરની પ્રશંસા કરતો પત્ર તેમને લખ્યો હતો. સુપ્રીમ કોર્ટે (SC) રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે તમે સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસને સમજ્યા વિના આવા નિવેદનો કરી શકો નહીં.
આવું ફરી બોલ્યા તો સીધી કાર્યવાહી થશે...
સુપ્રીમ કોર્ટે (SC) રાહુલ ગાંધીને આકરો ઠપકો આપતા કહ્યું કે, જો ભવિષ્યમાં તેમણે આવું નિવેદન આપ્યું તો કોર્ટ પોતે જ તેની નોંધ લઈને સુનાવણી કરશે. જે સ્વતંત્રતા સેનાનીઓએ આપણને આઝાદી અપાવી, તેમના પ્રત્યે તમે આવું વર્તન કેવી રીતે કરી શકો? કાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશો, કારણ કે તેમણે સાવરકર માટે 'ફેથફુલ સર્વન્ટ' લખ્યું હતું.
હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો...
રાહુલ ગાંધીએ લખનૌની કોર્ટમાંથી સમન્સ રદ કરવાની માંગ કરી છે. જો કે, ઇલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે 4 એપ્રિલ, 2025 ના રોજ રાહુલ ગાંધીને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. લખનૌના વકીલ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે 17 ડિસેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શન લેનારા કહ્યા હતા. રાહુલ ગાંધી અનેક વખત કોર્ટના સમન્સ છતાં હાજર રહ્યા નથી અને હાજર ન રહેવા બદલ તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.