પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3નો તોતિંગ વધારો
મધ્યરાત્રિએ અચાનક ભાવ વધતા જનતામાં આક્રોશ

AI જનરેટેડ

AI જનરેટેડ
Petrol Diesel Price Hike Gujarat: વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી છે. 15 મે, 2026થી અમલી બનેલા નવા આદેશ અનુસાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 3-3 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. લગભગ બે વર્ષના લાંબા ગાળા બાદ કરવામાં આવેલા આ આકરા ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના બજેટ ખોરવાઈ ગયા છે. આ વધારો માત્ર વાહનચાલકો પૂરતો મર્યાદિત નથી, કારણ કે પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
મધરાતે અચાનક અમલી બનેલો નિર્ણય
ગુજરાત સહિત દેશભરમાં ઇંધણના આ નવા ભાવ વધારાએ સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12:00 વાગ્યાથી થતો હોય છે, પરંતુ આ વખતે એક અનોખી ઘટના બની હતી. 14 મેની મોડી રાત્રે 3:00 વાગ્યે પેટ્રોલ પંપ ડીલરોને અચાનક મેસેજ કરી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેવાની સૂચના અપાઈ હતી. આ જ કારણસર વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકો અને પંપ સંચાલકો બંનેમાં આશ્ચર્ય અને મૂંઝવણ જોવા મળી હતી.
ગુજરાતની સ્થિતિ
સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પેટ્રોલમાં પ્રતિ લિટર અંદાજે ₹2.99નો વધારો થતા નવો ભાવ ₹97.50 પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર ₹3.09નો જંગી વધારો કરાતા તે ₹93.29 પ્રતિ લિટર થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ ₹97.77 અને ડીઝલનો ભાવ ₹90.67 થયો છે. આ જ રીતે દેશના અન્ય મહાનગરોમાં પણ સ્થિતિ ગંભીર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹106.68 અને ડીઝલ ₹93.14 પર પહોંચ્યું છે. કોલકાતામાં પેટ્રોલ ₹108.74 અને ડીઝલ ₹95.13 થયું છે, જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ ₹103.67 અને ડીઝલ ₹95.25 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ભાવ વધારા પાછળનું કારણ: યુદ્ધ અને વૈશ્વિક ક્રૂડ માર્કેટ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલો અસહ્ય વધારો આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા પહેલા જે ક્રૂડ ઓઇલ 70 ડોલર પ્રતિ બેરલ હતું, તે હવે ઉછળીને 100 ડોલરને પાર કરી ગયું છે. યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાયમાં ગંભીર અવરોધો ઉભા થયા છે. ક્રૂડના ભાવ વધવા છતાં ભારત સરકારે લાંબા સમય સુધી જનતાના હિતમાં ભાવ વધારો રોકી રાખ્યો હતો, જેના કારણે ઓઈલ કંપનીઓને દૈનિક આશરે 2500 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. પેટ્રોલિયમ મંત્રાલયના અહેવાલો મુજબ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને અંદાજે 30,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. નિષ્ણાતો તો ત્યાં સુધી માને છે કે જો કંપનીઓએ તેમનું નુકસાન સંપૂર્ણપણે ભરપાઈ કરવું હોય તો હજુ પણ પેટ્રોલમાં ₹28 અને ડીઝલમાં ₹32 સુધીનો વધારો જરૂરી છે.
સામાન્ય જનતા પર શું થશે અસર?
ડીઝલના ભાવ વધારાની અસર માત્ર ટ્રાન્સપોર્ટેશન પૂરતી સીમિત નથી, પરંતુ તે રસોડા સુધી પહોંચશે. ડીઝલ મોંઘું થતા ટ્રક અને ટેમ્પોના માલભાડામાં વધારો થશે, જેની સીધી અસર શાકભાજી, ફળો અને અનાજના ભાવ પર પડશે. આ ઉપરાંત, ખેડૂતો માટે ખેતીકામ પણ મોંઘું બનશે કારણ કે ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સ્કૂલ બસોના ભાડામાં પણ આગામી દિવસોમાં વધારો જોવા મળી શકે છે. જનતામાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગના લોકોનું કહેવું છે કે એકતરફ મોંઘવારી આસમાને છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે. લોકોએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જનતાને પેટ્રોલ બચાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ મંત્રીઓના કાફલા પાછળ થતા ઈંધણના ધૂમાડા પર કોઈ અંકુશ નથી.
પીએમ મોદીનું સૂચન અને ભવિષ્યની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સાવચેતીપૂર્વક અને સંયમથી ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આયાતી પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ જેથી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય અને યુદ્ધની પ્રતિકૂળ અસરોને ઓછી કરી શકાય. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૪થી ઇંધણના ભાવ સ્થિર રહ્યા હતા અને ચૂંટણી પહેલા સરકારે ₹૨નો ઘટાડો પણ કર્યો હતો. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ ઓઈલ કંપનીઓએ ભાવ વધારો અમલી બનાવ્યો છે. જો ઈરાન યુદ્ધને કારણે ગ્લોબલ એનર્જી માર્કેટમાં સપ્લાય આ જ રીતે પ્રભાવિત રહેશે, તો આગામી દિવસોમાં વધુ ભાવ વધારાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. હાલમાં તો વાહનચાલકો અને સામાન્ય જનતા મોંઘવારીના આ નવા રાઉન્ડથી પરેશાન જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?