બોઈંગ અને હનીવેલ સામે USમાં કેસ, બેદરકારીનો આરોપ
પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારોએ બોઈંગ અને હનીવેલ સામે કેસ દાખલ કર્યો
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો
અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા 4 મુસાફરોના પરિવારોએ USની વિમાન નિર્માતા કંપની બોઈંગ અને તેના ઘટક ઉત્પાદક હનીવેલ સામે અમેરિકામાં દાવો દાખલ કર્યો છે. ટેક્સાસમાં લેનિયર લો ફર્મ દ્વારા દાખલ કરવામાં આવેલા આ મુકદ્દમામાં પરિવારોએ બન્ને કંપનીઓ પર ગંભીર બેદરકારીનો આરોપ મૂક્યો છે.
તેમનો દાવો છે કે, વિમાનના ઈંધણ સ્વીચમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો. આ મુકદ્દમામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, બોઈંગ અને હનીવેલ આ જોખમો વિશે જાણતી હોવા છતાં તેમણે સમયસર કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પીડિત પરિવારોએ બાંયો ચડાવી
એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું ત્યારે ટેકઓફના થોડા સમય બાદ તે મેડિકલ હોસ્ટેલની ઈમારત સાથે અથડાયું. આ દુર્ઘટનામાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને સ્થળ પરના 19 લોકો સહિત કુલ 270 લોકો માર્યા ગયા હતા.
ભારતની એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રારંભિક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, વિમાનના એન્જિનનો ઈંધણ પુરવઠો અચાનક બંધ થઈ ગયો હતો. તપાસકર્તાઓને જાણવા મળ્યું કે, ઈંધણ સ્વીચ "રન"થી "કટ-ઓફ" તરફ ખસી ગયો હતો. પાઇલટે 10 સેકન્ડ બાદ એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.
પરિવારોનો આરોપ છે કે, આ એક ડિઝાઈન ખામી હતી. તેમના મતે, ઈંધણ સ્વીચ અજાણતામાં બંધ થઈ ગઈ હશે, જે અકસ્માતનું મૂળ કારણ હતું. તેઓ બોઈંગ અને હનીવેલને આ સમસ્યાને સુધારવામાં નિષ્ફળ રહેવા બદલ જવાબદાર ઠેરવે છે. કોકપિટ રેકોર્ડિંગ્સમાં પણ આ વાત સામે આવી છે, જેમાં એક પાઈલટે બીજાને પૂછ્યું હતું કે, "શું તમે સ્વીચ બંધ કરી દીધી?"
જેના જવાબમાં બીજાએ "ના" કહ્યું હતું. આ ઉપરાંત, અકસ્માતના 4 અઠવાડિયા પહેલા બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ બોઈંગ વિમાનના ઈંધણ નિયંત્રણ સ્વીચ અંગે ચેતવણી પણ આપી હતી, છતાં કંપનીઓએ ગંભીરતા દાખવી ન હોવાનો આરોપ છે.
બોઈંગ 787 ડ્રીમલાઈનર ક્રેશ થયું હોય તેવી આ પહેલી ઘટના છે. આ મોડેલ 14 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. બોઈંગ અને હનીવેલ બન્નેએ આ કેસ અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. પરિવારોનો આક્ષેપ છે કે, કંપનીઓએ એરલાઈન્સને જોખમ વિશે પૂરતી ચેતવણી આપી નહોતી અને સમયસર સમસ્યાનું સમાધાન કરી શકે તેવા ભાગો પણ પૂરા પાડ્યા ન હતા. આ કેસનો અંતિમ તપાસ અહેવાલ 2026માં જાહેર થવાની અપેક્ષા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?