અમદાવાદ:ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અમદાવાદમાં શહેર પોલીસનો દીવા તળે જ અંધારા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ શહેરમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરની સામે નવી બનેલી પોલીસ કમિશનર ઓફિસની બહાર જ ધોળા દિવસે પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મળતી માહિતી અનુસાર, આજે દશેરાના તહેવાર નિમિત્તે શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર પાસે નવી પોલીસ કમિશનર ઓફિસમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન રોડ ઉપર જ પોલીસની દારૂ મહેફીલનો વિડીયો વાયરલ થયો હતો. તપાસ હાથ ધરી હતી. જે ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એક પોલીસ કર્મચારી અને જે ફૂટપાથ ઉપર મહેફિલ પકડાઈ ત્યાં હેર કટીંગ સલૂન ચલાવતા શખ્સની ધરપકડ કરાઈ છે. દારૂ મહેફિલમાં સામેલ 5 માંથી 2 ની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ પોલીસ કર્મચારીની શોધખોળ ચાલી રહી છે. દારુની મહેફિલમાં હેડ કોન્સ્ટેબલ જુજારભાઈ પગી, કોન્સ્ટેબલ રાજુ બારીયા, અમિતસિંહ ગોલ, ASI વિનોદ ડામોર, સંજય નાઈ સામેલ હતા. જેમાંથી સંજય નાઈ નામના યુવકની સાથે ASI વિનોદ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ જુજારભાઈ પગી, કોન્સ્ટેબલ રાજુ બારીયા, અમિતસિંહ ગોલ ફરાર છે.
ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાની વાત છે. પોલીસ કમિશનર ઓફિસની બહાર જ જાહેરમાં દારૂની મહેફીલ ચાલતી હોવા અંગેના વીડિયો વાયરલ થતાની સાથે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, ઝડપાયેલા ASI વિનોદ ડામોર મણીનગર પોલીસ સ્ટેશનમાં ગાડી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ફરાર હેડ કોન્સ્ટેબલ જુજારભાઈ પગી એમ.ટી લોકલ પોલીસ હેડક્વાર્ટરમાં નોકરી કરે છે. ફરાર રાજુભાઈ બારીયા F-4 કંપની શાહીબાગમાં નોકરી કરે છે. ફરાર કોન્સ્ટેબલ અમિત સિંહ ગોલ વન ગાડી ડ્રાઇવર સરખેજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. ખાનગી વ્યક્તિ સંજયભાઈ નાઈ બનાવવાની જગ્યાએ વાણંદનો વેપાર કરે છે.વીડિયોમાં દેખાતી મોટરસાયકલ સંજયભાઈ નાઈ હોવાનું સામે આવ્યું છે.