Yashasvi Jaiswal Shafali Verma NADA Notice: ભારતીય ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરુષ ટીમનો વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલ અને મહિલા ટીમની સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માને નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ બંને યુવા ખેલાડીઓ સામે "વ્હેરઅબાઉટ્સ ફેલ્યોર" (Whereabouts Failure) નિયમના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેણે ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
શું છે આ 'વ્હેરઅબાઉટ્સ ફેલ્યોર' નિયમ?
એન્ટી-ડોપિંગ નિયમો અનુસાર, જે ખેલાડીઓ NADAના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP) નો ભાગ હોય છે, તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવી પડે છે કે તેઓ કયા સમયે અને કયા સ્થળે ઉપલબ્ધ હશે. આ માહિતીના આધારે ડોપિંગ કંટ્રોલ ઓફિસર (DCO) કોઈપણ પૂર્વ સૂચના વગર ખેલાડીનો રેન્ડમ ટેસ્ટ કરવા માટે પહોંચી શકે છે. જો ખેલાડી આપેલા સ્લોટ પર ગેરહાજર જણાય, તો તેને 'ટેસ્ટ મિસ' અથવા 'વ્હેરઅબાઉટ્સ ફેલ્યોર' માનવામાં આવે છે.
ક્યારે અને કેવી રીતે થઈ ભૂલ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, યશસ્વી જયસ્વાલનો ડોપ ટેસ્ટ 17 ડિસેમ્બરે નિર્ધારિત હતો, જ્યારે શેફાલી વર્મા માટે 7 નવેમ્બરનો સમય નક્કી કરાયો હતો. જ્યારે એજન્સીના અધિકારીઓ નમૂના લેવા માટે નિયુક્ત સ્થળે પહોંચ્યા ત્યારે બંને ખેલાડીઓ ત્યાં હાજર નહોતા. આ ગંભીર બેદરકારી બાદ NADA એ ફેબ્રુઆરી મહિનામાં બંનેને સ્પષ્ટતા કરવા માટે નોટિસ મોકલી હતી. યશસ્વીને 18 ફેબ્રુઆરી અને શેફાલીને 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નિર્ધારિત સમયમાં કોઈ જવાબ ન મળતા એજન્સીએ સત્તાવાર રીતે તેમની સામે પ્રથમ 'ટેસ્ટ મિસ' નોંધ્યો છે.
શું ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે?
વર્તમાન પરિસ્થિતિ જોતા આ સીધું ડોપિંગ ઉલ્લંઘન નથી, પરંતુ તે જોખમી સાબિત થઈ શકે છે. ડોપિંગ વિરોધી નિયમો મુજબ, જો કોઈ ખેલાડી 12 મહિનાના ગાળામાં સતત ત્રણ વખત પોતાનું સ્થાન જણાવવામાં નિષ્ફળ રહે અથવા ટેસ્ટ માટે ઉપલબ્ધ ન થાય, તો તેને ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. જો ખેલાડી સુનાવણી દરમિયાન સંતોષકારક ખુલાસો ન આપી શકે, તો તેના પર બે વર્ષ સુધીનો પ્રતિબંધ પણ લાગી શકે છે. જોકે, યશસ્વી અને શેફાલી માટે આ પહેલી ભૂલ છે, તેથી અત્યારે પ્રતિબંધની શક્યતા ઓછી છે, પરંતુ ભવિષ્ય માટે આ એક ગંભીર ચેતવણી છે.
ક્રિકેટના ભવિષ્ય પર સવાલ
યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા બંને ભારતીય ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય માનવામાં આવે છે. યશસ્વી હાલમાં આઈપીએલ ૨૦૨૬માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બીજી તરફ, શેફાલી વર્માએ 2025ના મહિલા વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ તેણે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ ભાગ લીધો હતો. આવા દિગ્ગજ ખેલાડીઓ જ્યારે વહીવટી પ્રક્રિયામાં ભૂલ કરે ત્યારે તે સમગ્ર બોર્ડ (BCCI) અને સિસ્ટમ સામે સવાલો ઉભા કરે છે. હાલમાં બીસીસીઆઈને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને બોર્ડના અધિકારીઓ ખેલાડીઓને કાયદાકીય મદદ અને માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ બંને સ્ટાર ખેલાડીઓ NADA સમક્ષ શું ખુલાસો કરે છે અને આ વિવાદનો અંત કેવી રીતે આવે છે. આ ઘટનાએ અન્ય ખેલાડીઓ માટે પણ શિસ્ત અને નિયમોના પાલનનો મોટો પાઠ ભણાવ્યો છે.