India A vs New Zealand A: ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની ચિંતા વધી શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલનું ખરાબ ફોર્મ યથાવત્ છે. ન્યૂઝીલેન્ડ A સામે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટના પ્રથમ દિવસે યશસ્વી ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો. પ્રવાસમાં સતત ત્રીજી ઇનિંગમાં તેનું બેટ શાંત રહેતાં તેના ફોર્મ પર સવાલો ઊભા થયા છે.
પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલ આઉટ
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા A ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ફ્રેઝર શીટ્સે મેચની પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલને LBW આઉટ કર્યો હતો. યશસ્વી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ પહેલાં પહેલી બિનસત્તાવાર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં યશસ્વીએ માત્ર 22 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ઇનિંગમાં 17 અને બીજી ઇનિંગમાં 5 રન કર્યા હતા. હવે બીજી ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થતાં પ્રવાસમાં તેની સતત ત્રીજી નિષ્ફળ ઇનિંગ નોંધાઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ઓપનરનું આ ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની શકે છે.
દેવદત્ત પડિકલે 80 રન ફટકાર્યા
યશસ્વીની વિકેટ પડ્યા બાદ દેવદત્ત પડિકલ અને સાઈ સુદર્શને ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. સાઈ સુદર્શન સારા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ બહાર જતા બોલ પર શોટ રમવાના પ્રયાસમાં જેરોડ મેકકેના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 41 રન બનાવ્યા હતા. ત્યારબાદ યશ રાઠોડ પણ 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, દેવદત્ત પડિકલે એક છેડો સંભાળીને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. પરંતુ કટ શોટ રમવાના પ્રયાસમાં બોલ તેના જ સ્ટમ્પ સાથે અથડાતાં તે સદીથી 20 રન દૂર રહી ગયો હતો.
સ્મરણ રવિચંદ્રન શૂન્ય પર આઉટ, જુરેલની શાનદાર બેટિંગ
ઈન્ડિયા Aની મુશ્કેલી ત્યારે વધી જ્યારે સ્મરણ રવિચંદ્રન ઇનકમિંગ બોલને છોડવાના પ્રયાસમાં LBW આઉટ થયો હતો. તે પણ પોતાનું ખાતું ખોલી શક્યો નહોતો. બીજી તરફ, વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે જવાબદારી સંભાળી હતી. તેણે શાનદાર બેટિંગ કરતાં 99 રનની અણનમ ઇનિંગ રમી હતી અને સદીથી માત્ર એક રન દૂર રહ્યો હતો. વોશિંગ્ટન સુંદર 8 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે માનવ સુથારે 22 રનનું યોગદાન આપ્યું હતું. આકાશ દીપ 25 રન બનાવીને ક્રીઝ પર હતો.
પ્રથમ દિવસે ઈન્ડિયા Aનો સ્કોર 291/7
બીજી બિનસત્તાવાર ટેસ્ટના પ્રથમ દિવસે ઈન્ડિયા Aએ 88 ઓવરમાં 7 વિકેટે 291 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 99 અને આકાશ દીપ 25 રન સાથે અણનમ રહ્યા હતા. હવે સૌથી વધુ નજર યશસ્વી જયસ્વાલના ફોર્મ પર રહેશે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં તેની પાસે લય પાછી મેળવવાની તક છે. સતત ત્રણ ઇનિંગ્સમાં નિષ્ફળતા બાદ આગામી મેચમાં તે કેવી રીતે વાપસી કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.