જ્યારે મોટાભાગના 14 વર્ષના બાળકો 10મા ધોરણની પરીક્ષાના માર્ક્સની ચિંતામાં ડૂબેલા હોય છે, ત્યારે બિહારના સમસ્તીપુરના એક નાનકડા ગામનો વૈભવ સૂર્યવંશી ક્રિકેટના મેદાન પર ઈતિહાસ રચી રહ્યો છે. 19 એપ્રિલ, 2025નો દિવસ વૈભવ અને તેના પરિવાર માટે ક્યારેય ન ભૂલાય તેવો બની ગયો. આ દિવસે, માત્ર 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે, વૈભવે IPLમાં ડેબ્યૂ કરીને સૌથી યુવા ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સની જર્સીમાં મેદાન પર ઉતરેલો આ યુવા તારો પોતાની પ્રથમ બોલ પર જ છગ્ગો ફટકારીને દરેકને ચોંકાવી દીધો. એક એવો સંદેશ આપ્યો કે ભલે તે ઉંમરે નાનો હોય, પણ તેની બેટમાં બોલરોને ધૂળ ચટાડવાની તાકાત છે. 20 બોલમાં 34 રનની ઝડપી ઈનિંગ રમનાર વૈભવે દર્શાવ્યું કે તે માત્ર એક ખેલાડી નથી, પરંતુ એક સપનું છે, જે હવે આકાર લઈ રહ્યું છે.
પરંતુ આ ચમકતી શરૂઆતની વચ્ચે એક ક્ષણ એવી આવી જેણે દરેકનું દિલ દ્રવી દીધું. જ્યારે લખનઉના કેપ્ટન ઋષભ પંતે એડન માર્કરમની બોલિંગ પર વૈભવને સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે સ્ક્રીન પર 'આઉટ' શબ્દ ઝબક્યો. પેવેલિયન તરફ ચાલતા વૈભવે જ્યારે પોતાનું હેલ્મેટ ઉતાર્યું, ત્યારે તેની આંખોમાં આંસુઓ ઝળકી રહ્યા હતા. આ આંસુઓ નિષ્ફળતાના નહોતા, પરંતુ એક બાળકની લાગણીઓનો સમન્દર હતો. જે આટલી નાની ઉંમરે લાખો લોકોની નજર સામે પોતાનું સપનું જીવી રહ્યો હતો.
વૈભવે આરસીબીના પ્રયાસ રોય બર્મનનો 16 વર્ષની ઉંમરે ડેબ્યૂનો રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચ્યો. પરંતુ તેની આ વાર્તા માત્ર રેકોર્ડની નથી; તે એક એવા બાળકની હિંમત, જુસ્સો અને સપનાની વાત છે, જેણે નાના ગામથી નીકળીને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મંચ પર પોતાનું નામ ઝળકાવ્યું.
વૈભવ સૂર્યવંશીની આ શરૂઆત ફક્ત એક મેચ કે રેકોર્ડની વાત નથી. તે દરેક યુવાન માટે પ્રેરણા છે, જે દર્શાવે છે કે જો તમારામાં જુસ્સો અને મહેનત હોય, તો ઉંમર માત્ર એક આંકડો છે. વૈભવની આ વિસ્ફોટક શરૂઆત એક વાત નિશ્ચિત કરે છે. આ યુવા તારાની ચમક હજુ ઘણી ઊંચાઈઓ સર કરશે.