ટ્રોફી હાથમાં લઈ સૂર્ય કુમારે માર્યો નકવીને ટોણો
'ટ્રોફીને હાથમાં પકડવાનો અહેસાસ સારો છે': કેપ્ટનનો સીધો નિશાન નકવી પર, પાકિસ્તાનમાં આગ

સૂર્યાના ટોણાથી પાકિસ્તાનમાં આગ

સૂર્યાના ટોણાથી પાકિસ્તાનમાં આગ
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી હરાવીને જોરદાર જીત મેળવી. પરંતુ અસલી ચર્ચા તો શ્રેણી જીત્યા પછી શરૂ થઈ. શ્રેણી જીત્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એવું નિવેદન આપ્યું કે જે સીધું પાકિસ્તાન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના ચીફ મોહસિન નકવીના દિલમાં સોંસરવું ઉતરી ગયું હશે!
સૂર્યાએ પોતાના કટાક્ષભર્યા નિવેદનથી એશિયા કપ 2025ના ટ્રોફી વિવાદની યાદ તાજી કરાવી દીધી, જ્યાં ભારત ચેમ્પિયન બન્યું, પરંતુ વિવાદને કારણે ટ્રોફી હજુ સુધી ઘરે આવી નથી.
'ટ્રોફીને સ્પર્શ કરવાનો અહેસાસ સારો છે'
શનિવારે બ્રિસ્બેનમાં શ્રેણીની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થઈ, પરંતુ ભારત શ્રેણી જીતી ચૂક્યું હતું. શ્રેણી જીત્યા બાદ સૂર્યાએ હળવાશથી હસીને કહ્યું,
"હાશ! આખરે કોઈ ટ્રોફીને સ્પર્શ કરવાનો અહેસાસ ખૂબ જ સારો લાગી રહ્યો છે. જ્યારે મને આ ટ્રોફી સોંપવામાં આવી, ત્યારે મેં તેને મારા હાથમાં અનુભવી."
મોહસિન નકવી પર સીધો પ્રહાર
સૂર્યાનો આ કટાક્ષ સીધો ACC ચીફ મોહસિન નકવી પર હતો. યાદ રહે કે એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ, નકવી સાહેબ વિજેતા ટ્રોફી લઈને જ રફુચક્કર થઈ ગયા હતા અને તે ટ્રોફી આજે પણ ACCની ઓફિસમાં જ ધૂળ ખાઈ રહી છે, ભારત પહોંચી જ નથી.
સૂર્યા અહીં જ ન અટક્યા, તેમણે વધુ મીઠું-મરચું ભભરાવતા કહ્યું, "થોડા દિવસો પહેલા એક બીજી ટ્રોફી પણ ભારત આવી છે. આપણી મહિલા ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. એ ટ્રોફી તો ઘરે આવી ગઈ છે. હવે આ (ઓસ્ટ્રેલિયા સિરીઝની) ટ્રોફીને પકડીને પણ ખૂબ સારું લાગી રહ્યું છે." આ નિવેદનથી કેપ્ટને સ્પષ્ટ કરી દીધું કે જીતેલી ટ્રોફી દેશમાં આવે તો કેવો આનંદ થાય!
BCCI મેદાનમાં, વિવાદ શાંત પાડવાના પ્રયાસો
સૂર્યાના નિવેદનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં આગ લાગે તે પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયા વિવાદને શાંત પાડવા મેદાનમાં ઉતર્યા છે. તેમણે કહ્યું છે કે BCCI અધિકારીઓની મોહસિન નકવી સાથે "સકારાત્મક વાતચીત" થઈ છે અને આશા છે કે ટૂંક સમયમાં આ મુદ્દો ઉકેલાઈ જશે.
ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતીય T20 ટીમનો વિજય રથ અજેય રહ્યો છે. તેમની જ કપ્તાની હેઠળ ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને ફાઇનલ સહિત ત્રણ વખત હરાવ્યું હતું. કદાચ એટલે જ સૂર્યાને મેદાન પર અને મેદાન બહાર, બંને જગ્યાએ પોતાની વાતને કેવી રીતે અસરકારક રીતે રજૂ કરવી તે બરાબર આવડે છે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.