શું ચેપોકમાં આજે રમાશે ધોનીની છેલ્લી મેચ?
અશ્વિનના ખુલાસાથી સોશિયલ મીડિયા પર તોફાન, જાણો CSK vs SRH ના આંકડા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
IPL 2026 CSK vs SRH: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 63મી મેચમાં આજે ક્રિકેટ જગતના બે મોટા દિગ્ગજો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમો વચ્ચે મહામુકાબલો રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ ચેન્નઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ (ચેપોક) સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચ માત્ર પ્લેઓફની રેસ માટે જ મહત્ત્વની નથી, પરંતુ આખી સીઝન દરમિયાન ઈજાના કારણે એક પણ મેચ ન રમનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની મેદાન પર વાપસીની અટકળોને કારણે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. ચાહકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું 'કેપ્ટન કૂલ' આજે છેલ્લી વખત પીળી જર્સીમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતા જોવા મળશે?
રવિચંદ્રન અશ્વિનના નિવેદનથી સોશિયલ મીડિયા પર ઊપડ્યું તોફાન
સીઝનની શરૂઆત પૂર્વે ચેન્નઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટે જાહેરાત કરી હતી કે એમએસ ધોની પગની ઈજાના કારણે શરૂઆતની કેટલીક મેચો ગુમાવશે, પરંતુ આ ઈજા લાંબી ખેંચાતા તેઓ આખી સીઝન બહાર રહ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના વરિષ્ઠ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, "મને મળેલી માહિતી મુજબ ધોની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આજની મેચ રમે તેવી પ્રબળ સંભાવના છે. તે અંતિમ 2-3 મેચો રમવા માટે સંપૂર્ણ ફિટ અને તૈયાર છે." આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર #DhoniReturn ટ્રેન્ડ થવા લાગ્યું છે. વર્ષ 2021 માં ટાઇટલ જીત્યા બાદ ધોનીએ વચન આપ્યું હતું કે તેની છેલ્લી T20 મેચ ચેન્નઈના ચાહકો સામે જ હશે. આથી, સત્તાવાર જાહેરાત ન થઈ હોવા છતાં ક્રિકેટ પ્રેમીઓ આ મેચને ધોનીની સંભવિત ફેરવેલ (વિદાય) મેચ તરીકે જોઈ રહ્યા છે. ધોનીની ફિટનેસના આધારે ટીમ તેનો ઉપયોગ વિકેટકીપર, ફિનિશર કે 'ઇમ્પેક્ટ પ્લેયર' તરીકે કરી શકે છે.
પ્લેઓફની રેસમાં પોઇન્ટ્સ ટેબલનું ગણિત
ટોપ-4 માં સ્થાન મેળવવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હાલમાં 12 મેચમાં 7 જીત સાથે 14 પોઇન્ટ મેળવીને ત્રીજા સ્થાને છે. જો હૈદરાબાદ આજે જીતશે તો તેના 16 પોઇન્ટ થશે અને પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ પાકું થઈ જશે. બીજી તરફ, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ 12 મેચમાં 6 જીત અને 6 હાર સાથે 12 પોઇન્ટ ધરાવે છે અને નેટ રન-રેટ નબળો હોવાના કારણે તે છઠ્ઠા સ્થાને ફેંકાઈ ગઈ છે. લખનઉ સામેની છેલ્લી મેચ ગુમાવ્યા બાદ હવે ઋતુરાજ ગાયકવાડની ચેન્નઈ ટીમ પર બાકીની બંને મેચ ગમે તે ભોગે જીતવાનું ભારે દબાણ છે.
બંને ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
આઈપીએલના ઇતિહાસમાં ચેન્નઈ અને હૈદરાબાદની ટીમો અત્યાર સુધીમાં 23 વખત સામસામે ટકરાઈ ચૂકી છે. આ આંકડાઓમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પલડું ભારે રહ્યું છે, જેણે 15 મેચોમાં વિજય મેળવ્યો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ માત્ર 8 મેચ જીતી શક્યું છે. જોકે, વર્તમાન ફોર્મ અને ગત સીઝનની વાત કરીએ તો હૈદરાબાદે સીએસકે પર દબદબો રાખ્યો છે. આ સીઝનમાં હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ મેચમાં પણ એસઆરએચે ચેન્નઈને પરાજય આપ્યો હતો, જેથી આજે ચેન્નઈ પોતાની હારનો બદલો લેવા પણ મેદાનમાં ઉતરશે.
બંને ટીમોના સ્ટાર પ્લેયર્સ પર નજર
ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ સીઝનની શરૂઆત સતત ત્રણ હાર સાથે ખૂબ જ ખરાબ રહી હતી, પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર કમબેક કર્યું હતું. સીએસકે માટે કેપ્ટન ઉપરાંત સંજુ સેમસન શાનદાર ફોર્મમાં છે, જેણે 12 મેચમાં 236.55 ની વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 450 રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો છે. બોલિંગ વિભાગમાં અંશુલ કંબોજ અત્યાર સુધીમાં 19 વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં આગળ છે. બીજી તરફ, હૈદરાબાદની ટીમ તેની છેલ્લી મેચમાં ગુજરાત સામે માત્ર 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેથી તે પોતાની બેટિંગ લાઈનઅપને સુધારવા ઈચ્છશે. હૈદરાબાદ માટે મિડલ ઓર્ડરનો બેટ્સમેન હેનરિક ક્લાસેન શાનદાર ફોર્મમાં છે, જેણે 12 મેચમાં 153.93 ની સ્ટ્રાઈક રેટથી 508 રન બનાવ્યા છે. બોલિંગમાં ઈશાન મલિંગા 16 વિકેટ સાથે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો છે.
ચેપોકની બદલાયેલી પીચ અને હવામાનનો મિજાજ
પરંપરાગત રીતે ચેપોકની પીચ સ્પિનરો માટે સ્વર્ગ સમાન માનવામાં આવતી હતી, પરંતુ આ સીઝનમાં રમાયેલી ૬ મેચોમાં અહીંનો મિજાજ તદ્દન બદલાયેલો જોવા મળ્યો છે. આ વર્ષે પીચ બેટ્સમેનોને ખૂબ જ મદદ કરી રહી છે અને અહીં સતત 200+ ના સ્કોર બની રહ્યા છે. જોકે, રમત જેમ આગળ વધે તેમ બોલ પીચ પર થોડો રોકાઈને આવે છે જેથી સ્પિનરોને પણ ટર્ન મળી શકે છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી 6 મેચોમાંથી 4 વખત રન ચેઝ કરનારી ટીમ જીતી હોવાથી ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન ચેન્નઈમાં ભારે ભેજ અને ગરમી રહેશે તથા સાંજના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11:
ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.
ઇમ્પેક્ટ પ્લેયર: કાર્તિક શર્મા / એમએસ ધોની (ફિટનેસના આધારે).
સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, આર. સ્મરણ, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા.
ઇમ્પેક્ટ પ્લેયર: પ્રફુલ હિંગે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.