ભારતના ગોલ્ડન બોય તરીકે ઓળખાતા નીરજ ચોપરાએ ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરી છે. તેણે યુરોપના ચેક રિપબ્લિક દેશના ઓસ્ટ્રાવા શહેરમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક 2025 સ્પર્ધામાં 85.29 મીટરનો જૈવેલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક્સ સબકોન્ટિનેન્ટલ ટૂરની ગોલ્ડ લેવલ ટૂર્નામેન્ટ હતી. 9 ખેલાડીઓની હરીફાઈ વચ્ચે નીરજનો થ્રો સૌથી વધુ રહ્યો અને કોઈ પણ અન્ય એથ્લીટ તેનું અવલોકન પાર કરી શક્યો નહિ. નીરજ માટે ખાસ વાત એ રહી કે, તેણે આ સ્પર્ધામાં પહેલીવાર ભાગ લીધો હતો અને સીધો ખિતાબ જીતી લીધો. આ એવોર્ડ તેના કોચ ઝેલેન્સ્કી પહેલા 9 વાર જીતી ચૂક્યા છે.
27 વર્ષીય નીરજ ચોપરાની આ સિઝનની ત્રીજી જીત રહી છે. આ સ્પર્ધાની શરૂઆતમાં તેણે 2 ફાઉલ થ્રો કર્યા હતા. ત્યારબાદ તેમણે ત્રીજા પ્રયત્નમાં 85.29 મીટરનો થ્રો કર્યો અને સ્પર્ધામાં લીડ મેળવી. બીજા, ચોથા અને પાંચમા પ્રયત્નોમાં તેણે અનુક્રમે 83.45 મીટર, 82.17 મીટર અને 81.01 મીટરનો થ્રો કર્યો હતો, જ્યારે છઠ્ઠો પ્રયાસ ફાઉલ રહ્યો. સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાના ડવ સ્મિથે બીજા રાઉન્ડમાં 84.12 મીટરનો થ્રો કર્યો અને બીજા સ્થાને રહ્યો, જ્યારે ગ્રેનાડાના પીટર એન્ડરસને પહેલા પ્રયાસમાં 83.63 મીટરનો થ્રો કરીને ત્રીજુ સ્થાન મેળવ્યું.
આ વર્ષે નીરજ માટે અત્યારસુધીનો માર્ગ શાનદાર રહ્યો છે. દોહામાં યોજાયેલી ડાયમંડ લીગ સ્પર્ધામાં તેણે પ્રથમ વખત 90 મીટરનો આંક પાર કર્યો હતો અને 90.23 મીટરનો થ્રો કર્યો હતો. આ પહેલા તેનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટરનો હતો. તેમ છતાં, તે સ્પર્ધામાં તે જર્મન એથ્લીટ જુલિયન વેબર બાદ બીજા સ્થાને રહ્યો હતો, કેમ કે વેબરે 91.06 મીટરનો થ્રો કર્યો હતો.
ત્યારબાદ, પોલેન્ડના ચોર્ઝોવમાં યોજાયેલી જાનુઝ કુસોઝિન્સ્કી મેમોરિયલમાં નીરજનો થ્રો 84.14 મીટરનો રહ્યો હતો જ્યારે વેબર ફરીથી આગળ રહ્યો હતો. છેલ્લે, પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ 88.16 મીટરનો થ્રો કરીને વેબરને હરાવ્યો અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈકમાં ગોલ્ડ મેડલ સાથે તેણે પોતાના શિખરને વધુ ઉંચું કરી દીધું છે.